પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૫૪
મોમ્બાસા, તા. ૨૩-૪-૧૯૭૦
આજે દેશથી સાથે આવેલા હરિભક્તો મોમ્બાસાથી સ્ટીમરમાં પાછા જઈ રહ્યા હતા. યોગીજી મહારાજ વહેલા વહેલા પૂજામાં પધાર્યા. સૌને મળ્યા. આશીર્વાદ આપ્યા. સ્વામીશ્રીએ એમને માટે ખાસ હાર તૈયાર કરાવ્યા હતા. બધાને હારતોરા કર્યા. ચાંદલા કર્યા. બે દિવસ પહેલાં સૌને પરદેશયાત્રાની સ્મૃતિ રહે તે માટે આફ્રિકાના હરિભક્તો પાસે નાનકડી સ્મૃતિ ભેટ પણ અપાવડાવી હતી. બધાયને ખૂબ રાજી કરી વિદાય કર્યા.
બપોરે સ્ટીમર ઊપડવાના સમયે, સ્વામીશ્રી એકાએક કહે, 'આપણે સ્ટીમર ઉપર જવું છે.'
ઠંડો પવન ફૂંકાતો હતો. હવામાન સારું નહોતું. તેથી સી. ટી. પટેલે સ્વામીશ્રીને વિનંતિ કરી, 'બાપા ! પવન બહુ છે.'
'આપણે જવું જ છે.'
'પણ બાપા, પવન છે.'
'પવન નહિ નડે. પવન બેસી જશે.' સ્વામીશ્રીએ મક્કમતાથી કહ્યું અને મોટર તૈયાર કરાવી. બંદર ઉપર જવા નીકળ્યા. ઠેઠ સ્ટીમર સુધી ગયા. દસથી પંદર મિનિટ બેઠા. બધાંયને દર્શન આપ્યા. દેશ જનારા હરિભક્તો તો હર્ષઘેલા થઈ, સ્વામીશ્રીનાં દર્શન જ કરતા રહ્યા...
'... કેટલી દયા. ઠેઠ સુધી વળાવવા આવ્યા. દર્શન આપવા આવ્યા. સવારે બધાયને હારતોરા કર્યા. આશીર્વાદ આપ્યા...' સ્વામીશ્રીની કરુણા-દયાની ગંગોત્રીમાં પણ સ્નાન કરતાં સૌ ગળગળા થઈ ગયા.
ઠાકોરજીનો પ્રસાદીનો હાર સ્વામીશ્રીએ સી. ટી. પટેલ દ્વારા દરિયામાં નંખાવ્યો. છોટાભાઈ દરિયાનું જળ લાવ્યા તે પોતાને માથે ચઢાવ્યું. સૌના ઉપર છાંટયું અને વધેલું પાણી દરિયામાં પાછું નંખાવ્યું અને આશીર્વાદ વરસાવ્યા કે 'દરિયામાં રહેતાં બધાં જીવજંતુ, બધાંયનું કલ્યાણ !'
સ્વામીશ્રીની દરેક ક્રિયા સહજ હોય છતાં એમાં અનેરો સંદેશ પણ હોય. દેશના હરિભક્તોને આગ્રહ કરીને પોતે સાથે લાવ્યા. આફ્રિકાનો સત્સંગ, હરિભક્તોનો પ્રેમ, મહિમાનો અનુભવ સૌને કરાવ્યો. વળી, આફ્રિકાના હરિભક્તોને પણ દેશના હરિભક્તોની બરાબર સેવા કરવા આદેશ આપ્યો. છેલ્લે ભાવભીની વિદાય જે સૌને આપી તથા હારતોરા કર્યા, એ તો સત્સંગમાં એકબીજાનો મહિમા સમજવાનું સર્વોચ્ચ દર્શન સ્વામીશ્રીએ સૌને કરાવ્યું. એમના જીવનમાં તો આ મહિમા સહજ જ હતો, પણ સૌને એ દિશ બતાવી !
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-10:
Form of Vairagya
"… In the same way, when one realises the bliss related to God, one develops vairãgya towards all worldly pleasures, and one develops love only for the form of God. That is the form of vairãgya."
[Gadhadã II-10]