પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૬
મ્વાંઝા, તા. ૫-૪-૧૯૭૦
આજે સાંજે મંદિરમાં જતાં યોગીજી મહારાજ કહે, 'કાલે મંકોડા કરડી ગયા, એનો મોક્ષ થઈ ગયો.'
'બાપા ! એ મોક્ષ ખોટો ને...' મેં કહ્યું.
'બરાબર કરડ્યા. આવા કોઈવાર કરડ્યા નહિ. એનો મોક્ષ થઈ ગયો ! હવે એનો બીજો જન્મ મનુષ્યનો આવશે અને સત્સંગનો યોગ થશે.'
કેવી દયા ! કરડ્યા તો પણ મોક્ષ !
સ્વામીશ્રી જ્યાં પધારે ત્યાં એની સુવાસ પ્રસરી રહે. મ્વાંઝા ગામમાં સારો સત્સંગ થયો. ઘણા ભાઈઓએ વ્યસનો છોડ્યાં. અમે જેમને ઘરે ઊતર્યા હતા, એ રામુભાઈના દીકરા સતીશભાઈને કોઈ વ્યસન નહોતું. સ્વામીશ્રીએ એમને પૂછ્યું. 'ફિલ્મ જોવા ક્યારેક ઘરના માણસ સાથે જવું પડે છે,' સતીશભાઈએ નિષ્કપટભાવે કહ્યું.
'નો જાવું, લો પાણી.' સ્વામીશ્રીએ જળ મુકાવ્યું.
બીજે દિવસે સતીશભાઈ સ્વામીશ્રી પાસે આવ્યા ને કહે, 'બાપા ! એવું કરું તો? ફિલ્મ જોઈને પછી બીજે દિવસે (પ્રાયશ્ચિત્તરૂપે) ઉપવાસ કરી નાંખું.' વ્યાવહારિક મુશ્કેલીનો રસ્તો કાઢતાં એમણે નમ્રભાવે સ્વામીશ્રી આગળ સૂચન મૂક્યું. એમની નિખાલસતા અને સરળતાથી સ્વામીશ્રી રાજી થયા.
- સાધુ ઈશ્વરચરણદાસ