પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૬
મોમ્બાસા, તા. ૩૦-૪-૧૯૭૦
હમણાં હમણાં વહેલી સવારે યોગીજી મહારાજને ઊંઘ આવી જતી. એટલે એક-બે વાર સવા પાંચ વાગ્યે ઉઠાડ્યા નહિ. સાડાપાંચ કે પોણા છ થઈ જાય. એથી સવારની કથા, જે હંમેશાં સવાપાંચ પછી કરતા, એ થઈ શકતી નહિ. પોતે ખૂબ અકળાય અને કહે, 'કથા થતી નથી.'
'કથા તો આખો દિવસ થાય છે. અત્યારે ઊંઘ આવતી હોય તો આરામ લેવો સારો.' સૌ સેવકો સ્વામીશ્રીને સમજાવતા, પણ સ્વામીશ્રીનું મન જરા પણ માનતું નહિ અને સેવકોને બહુ ઠપકો આપતા. જ્યારે જ્યારે ઊઠવામાં મોડું થાય ત્યારે વઢતા. સવા પાંચ વાગે ઊઠવાનો આગ્રહ રાખતા અને સવારની કથા અચૂક કરાવતા. ઘણીવાર તો આખી રાત ઊંઘ ન આવી હોય ને સવારમાં જરા આંખ મળી હોય, તોપણ સવા પાંચ વાગે તો સ્વામીશ્રીને ઉઠાડવા પડે જ. નહિ તો એમને જરા પણ ગમે નહિ અને ઊંડો નિઃશ્વાસ નાંખે, અકળાઈ જાય.
ક્યારેક સવા પાંચે ઊઠ્યા પછી કથા સાંભળતાં સાંભળતાં પણ એમની આંખો મળી જતી, પણ કથાનું અનુસંધાન હોય એટલે ઝબકીને જાગે ને 'વાંસો લ્યો' એમ બોલતા જાય. આપણને લાગે કે આવી તંદ્રા અવસ્થામાં કથા-પ્રસંગનું અનુસંધાન સ્વામીશ્રીને નહિ રહેતું હોય, પણ વચ્ચે વચ્ચે ઘણીવાર કથાનો મરમ સમજાવતા રહે, ત્યારે એમની યોગનિદ્રાનો મહિમા સમજાય. રાત્રે સ્વામીશ્રી ઊંઘની ગોળી લેતા. એની અસર લગભગ વહેલી સવારે વધુ થતી. આખી રાત ઊંઘ ન આવી હોય, આખા દિવસનો થાક ઊતર્યો ન હોય, છતાં સ્વામીશ્રી સવારે તો સવા પાંચ વાગે ઊઠવાનો જે આગ્રહ રાખતા એના ઉપરથી કથાવાર્તાની એમની રુચિ કેટલી હદે છે તેનો ખ્યાલ સહેજે આવતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]