પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૭
ગોંડળ, તા. ૨૩-૨-'૬૧
યોગીજી મહારાજના સખા અને લાડીલા રાજકોટના શેઠ નારણભાઈ અને ગિરધરભાઈના અતિશય આગ્રહથી સ્વામીશ્રીએ ખાટલામાં સૂવાનું આજથી શરૂ કર્યું હતું.
ચાલીસ વર્ષ સુધી, ભોંય પથારી કરનાર પુરુષે આજે સિત્તેર વર્ષે જીવનમાં સૌ પ્રથમવાર ઢોલિયાનો સ્પર્શ કર્યો. એમનું અંતર ઘણું જ દુભાતું હતું, પણ ભક્તોના અતિશય આગ્રહ આગળ, જીવનમાં કદાચ પહેલી જ વાર સ્વામીશ્રીએ નમતું જોખ્યું. પોતાના અડગ વર્તમાનમાં, હરિભક્તોને રાજી રાખવા છૂટ મૂકી. છતાં અડધી રાત્રે એકદમ જાગ્રત થઈ ગયા અને જાણે મહાન અપરાધ થયો હોય એમ એકધારું બોલવા લાગ્યા : 'બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે.' એમ કહી ખાટલો કાઢી નાંખ્યો ને નીચે પથારી કરાવી પોઢી ગયા.
બીજે દિવસે રાત્રે ફરીથી હરિભક્તોએ અને સંતોએ સ્વામીશ્રીને આગ્રહ કરી ખાટલામાં પોઢાડ્યા. છેવટે ભક્તોના પ્રેમ આગળ હાર કબૂલ કરી સ્વામીશ્રીએ ખાટલામાં પોઢવાનું માન્ય રાખ્યું. પોતે દુઃખી થઈ ભક્તોને સુખ દીધું.
સવારે દાતણ કરતાં કરતાં સ્વામીશ્રી કહે, 'તબિયત બહુ સિરિયસ (serious) છે. આ બધો આફ્રિકાનો થાકોડો છે.'
સવારે ઊઠીને સંતોને વાતો કરે ત્યારે એમ જણાય કે રોગ નથી. પછી જેવા આરામ કરે ત્યારે મનુષ્યચરિત્રો શરૂ કરે અને સંતોને કહેવા લાગે કે 'મટશે કે નહિ ? ક્યારે મટશે ? ઊંઘ આવશે કે નહિ ? તમે સંકલ્પ કરો તો મટી જાય. તમે સંકલ્પ કરજો, ઊંઘ આવે તે માટે માળા ફેરવજો, દેરીમાં મારા વતી પ્રદક્ષિણા કરજો.' વળી, રાત્રે બે આરતી વચ્ચે દેરીમાં સૌને ધૂન કરવા મોકલે ને કહે, 'બે આરતી વચ્ચે ઠાકોરજી આપણી અરજી સાંભળે.'
જમતી વખતે પણ બહુ લીલા કરે ને કહે, 'એમ થાય છે, જમવું નથી. પરસેવો વળે છે.' એમ બહાનાં બતાવી અતિ સૂક્ષ્મ આહાર કરે. સ્વામીશ્રી કહે, 'ચાર મહિનાથી આવું ને આવું હતું. લોહી પડતું હતું, પણ કોઈને કહીએ નહિ.' આવું ઘણું ઘણું દેહનું કષ્ટ સ્વામીશ્રી છુપાવતા, દેહે કરીને દુઃખ ભોગવતા અને ભક્તોને સુખિયા કરવા અવિરત પરિશ્રમ કરતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-62:
Vital Inclinations
“If, however, one does not have intense love for God, one should strengthen only ãtmã-realisation by thought. Why? Because a devotee of God should either possess resolute ãtmã-realisation or extremely profound love for God. If a person is not firm in either one of these two inclinations, he should strictly abide by the niyams of this Satsang; only then will he be able to remain a satsangi, otherwise he will fall from Satsang.”
[Gadhadã II-62]