પ્રેરણા પરિમલ
ભગવાન તો એક જ...
સ્વામીશ્રી લંડન મંદિરમાં પૂજામાં પધાર્યા. ત્યાં એક પ્રેમી હરિભક્તે જય બોલાવી, 'પૂર્ણ પુરુષોત્તમ પ્રમુખસ્વામી મહારાજની જય.'
તુરત તેના તરફ વક્રદૃષ્ટિ કરતાં સ્વામીશ્રીએ તેને રોક્યો. આવી ભૂલ ક્યારેય ન કરવા જણાવ્યું. પ્રેમના આવેશમાં મહારાજને ક્યારેય ગૌણ ન કરવા - એ ખાસ સૂચના કરી.
પૂજા બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ ઉપાસનાશુદ્ધિની વાત કરતાં કહ્યું, 'ભગવાન તો એક જ - સ્વામિનારાયણ - શ્રીજીમહારાજ !'
'ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ બધા સેવક. ભગવાનના ધારક સંત. ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ ભગવાન છે ને એને લઈને ભગવાનનું ચાલે છે એમ કહે તો કેવું કહેવાય ? શાસ્ત્રીજી મહારાજે આ વાત દૃઢ કરી ને કાર્ય કર્યું. આપણે મહારાજને મુખ્ય રાખીને જ કાર્ય કરવાનું છે. શાસ્ત્રીજી મહારાજે પોતાની મૂર્તિ ન પધરાવી. ભાદરણનો પુરુષોત્તમ - ભગતજીનો શિષ્ય, પણ સમજફેર કે હું જ ભગવાન છું અને મહારાજની મૂર્તિ બાજુમાં મૂકી દીધી તો ઝાઝું ચાલ્યું નહિ.'
'ઉપાસનાનો માર્ગ ચોખ્ખો સમજવો. અમુક જણાએ અક્ષરરૂપ થવાનું કાઢી નાખી, મહારાજની મૂર્તિમાં જ રસબસ થવાની વાત કરી તે ગુણાતીતાનંદ સ્વામીનું ખંડન. ભક્તનું ખંડન. શ્રીજીમહારાજ કોઈને લઈને ભગવાન કહેવાયા એવી વાત ક્યાંય લખી નથી. અને એ સંભવિત પણ નથી.
'નંદાજીએ પણ શાસ્ત્રીજી મહારાજને કહેલું કે મેં શ્રીજીમહારાજને જોયા નથી, તો તમારી માળા ફેરવું તો ? શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટ કહી દીધું કે ભજન તો એક સ્વામિનારાયણ ભગવાનનું જ કરવાનું. અમે તો એમના દાસ છીએ.'
'યોગીજી મહારાજે ૬૦ વર્ષ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સાથે રાખી ને સેવા કરી. શું કામ ? આ બધા નવા જુવાનિયાઓને કહી દીધું હોત કે મારું જ ભજન ને માળા કરજો તો કરત. પણ એવું નથી કર્યું. યોગીજી મહારાજના વખતમાં ગોટાળા કરનારા નીકળી ગયા. યોગીજી મહારાજ પાસે જવાનું જ નહિ - એ તો સાક્ષાત્ છે ને જે હોય તે અિહયા જ છે, આવો - એમ કહેનારા હતા તે ગયા. શાસ્ત્રીજી મહારાજે બહુ જ ચોખ્ખું કર્યું છે. સાચી ઉપાસના આપી. સાચા ગુરુ - સાચા દેવળે ઘંટ વાગે. સ્મશાનમાં ઘંટ ક્યાંથી વાગે ?
આપણે બોલવામાં વિવેક રાખવો. સંત ભગવાનનું સ્વરૂપ છે, અખંડ ધારક છે - એમ કહેવામાં વાંધો નહિ. ભગવાન સંત દ્વારા પ્રગટ છે, દર્શન આપે છે, સુખ આપે છે.'
સૈદ્ધાંતિક નાની એવી કસૂરને ત્યાં ને ત્યાં ડામી દેવાની સ્વામીશ્રીની ચોક્કસતા છે. સિદ્ધાન્તની વાતમાં લલોચપો એમને જરાય પસંદ નહિ. કોઈની પણ શેહશરમ રાખ્યા વગર તરત જ સ્પષ્ટતા કરી લેવાની સિદ્ધાન્તપ્રિયતા - સિદ્ધાન્તપ્રવર્તક વગર ક્યાંથી સંભવે ?
Vachanamrut Gems
Loyã-6:
Reinforcing the Conviction of God
"Thoughts regarding one's conviction of God should never be altered. In fact, it would be beneficial if they are repeatedly reinforced by listening to the greatness of God. Repeatedly altering them, however, would be detrimental…"
[Loyã-6]