પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-9-2017, લંડન
સ્વામીશ્રીએ ચેષ્ટાગાન કર્યું. ત્યારબાદ સ્નાન કરીને પોઢવા માટે પધાર્યા. સ્વામીશ્રીએ ઘડિયાળ સામું જોયું, 9.55 થયા હતા. સંતોએ પૂછ્યું : ‘ફ્રેશ થઈ ગયા ?’
સતત આટલું બધું બેસવાનું અને તેમાંય ધ્યાનપૂર્વક સાંભળવાનું, એટલે થાક લાગે જ, જે સૌએ અનુભવ્યું હતું. તેથી સ્વામીશ્રીને આવો પ્રશ્ન પૂછ્યો.
પણ સ્વામીશ્રી તો જુદી જ માટીના પુરુષ છે ને ! તેથી સ્મિતસભર કેફથી કહે : ‘ફ્રેશ જ છીએ !’
સંતો કહે : ‘પણ સ્વામી ! આપ તો સહેજે હાલ્યા નથી. પગ પર પગ પણ ચઢાવ્યો નથી. ઝોકાંની તો વાત જ ક્યાં ? એકદમ સ્થિર થઈને માળા ફેરવતાં કથાવાર્તા સાંભળતા જ રહ્યા, સાંભળતા જ રહ્યા, રેકોર્ડ તોડી નાખ્યો !’
સ્વામીશ્રી મહિમાથી કહે : ‘આટલું ફર્સ્ટક્લાસ સાંભળવાનું ક્યાંથી મળે ?’
ભદ્રેશદાસ સ્વામીએ જિજ્ઞાસાથી પૂછ્યું : ‘આપ કેટલું સાંભળી શકો સ્વામી ?’
સ્વામીશ્રી હસીને કહે : ‘હજુ બીજા બે-અઢી કલાક.’
સંતો આશ્ચર્ય અને અહોભાવથી કહે : ‘સ્વામી ! ટોટલ સાડા સાત કલાક તો આપ બેઠા અને બીજા બે અઢી કલાક ?!’
સ્વામીશ્રી હસીને કહે : ‘એક ગામમાં અમે હતા. નોમ હતી, એટલે જમવાનું તો હતું નહીં ! સવારના 6-00 થી બેઠા તો રાતના 12-00 વાગ્યા સુધી સળંગ.’
સંતોના મુખેથી ‘ઓહ !’ નીકળી ગયું અને પૂછ્યું : ‘કયું ગામ હતું સ્વામી ?’
સ્વામીશ્રી કહે : ‘રમણભાઈ શેઠના સાળાનું ગામ. (બામણિયા)’
સંતોની જિજ્ઞાસા વધતી જતી હતી. તેમણે પૂછ્યું કે ‘કથા કોણ કરતું હતું ?’
સ્વામીશ્રી કહે : ‘વલ્લભભાઈ અને બીજા બે-ત્રણ જણ જ હતા.’
સંતોએ પૂછ્યું : ‘અને આપ સાંભળતા હતા ?’
સ્વામીશ્રી કહે : ‘ના, અરસપરસ ગોષ્ઠિ કરતા હતા.’
‘તો સ્વામી ! સાલ કઈ હશે ?’
સ્વામીશ્રીએ જણાવ્યું : ‘1982 !’
સંતોનું આશ્ચર્ય સમાતું નહોતું. ફરી વાર તેમણે પૂછ્યું : ‘સ્વામી ! સવારના 6 થી 12 સળંગ અઢાર કલાક આપ બેઠા !!’
સ્વામીશ્રીએ હસીને હા પાડતાં કહ્યું : ‘હા, પૂજા પછી બેઠા હતા. ખબર જ ન પડી !’
સંતો આશ્ચર્ય સાથે હસી પડ્યા. ગજબ કહેવાય ! સળંગ અઢાર કલાક કથાવાર્તા કરી ને સાંભળી તોય ખબર જ ન પડી ! ‘ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં સ્થાન પામે એવી ગોષ્ઠિ સ્વામીશ્રીએ કરી હતી.
ભદ્રેશદાસ સ્વામી કહે : ‘સ્વામી ! આટલા કલાકમાં તો ગમે એટલું મેટર હોય તોય પૂરું થઈ જાય.’
દિગંતભાઈ સાધકે પૂછ્યું : ‘સ્વામી ! શાના પર ગોષ્ઠિ કરતા હતા ?’
સ્વામીશ્રી કહે : ‘હરિચરિત્રામૃતસાગરના પહેલા બે ભાગ પર.’ પછી સ્વામીશ્રી કહે : ‘તેમાં પહેલા ભાગની એક વસ્તુ હજુ યાદ છે - ‘માન અને અપમાન બધું નાશવંત છે, માટે લાગવું ન જોઈએ.’
ગુણાતીતાનંદ સ્વામી માટે શ્રી અચિંત્યાનંદ વર્ણીએ વાપરેલું વિશેષણ ‘પરમહરિવાર્તાવ્યસનિનમ્’ પ્રગટ ગુણાતીત સ્વામીશ્રીને પણ સંપૂર્ણપણે લાગુ પડે છે.
Vachanamrut Gems
Gadhadã II-66:
Eradicating Faults
“… When a person wishes to eradicate his faults, he should eradicate them after consulting the words of the great. For example, if a person has some worldly task to perform, and he wants to accomplish that job extremely well, he should consult some experts. Similarly, such consultation is necessary here as well…”
[Gadhadã II-66]