પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-4-2017, મ્વાન્ઝા
સ્વામીશ્રી દારેસલામથી વિમાનમાં મ્વાન્ઝાના ઍરપોર્ટ પર ઊતર્યા ત્યારે અહીં તેઓનું સ્વાગત કરવા માટે અહીંના રિજિયોનલ કમિશનર શ્રી જ્હોન મોંગેલા પધાર્યા હતા. તેઓ આપણા અહીંના ભક્તો સાથે ખૂબ સારા સંપર્કમાં છે અને પોતે પણ ભક્તહૃદયી છે. સ્વામીશ્રી સાથેના થોડા જ સમયના વાર્તાલાપમાં તેઓ સ્વામીશ્રીમાં પૂરેપૂરા આકર્ષાઈ ગયા. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે સ્વામીશ્રી તેઓની ગાડીમાં બેસે, પરંતુ સ્વામીશ્રીની વ્યવસ્થા થઈ ગઈ હતી તેથી તે શક્ય નહોતું. મોંગેલાજીએ બીજો વિકલ્પ આપ્યો : ‘તો મને સ્વામીશ્રી સાથે એમની ગાડીમાં બેસવા દો.’ તેમની વિનંતી માન્ય રખાઈ.
સ્વામીશ્રી લેક વિક્ટોરિયામાં અસ્થિ-વિસર્જન કરવા પધાર્યા. અસ્થિ-વિસર્જન કરીને સ્વામીશ્રી ગાડીમાં વિરાજી ઍરપોર્ટ પ્રતિ પ્રયાણ કરતા હતા ત્યારે શ્રી મોંગેલાજીએ પુનઃ સ્વામીશ્રી સાથે ગાડીમાં બેસવાની ઇચ્છા દર્શાવી. ફરીથી તેઓને સ્વામીશ્રી સાથે ગાડીમાં લેવામાં આવ્યા. સ્વામીશ્રી પુનઃ મ્વાન્ઝા ઍરપોર્ટ પર પધાર્યા. મોંગેલાજી સ્વામીશ્રીને પ્લેન સુધી વળાવવા આવ્યા. તેઓ સંનિષ્ઠ સત્સંગીની જેમ પોતાના હાથનો ટેકો આપવા માટે ગમે તેમ કરીને આગળ આવી જતા, સ્વામીશ્રીનો લાભ લઈ લેતા. આથી, સ્વામીશ્રીએ પણ અત્રે તેમનો હાથ ટેકા તરીકે ઝાલી રાખ્યો હતો.
મોંગેલાજીએ જણાવ્યું કે ‘આફ્રિકામાં એવી માન્યતા છે કે મોટાપુરુષ આવે ત્યારે વરસાદ પડે અને આજે આપ આવ્યા ત્યારે પણ વરસાદ પડ્યો. માટે આપ પવિત્ર પુરુષ છો.’
છેલ્લે તેમની ભાવના વ્યક્ત કરતાં તેમણે કહ્યું : ‘It is sad that you are going. Next time I will spend a full day with you.’ (‘એ દુઃખની વાત છે કે આપ જઈ રહ્યા છો. ફરી વાર જ્યારે આપ અહીં આવો ત્યારે હું સમગ્ર દિવસ આપની સાથે ગાળીશ.’)
પ્લેન નજીક આવતાં સંતોએ મજાકમાં મોંગેલાજીને પૂછ્યું : ‘અમારી સાથે એન્ટેબે આવવું છે ?’
મોંગેલાજી તો ખરેખર તૈયાર થઈ ગયા અને કહ્યું : ‘યસ (હા).’ તેઓ ખરેખર સ્વામીશ્રી સાથે આવવા માટે રાજી હતા.
એક જ મુલાકાતમાં આટલો બધો પ્રભાવ ઉત્પન્ન કરી શકે તે સત્પુરુષનું જ સામર્થ્ય છે.
આ પૂર્વે ગાડીમાં તેમણે કહ્યું હતું કે ‘સ્વામીશ્રીની આજુબાજુ સ્પિરિચ્યુઅલ ઍટ્મોસ્ફિયર (આધ્યાત્મિક વાતાવરણ) ઊભું થાય છે. દુનિયામાં બહુ ઓછા માણસોમાં આવું તેજ હોય છે. તેથી મને તેમનામાં સહેજે પ્રીતિ થઈ ગઈ.’
તેઓ પણ જાણી ગયા કે આ સ્વામીશ્રી જેવા સત્પુરુષ તો ‘લાખોમાં લાધે નહીં, કરોડોમાં કો’ક નહીં, પણ અબજોમાં એક જ હોય.’
Vachanamrut Gems
Gadhadã II-10:
Requirements for Attaining Liberation
"… Therefore, a person who aspires to attain liberation should realise God to possess a definite form and should maintain His firm refuge."
[Gadhadã II-10]