પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-10-2010, ગોંડલ
સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. ભોજન દરમ્યાન ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબને સ્વામીશ્રી પ્રત્યે કેવો ભાવ છે, એ અંગે વાતોચીતો ચાલી.
બ્રહ્મવિહારી સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : “અબ્દુલ કલામ સાહેબ હમણાં કેનેડા જઈ આવ્યા. આપની સાથે એ બાબતમાં ફોનમાં વાત કરતાં તેઓ કહે : ‘હું ટોરોન્ટોના અક્ષરધામમાં જઈ આવ્યો. આપ એક જગ્યાએ હોવા છતાં બધી જગ્યાએ હાજર હો છો, એ વાતની અનુભૂતિ મને થઈ.”
આટલું કહીને બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘બધાં મંદિરોમાં આપ હાજર તો હો છો જ ને ?’
સ્વામીશ્રી વાતને ટાળી દેતાં કહે : ‘કેમ ! પ્રસંગ આવે તો બધે જઈએ જ છીએ ને !’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આવા પરધર્મી વ્યક્તિ જ્યારે પોતાના અનુભવની વાત કરતા હોય તો એ ખોટું તો ન જ બોલતા હોય ને !”
આ સાંભળતાં સ્વામીશ્રી કહે : ‘એ વાત તો સાચી જ છે ને !’
વળી, બ્રહ્મવિહારી સ્વામી કહે : “અબ્દુલ કલામ સાહેબને આપના ઉપર ફક્ત આદર જ નહીં, ભક્તિભાવ પણ છે. 2004માં ગાંધીનગરમાં ઉજવાયેલા બાળ મહોત્સવ વખતે શ્રી કલામ સાહેબને વિદાય આપવા આપ ઠેઠ ગાડી સુધી મૂકવા આવ્યા એ પ્રસંગ તેઓ દર વખતે યાદ કરાવે છે. તેઓના અંતરમાં આપનું નિર્માનીપણું સ્પર્શી ગયું છે.”
બીજા એક પ્રસંગની વાત કરતાં બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું : “હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણેલા આનંદ શાહ નામના એક વ્યક્તિએ ઇન્ડિકોર નામની એક સમાજસેવી સંસ્થા સ્થાપી છે. એક દિવસ તેઓ આપને શોધતાં શોધતાં અમદાવાદ મંદિરે આવી પહોંચ્યા હતા. તેઓ કહે : રાષ્ટ્રની સેવા બદલ મને રાષ્ટ્રપતિ તરફથી એવોર્ડ મળ્યો હતો, એ લેવા માટે હું રાષ્ટ્રપતિ કલામ સાહેબ પાસે ગયો. એવોર્ડ આપ્યા બાદ તેઓ મને કહે - ‘તમે પછી મને મળજો.’ અને બન્યું એવું કે અમદાવાદ એરપોર્ટ ઉપર જ હું તેઓને મળી ગયો. અબ્દુલ કલામ સાહેબ મને કહે - ‘તમે રાષ્ટ્ર માટે ઘણું સારું કામ કર્યું છે, પણ હજી વધારે સારું કામ કરવું હોય તો પ્રમુખસ્વામી મહારાજને મળજો.’ આ સાંભળ્યા પછી હું પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ લેવા આવ્યો છું.”
સ્વામીશ્રીની સાધુતા, ઇષ્ટદેવ તથા ગુરુહરિ પ્રત્યેના ભક્તિભાવભર્યા જીવનથી નાનામાં નાના માણસથી માંડીને ડો. અબ્દુલ કલામ જેવા મહાનુભાવ વ્યક્તિના અંતરમાં પણ સ્વામીશ્રી વસી ગયા છે, તેવા અનેક પ્રસંગોની આજે સ્મૃતિ થઈ.
Vachanamrut Gems
Gadhadã II-27:
Having no Trace of Impure Desires
“… Therefore, one who wishes to attain liberation should do whatever pleases the great Purush. Such a Purush becomes pleased when there are no traces of impure desires left within one’s heart…”
[Gadhadã II-27]