પ્રેરણા પરિમલ
રાજાધિરાજ
હાલ અમેરિકા રહેતા અમદાવાદના પ્રભાશંકરભાઈ પંડ્યા શાસ્ત્રીજી મહારાજ વખતના જૂના અને સંનિષ્ઠ સત્સંગી. તા. ૨૪-૫-૨૦૦૪ના રોજ એડિસનમાં રાત્રિભોજન દરમ્યાન પ્રભાશંકરભાઈએ શાસ્ત્રીજી મહારાજની ઘણી બધી સ્મૃતિઓ કરાવી. સાથે સાથે સ્વામીશ્રીના પણ કેટલાક પ્રસંગો કહ્યા.
એક સ્મૃતિ વાગોળતાં તેઓ કહે કે, ''શાસ્ત્રીજી મહારાજ અટલાદરામાં હતા. અર્જુનકાકા અને શાસ્ત્રીજી મહારાજ સારંગપુરના દરવાજાની બધી વાતો કરી રહ્યા હતા. મોતીભાઈ પણ બાજુમાં જ ઊભા હતા. મોતીભાઈ એટલે પ્રમુખસ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી.
મોતીભાઈ તરફ નિર્દેશ કરીને શાસ્ત્રીજી મહારાજે અર્જુનભાઈને પૂછ્યું : 'આ ભગતને ઓળખો છો ?'
'ના.'
'એમણે તો અમને છત્રીસ લક્ષણો દીકરો આપ્યો છે.' શાસ્ત્રીજી મહારાજે મોતીભાઈની ઓળખાણ આપતાં આ વાત કરી. હું પણ બાજુમાં ઊભો હતો. મને મનમાં એમ થયું કે છત્રીસ લક્ષણો એટલે શું ? એટલે જ્યારે શાસ્ત્રીજી મહારાજ વાત પતાવીને થોડાક હળવા થયા ત્યારે મેં પૂછ્યું, 'સ્વામી ! શાસ્ત્રમાં ત્રીસ લક્ષણો અને ચોંસઠ લક્ષણોની વાત તો આવે છે, પણ આ છત્રીસ લક્ષણો એટલે શું ?'
ત્યારે શાસ્ત્રીજી મહારાજ બોલ્યા : 'ત્રીસ લક્ષણો સાધુના હોય એ તો તને ખબર છે ને !'
'હા, સ્વામી !'
'તો આ નારાયણદા (પ્રમુખસ્વામી મહારાજ એટલે કે નારાયણસ્વરૂપદાસજીને શાસ્ત્રીજી મહારાજ આ લાડકવાયા નામથી પુકારતા) એ ત્રીસ લક્ષણો સાધુતાના તો ખરા, પણ એ ઉપરાંત રાજાધિરાજની જેમ વર્તશે.'
એટલે મેં વિનંતી કરતાં કહ્યું કે 'એ મને બતાવજો.'
શાસ્ત્રીજી મહારાજ કહે, 'તને જોવા મળશે.' અને આજે હું આ અમેરિકાનો સત્સંગ જોઈ રહ્યો છુ. આખી દુનિયામાં જે રીતે સત્સંગ વધી રહ્યો છે. શાસ્ત્રીજી મહારાજે જે કહ્યું એ અત્યારે હું મારી આંખે જોઈ રહ્યો છુ.'
પ્રભાશંકરભાઈ આટલું બોલીને ગળગળા થઈ ગયા. વળી તેમણે પોતાની સ્મૃતિઓ ઉખેળતાં આગળ કહ્યું:
''અટલાદરામાં વસંતપંચમીનો સમૈયો હતો. ઠંડીના દિવસો હતા. હું રાત્રે મોડો પહોંચ્યો. બધા સૂઈ ગયા હતા. અને મને કોઈ જગ્યાએ ઉતારો કે પાગરણ ન મળતાં સભામંડપમાં દાદરા આગળ થેલીનું ઓશીકું કરીને હું સૂઈ ગયો. સવારે લગભગ ૫-૩૦ વાગ્યે પ્રગટ ભગત મારી પાસે આવ્યા. મને ઉઠાડ્યો અને કહ્યું કે 'પંડ્યા ઊઠો !'
હું એકદમ ઝબકીને જાગ્યો ત્યારે મારા શરીર ઉપર રજાઈ હતી. મેં પૂછ્યું કે 'આ રજાઈ મને કોણે ઓઢાડી ?'
ત્યારે પ્રગટ ભગતે કહ્યું કે 'પ્રમુખસ્વામી મહારાજ પોતાની રજાઈ રાત્રે આવીને તમને ઓઢાડી ગયા હતા.'
ખરેખર, એમની આ સાધુતા અને હરિભક્તોનો મહિમા જોઈને ગળગળા થઈ જવાય છે.''
(તા. ૨૪-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Loyã-13:
How to Not Be Overcome By Maya
"Thus, only God remains unaffected by mãyã; and one who has realised God through a nirvikalp state is also not overcome by mãyã. On the other hand, someone who has realised God through a savikalp state, however great he may be, would still be overcome."
[Loyã-13]