પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૫૦
દેશમાં) તા. ૧૫-૧-૧૯૬૧
યુવકોને સંબોધીને યોગીજી મહારાજ કહે, ''અમારા ગુરુ કૃષ્ણચરણદાસ સ્વામી નાના હતા ત્યારે સ્વામી (ગુણાતીતાનંદ સ્વામી) એમને ગામ (મોટી કૂંકાવાવ) પધારેલા અને તેઓ તાંસળીમાં દહીં લઈને સ્વામી પાસે ગયા. તેમને મોઢા ઉપર શીળીનાં ચાઠાં ખૂબ હતાં. તે સ્વામી કોઈની સામું જુએ નહિ, પણ આ છોકરો આવ્યો તેની સામે ઊંચું જોઈ દૃષ્ટિ કરી. ત્યારથી નજર પડી ગઈ અને સાધુ થયા. પછી જે કોઈ દર્શન કરવા આવે તેને (કૃષ્ણચરણ સ્વામી) કહે, 'છોકરા, ભગવાન ભજ... સાધુ થાવું છે ?' એમ કહી સાધુ થવા કહેતા.''
એટલે અમે સૌએ કહ્યું : 'અત્યારે પણ એવું જ છે.' ત્યારે સ્વામીશ્રી હસવા લાગ્યા.
'આપ નાના હતા ત્યારે ભાષણ કરતા કે નહિ ?' એમ પૂછ્યું.
એટલે સ્વામીશ્રી કહે : 'હા, અમે ખૂબ ભાષણ કરતા. જૂનાગઢમાં ખેતરમાં દસ હજાર માણસની સભા થઈ હોય અને અમને સ્વામી બાળમુકુંદદાસ સ્વામી કહે, 'જોગી, વાતું બોલો.' એટલે અમે સભામાં ઊભા થઈને બોલતા.''
ફરી સૌએ પૂછ્યું, 'આપ નિરૂપણ કરતા ?'
તેના જવાબમાં સ્વામીશ્રી કહે : 'વાતું બોલી પછી નિરૂપણ પણ કરતા અને બે ગાઉ સુધી સંભળાય. નળિયા ગગડે એવું જોશથી બોલતા.'
ફરી પૂછ્યું : 'આપ તો કૃષ્ણચરણ સ્વામીના મંડળમાં હતા ને !'
ત્યારે સ્વામીશ્રી કહે, 'હા, પણ બાળમુકુંદદાસ સ્વામી અને કૃષ્ણચરણદાસ સ્વામી બંને ગુરુભાઈ હતા. આ બંને મંડળ એક હતાં. જૂનાગઢમાં બધાં મંડળોમાં એકતા. બહુ તપ-ત્યાગ. અમે બધા સદ્ગુરુઓની ખૂબ સેવા કરી અને રાજીપો મેળવ્યો છે. દેહને ઘસી નાંખ્યો છે.'
વળી યુવકોએ સ્વામીશ્રીને પૂછ્યું, 'આપનું નામ જોગી ક્યારથી પડ્યું ?'
ત્યારે કહે : 'અમે જૂનાગઢમાં સં. ૧૯૬૫માં આવ્યા પછી બહુ સેવા કરતા. તપ-ધારણાંપારણા કરતા એટલે અમારા ગુરુ અમને જોગી કહેવા લાગ્યા. પણ અમે કોઈ જોગ સાધ્યો નથી.'
'....અમે સરધાર પાસે હાજડિયાળા ગામમાં ગયા હતા. ત્યાં બપોરે વાસણ ઘસતા હતા. ત્યાં એક ગરાસિયો આવ્યો, તે જોષી હતો. તે અમારા પગમાં ઊર્ધ્વરેખા જોઈને કહે, 'આ તો મહાન થશે. આને સૌ માનશે.' પછી અમે કહ્યું : 'અમે તો સેવક છીએ. અમે વાસણ ઘસી જાણીએ, સેવા કરીએ, પાયખાનાં ધોઈએ, અમારે મહાન નથી થાવું.' તે કહે, 'તમારે ભલે મહાન નથી થાવું, પણ તમે મોટા થશો એટલે જરૂર મહાન થશો અને બહુ પૂજાશો. અત્યારે તમે ભલે બહુ સેવા કરો, પણ ચાલીસ વર્ષ પછી સૌ તમને પૂજશે...'
'...અમે નાના સાત વર્ષના હતા પછી ભણવામાં પહેલો નંબર જ આવે, તે પહેલો નંબર બીજાને આપી દઈએ અને અમે છેલ્લી પાટલીએ બેસીએ. અમે સાત ચોપડી ભણ્યા. તે ઈનામ બહુ મળતાં. સીસાપેન ચોપડી વગેરે...'
આવી કેટલીક વાતો સ્વામીશ્રી યુવકોને બળ આપવા અને હેત પમાડવા ક્યારક કરતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-66:
Pray to God to Recognise and Destroy one's Faults
“For those faults which one cannot recognise, one should pray to God: ‘Mahãrãj, please be compassionate and destroy whichever faults I may have’ …”
[Gadhadã II-66]