પ્રેરણા પરિમલ
ભગવાને કામ આપ્યું છે...
સ્વામીશ્રી લંડનમાં બિરાજમાન હતા. આમ જૂના પણ બહુ નિકટ નહિ આવેલા એવા એક હરિભક્ત દાદુભાઈ સ્વામીશ્રીને કહે, 'તમે બહુ કામ કરો છો. સભામાં બેઠો બેઠો જોઉં છું, તમે લખ્યા જ કરો છો. નવરા રહેતા જ નથી.'
'ભગવાને કામ આપ્યું છે તો કરીએ છીએ. તમારે જેમ પેલો બીઝનેસ છે એમ અમારે આ ભગવાનનો આપેલો બીઝનેસ છે.' સ્વામીશ્રીએ કહ્યું.
'૧૯૫૫માં કિસુમુમાં મને યોગીબાપાએ કંઠી પહેરાવી હતી. પહેલાં ત્યાં જોયેલા. લાકડાનું બાઉલ હોય એમાં લોટા વડે પાણી રેડીને જમતા હતા.' દાદુભાઈએ જૂની સ્મૃતિ કહી.
'અમારે એ જ રીતે જમવાનું હોય છે.' સ્વામીશ્રીએ કહ્યું.
'આટલું બધું દુઃખ લેવાની જરૂર શું ?'
'આ ક્યાં દુઃખ છે ? નિયમ છે. ભગવાનની આજ્ઞા છે. એમની આજ્ઞામાં રહેવું એ કષ્ટ નથી. અને ભગવાને શરીર આપ્યું છે તો એમને માટે કષ્ટ પડે તો પણ વાંધો નથી.' સ્વામીશ્રીએ કહ્યું.
'તમારું હાર્ડ વર્ક છે.' સ્વામીશ્રી જે ભીડો વેઠી રહ્યા છે તેથી જાણે એમને પીડા થતી હોય એમ દાદુભાઈ બોલી રહ્યા હતા. પણ સ્વામીશ્રી ક્યાંય જરા સરખો પણ એ કઠણ નિયમો કે સતત સેવાનો બોજ જણાવવા દેવા માગતા નહોતા. તેઓ સહજતાથી બોલ્યા :
'બીજાના હિતને માટે થાય એ સારી વાત છે.'
એમ કહી સ્વામીશ્રી પુનઃ પ્રવૃત્ત થઈ ગયા.
Vachanamrut Gems
Loyã-14:
Shriji Mahãrãj Dislikes Those...
"… I have a strong dislike for those who have anger, egotism or jealousy…"
[Loyã-14]