પ્રેરણા પરિમલ
ધીરજ અને કરુણાની કોઈ સીમા નથી!
એક યુવક સ્વામીશ્રી પાસે આવ્યો. શર્ટનું એક બટન ખુલ્લું હતું. એમાંથી ડોકમાં ભરવેલી સોનાની ચેઇન દેખાઈ રહી હતી. એની ચાલમાં કંઈક બેદરકારી વિશેષ લાગતી હતી. એની આંખમાં લાલાશ ભરેલી નસો ઊપસી આવેલી હતી. સ્વામીશ્રી આગળ બેફિકરાઈથી ઊભો રહીને કહે : 'બાપા ! જો હું તમને કહી દઉં.... તમાકુ ખઉં છુ, દારૂ પીઉં છુ. આજે મારે બધું જ મૂકવું છે.' એની સાથે આવેલા ભાઈની સામે જોતાં જોતાં એ સ્વામીશ્રી સાથે વાત કરી રહ્યો હતો. સ્વામીશ્રી એને પામી ગયા. સ્વામીશ્રી કહે : 'તું આ બધું મૂકવાની વાત કરે એ બરાબર છે, પણ અત્યારે દારૂના કેફમાં બોલે છે એવું તો નથી ને !'
હકીકતમાં એ દારૂના કેફમાં જ બોલી રહ્યો હતો. એના મોઢામાંથી દારૂની વાસ સતત આવતી હતી. એ કહે : 'અરે હોય ! મારે તો બાપજી મૂકવું જ છે. હું તમને કહી દઉં કે મારે આજે બધું મૂકવું છે.'
'હું ય તને કહું છુ.' સ્વામીશ્રીએ એના જ ધ્રુવ વાક્યને પકડીને વાતના દોરને આગળ વધાર્યો. એ અત્યારે નીચી મુંડીએ સ્વામીશ્રી સાથે વાત કરી રહ્યો હતો. સ્વામીશ્રીએ પહેલાં પોતાના હાથ વડે એનું માથું ઊંચું કર્યું ને દૃષ્ટિ સાથે દૃષ્ટિ મેળવી. પ્રશ્ન સાથે શરૂઆત કરતાં કહે : 'તને લાગે છે કે આની જરૂર છે ?'
'ના, ના, હું તમને કહી દઉં - કશી જરૂર નથી.'
'તો પછી સંકલ્પ કર કે આજે મારે મૂકવું જ છે.'
'મૂકી દીધું. હું તમને કહી દઉં કે હવે પીવાનો જ નથી.'
'તો ભગવાન બળ આપશે.' સ્વામીશ્રી એટલી જ શ્રદ્ધાથી એને કહી રહ્યા હતા. આજુબાજુ વાળા માટે એક તમાશો હતો પણ સ્વામીશ્રી એકદમ ગંભીરતાથી એની આ બદીમાંથી એને છોડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ઘણીવાર તો સ્વામીશ્રી પૂછે કાંઈક અને પેલાનો ઉત્તર કાંઈક હોય. છતાં વાતને દોહરાવી દોહરાવીને એની પાસેથી માહિતી માગી રહ્યા હતા.
'શું કરે છે ?'
'બાપજી ! મારા બાપુજી એટલાન્ટા રહે છે.'
'હું તને કહું છુ કે તું શું કરે છે ?'
સ્વામીશ્રીએ એને ફરીથી પૂછયું. એટલે એની સાથે આવેલા બીજા ભાઈએ કહ્યું, 'અત્યારે એ મારી સાથે મોટેલમાં છે.'
'કેટલું કમાય છે ?'
સ્વામીશ્રીએ જ્યારે આ પૂછયું ત્યારે કહે : 'મારા બાપુજીનો સ્ટોલ છે.'
સ્વામીશ્રી કહે : 'હું તને પૂછુ છુ કે તું અહીં મોટલમાં કેટલું કમાય છે ?'
'ચારેક હજાર ડૉલર થતો હશે મહિનાનો.'
'અને પીવામાં કેટલું નાખે છે ?'
'ત્રણ હજાર.'
સ્વામીશ્રી એની આવી બેફિકરાઈથી આપેલા ઉત્તરથી જાણે સ્તબ્ધ થઈ ગયા હોય એમ ઘડીભર તો એને જોઈ રહ્યા. પછી આજુ બાજુ ઊભેલા સંતોને કહે કે 'ત્રણ હજાર તો દારૂમાં નાખે છે અને ઘર કેટલામાં ચલાવવાનું પછી ?!'
'હજારમાં.' પેલાએ વળી એટલા જ ઉમંગથી ઉત્તર આપ્યો.
સ્વામીશ્રીએ એનો ખભો થાબડતાં કહે : 'હવેથી મૂકજે અને અહીં સત્સંગમાં આવજે.'
પેલાએ સ્વામીશ્રીના હસ્તે કંઠી બાંધી. દારૂ પીધેલી હાલતમાં સ્વામીશ્રી સમક્ષ પોતે શું બોલી રહ્યો છે એની પણ જાણ વગર આવેલા આ યુવકને આટલી શ્રદ્ધાથી મળવું એને વ્યસન મુકાવવાની વાત કરવી, એના ભવિષ્યની ચિંતા કરવી એ સ્વામીશ્રી જ કરી શકે. એમની ધીરજ અને કરુણાની કોઈ સીમા નથી.
(તા. ૧૮-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)