પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-12-2010, વડોદરા - મુંબઈ
બોચાસણથી વડોદરા જઈને અહીંથી વિમાન દ્વારા સ્વામીશ્રી મુંબઈ પધારવાના હતા. 4:50 વાગે વડોદરા હરણી ઍરપોર્ટ આવી ગયું. સમગ્ર વડોદરા સત્સંગ મંડળ સ્વામીશ્રીના પસાર થતાં દર્શન કરવા માટે ઊમટ્યું હતું. સ્વામીશ્રીની ગાડીને પરમિશન આપવામાં આવી હતી. ઍરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ સ્વામીશ્રીનું સ્વાગત કર્યું અને ગાડીને ઠેઠ વિમાન સુધી લઈ જવામાં આવી.
અંદર સઘળી તૈયારીઓ થઈ ગઈ ત્યારપછી સ્વામીશ્રી વિમાનમાં પધાર્યા. સ્વામીશ્રીની સાથે વિવેકસાગર સ્વામી, યોગીચરણ સ્વામી, કૃષ્ણવલ્લભ સ્વામી, નારાયણચરણ સ્વામી હતા અને ડૉ. કિરણભાઈ દોશી પણ સાથે જ હતા. નિયત કરેલા સમય મુજબ જ 5:10 વાગે વિમાને મુંબઈ તરફ ગતિ સાધી. આમ તો બધું જ સમુસૂતરું ઊતરે તો 34 મિનિટમાં જ મુંબઈ આવી જવાનું હતું. સ્વામીશ્રી સ્વાસ્થ્યના પરીક્ષણ માટે પધારી રહ્યા હતા, પરંતુ એટલા બધા હળવાશભર્યા મૂડમાં હતા અને નાની નાની બાબતોમાં પણ એટલું હસતા કે સાથેના કોઈને પણ સ્વાસ્થ્યની ગંભીરતા રહે નહીં.
થોડી વારમાં ડૉ. કિરણભાઈ દોશીએ સ્વામીશ્રીની નાડી તપાસી. નાડી વ્યવસ્થિત ચાલતી હતી. હળવા મૂડમાં સ્વામીશ્રી હસતાં હસતાં કહે : ‘હમણાં નાડી જોઈ. આપણને તો ખબરેય ન પડે. ડૉક્ટર કહે કે આ તો હૃદયનું છે ત્યારે ખબર પડે, બાકી કશું ખબર ન પડે, દુનિયામાં કેટલાય લોકોને હાલ્યું જતું હશે ! ડૉક્ટર ઊંચું-નીચું ઊંચું-નીચું કર્યા કરે.’
આ સાંભળીને સંતો કહે : ‘આપ તો સમગ્ર સત્સંગના પ્રાણ છો. એટલે આપને થોડું પણ હોય તો પણ આખા સત્સંગને અસર કરે.’
આ રીતે હળવી વાતો ચાલતી હતી. સૌને મનમાં એમ હતું કે ‘હમણાં મુંબઈ આવશે,’ પરંતુ મંુબઈની ઍરસ્ટ્રીપ બીઝી હતી. એટલે મંુબઈની આજુબાજુ વિમાનને ચક્કર મારવા પડ્યા. વિમાનના સ્ક્રીન ઉપર કેટલાય વખત સુધી મુંબઈ પહોંચવા માટે 27 મિનિટ લાગશે, એવું ડિસપ્લે થતું હતું. બહુ બહુ તો 23-24 મિનિટ સુધી આવે અને વળી પાછું 27 મિનિટ ઉપર જતું રહે. એટલે જાણે એમ જ લાગે કે હજી વડોદરાથી થોડેક જ દૂર પહોંચ્યા છીએ. ઘટ્ટ વાદળોની ચાદરમાં સરકતા હોઈએ એવું અદ્ભુત દૃશ્ય લાગતું હતું. સૂર્ય પણ ઢળવાની તૈયારીમાં હતો અને એને કારણે ક્ષિતિજ ઉપર વાદળોની કિનાર ઉપર સર્જાતી સોનેરી રેખાઓ અત્યંત મનમોહક લાગતી હતી. સ્વામીશ્રીએ પણ આ કિનાર ઉપર દૃષ્ટિ કરી. રૂપેરી કિનારની તો કહેવત છે, પણ આ તો જાણે સોનું વરસતું હોય એવું અદ્ભુત દૃશ્ય લાગી રહ્યું હતું !
વિમાને લગભગ અડધો કલાક સુધી તો મુંબઈની આજુબાજુ ચક્કર માર્યા હશે અને એટલે જ વારે વારે સ્વામીશ્રી સ્ક્રીન ઉપર જોતા હતા. લેન્ડિંગ માટેની પરમિશન મળે એનો સ્વામીશ્રીને મન એક જ ઉપાય હતો - ધૂન. અને એટલે જ હરિકૃષ્ણ મહારાજની સામે જોઈને સ્વામીશ્રીએ ધૂન શરૂ કરી અને જાણે ચમત્કાર સર્જાયો હોય એમ વિમાને નીચે ઊતરવાની શરૂઆત કરી. વિમાને ઍરસ્ટ્રીપને સ્પર્શ કર્યો ત્યારે જ સ્વામીશ્રીએ ધૂન પૂરી કરી.
6:30 વાગ્યા હતા. અંધારું ઢળી ચૂક્યું હતું. વિમાન ઊભું રહ્યું. ફોર્કલિફ્ટ દ્વારા સ્વામીશ્રી નીચે ઊતર્યા અને ગાડીમાં વિરાજ્યા. પછી કોઠારી સ્વામીએ પુષ્પગુચ્છ આપીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ઍરપોર્ટના અધિકારીઓએ પણ સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા અને ત્યારપછી ગાડી ઍરપોર્ટમાંથી બહાર નીકળી. અહીં એસ્કોર્ટના યુવકોએ સાંજના ભરચક ટ્રાફિકમાં ખૂબ ઝડપથી સ્વામીશ્રીને દાદર લાવવામાં સુંદર સેવા કરી.
Vachanamrut Gems
Gadhadã III-22:
Sins are Eradicated on Seeing Faults in Oneself
“Furthermore, one who has already maligned a devotee of God and whose maligning attitude has become established will under no circumstance be able to eradicate that attitude. On the other hand, another person who is in the process of maligning, realizes, 'I have committed a grave sin in maligning God and his devotees; therefore I am extremely vile, and God and his devotees are extremely great.' When one sees others' virtues and sees faults within oneself in this manner, then any sins one may have committed will be eradicated, however grave they may be.”
[Gadhadã III-22]