પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૫
ટબોરા, તા. ૯-૧૨-'૫૯
અહીં રાતની સભા પૂરી થઈ. હું તથા વિનુ ભગત વાતો કરતા હતા. ત્યાં અમારા વિચારો પકડી, અંતર્યામીપણે જાણે સભામાંથી ઊઠીને યોગીજી મહારાજ અમારી પાસે પધાર્યા અને રસોડામાં બેસાડીને અમને વાત કરી :
'જુઓ, બે દિવસથી હિંદીમાં અને અંગ્રેજીમાં વાત નથી કરતા (પ્રશ્નોત્તર). એકવાર આજ્ઞા આપી પછી તેનો જરા લોપ ન જ થવો જોઈએ. ગમે ઈ કામ પડતું મૂકીને પણ કરી લેવું. રાજાએ આજ્ઞા કરી કે કૂવામાં પડીને કોરો કોણ બહાર નીકળે ? છતાં નોકર પડ્યો-શું ? આજ્ઞા માટે. આપણે પણ આજ્ઞા ઉપર તાન રાખવું. પ્રગટની એક આજ્ઞા કરોડ આજ્ઞા કરતાં વધારે છે.'
એમ કહી હસતા જાય. ફરી અમને ઉદ્દેશીને કહે...
'કહો, કરીશું. પછી આગળ ઉપર બહુ બળ આવશે... હમણાં જણાશે નહિ... તમારે વાત કરવી જોઈએ. તમને નવા જમાના પ્રમાણે વાત કરતાં આવડે. અમારી તો ગામડિયા વાતું તે સમાસ ન થાય. ગુજરાતમાં હતા ત્યાં વાત કરતા, પણ અહીં લોકો ભણેલા તે આપણી વાત ન રુચે અને અમારા કોઈનાં શરીર સારા નહિ.'
'અમને સ્વામીએ એક વાર કહ્યું : 'જોગી' તે ખાવાનું પડતું મૂકીને ધોડતા ! એવો કાંટો ચડી જતો ! તે પાંત્રીસ વર્ષ થયા છતાં નથી ઊતર્યો. તૈયે સ્વામીએ પચાસ સાધુની આગળ મૂકી દીધો. ગાદી સોંપી દીધી. નહિ તો જોગીને શું આવડતું ? પાંત્રીસ વર્ષ લગણ દેહને ગણ્યો નથી, પણ આ સારણગાંઠ થઈ તે સ્વામીની આજ્ઞાથી ઉકાળો લઉં છું તે પચે છે, નહિ તો મારી ઇચ્છાથી કાંઈ લઉં તો પચે નહિ...'
'હું અગિયાર વર્ષે આવ્યો... પંદર સદ્ગુરુની સેવા કરી છે. વિજ્ઞાનદાસ સ્વામીના ભીડામાં કોઈ ન રહી શકે. છતાં સત્તર વર્ષ રહ્યો અને રાજીપો લીધો. નિર્ગુણ સ્વામીને પણ રાજી કર્યા...'
મને ઉદ્દેશીને કહ્યું, મૂંઝવણ ન રાખવી. દેહના દુઃખ સામું જોવું નહિ. દેહને રોજ વઢવું. મન સાથે લડાઈ લેવી. મન નકામું છે, ભગવાન નહિ ભજવા દે. 'તારા ભૂક્કા કાઢી નાંખીશ !' એમ મન સાથે લડાઈ લેવી, પણ મૂંઝવણ ન રાખવી. હવે આપણે શું બાકી છે ? શ્રીજીમહારાજ સાક્ષાત્ પ્રગટ મળ્યા છે તો મૂંઝાવું નહિ અને શ્રદ્ધાથી મંડવું. દોષનો શો ભાર છે ? આમ ટળી જશે ! સંત સ્વામીએ શાસ્ત્રીજી મહારાજની એવી સેવા કરી, દેહને જરાય ગણ્યું નહિ, તો રાજીપો થયો...'
એકદમ પરભાવમાં આવી જઈ લગભગ અડધો કલાક સુધી સ્વામીશ્રીએ આવી અદ્ભુત શિખામણની, બળની વાતો, અમને કરી હતી.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Difference between a Wise Person and a Fool
“Moreover, if a wise person is scolded by someone, he would in turn consider the scolder’s virtues; on the other hand, if someone offers some useful advice to a fool, the fool would be offended…”