પ્રેરણા પરિમલ
સમયનું મૅનેજમૅન્ટ કરવામાં કુશળ?
લંડનમાં સ્વામીશ્રીની ભવ્ય સ્વાગતસભા લંડનના હરિભક્તોએ યોજી હતી. જેમાં સમયસર પહોંચવું આવશ્યક હતું.
આત્મસ્વરૂપ સ્વામીએ કહ્યું: 'આજે સ્વાગત સભા છે એટલે આગળના દરવાજેથી હૉલમાં આવવાનું છે. આપ ૬.૩૦ વાગ્યે સભામાં પધારજો.'
સ્વામીશ્રીએ ઘડિયાળ સામું દૃષ્ટિ કરી. ૫.૫૦ વાગ્યા હતા. એક હરિભક્તને મળી રહ્યા એટલે સ્વામીશ્રી પત્રલેખનનું પેડ મંગાવીને એક અગત્યનો પત્ર લખવાનું શરૂ કર્યું. ત્યાં સંતોએ કહ્યું કે હોલેન્ડના ડચ સત્સંગી શ્રી હનકોપ આવ્યા છે. એમને મળવું છે.
સ્વામીશ્રી બે ક્ષણ મૌન રહ્યા. ઘડિયાળ સામું જોયું. એકવાર પૂછ્યુંય ખરું: 'અત્યારે જ મળવું છે?' પછી જાતે જ પેડ પાછુ આપતાં કહેઃ 'ચાલો, મળી લઈએ. કાગળ સભામાં લખીશું.'
સામેની વ્યક્તિની રુચિનો ભંગ કર્યા વગર તેને રાજી રાખીને સ્વામીશ્રી ટાઈમ મૅનેજમૅન્ટ જે રીતે કરે છે એ રીત ખરેખર શીખવા જેવી છે.
હનકોપની સાથે આવેલા માર્ટિનને પોતાનો અંગત પ્રશ્ન હતો. એણે એ પૂછવાની શરૂઆત કરી. સ્વામીશ્રીએ ઘડિયાળ સામું જોઈ લીધું. ૬.૦૦ વાગ્યા હતા. છતાં માર્ટિનના અંગત પ્રશ્નની એક એક બાજુ ને સ્વામીશ્રીએ પ્રશ્ન પૂછીને સ્પષ્ટ કરી. શાંતિથી આત્માની, પુનર્જન્મની, પરમાત્માના જ્ઞાનની વાતો સમજાવી. એના પ્રતિપ્રશ્નો ધીરજથી સાંભળ્યા. આ વાર્તાલાપ દરમ્યાન આત્મસ્વરૂપ સ્વામી રૂમમાં પ્રવેશ્યા. સ્વામીશ્રીની નજર ઘડિયાળ તરફ ગઈ. ૬.૧૦ વાગ્યા હતા. હજી ઠાકોરજીનાં દર્શન કરવાનાં બાકી હતાં, પછી સભામાં પહોંચવાનું હતું. સ્વામીશ્રી માર્ટિનને કહેઃ 'મૂળ સમજવાનું એટલું જ છે કે શરીર નાશવંત છે. આત્મા અજર અમર છે. જે કંઈ આનંદ છે એ આત્માને લીધે છે. આપણે હજી ફરી બેસીશું.'
ઊઠતાં ઊઠતાં કહેઃ 'કાલે સવારે પાછા મળીશું.'
માર્ટિન કહેઃ 'મને સંતોષ થઈ ગયો છે. હવે જરૂર નથી.'
સ્વામીશ્રી નિવાસની બહાર આવ્યા ત્યાં રામકૃષ્ણ મિશનના એક સંન્યાસી ઊભા હતા. એમને આદરપૂર્વક મળ્યા, અને મંદિર તરફ આગળ વધ્યા. ભંડારી સત્યવ્રત સ્વામી આજે હરિભક્તોની રસોઈની માહિતી આપવા આવ્યા હતા. તેઓ સાથે ચાલતાં ચાલતાં વાત કરી લીધી.
લીફ્ટવાળા પૅસેજમાં ઊભેલા યુવકોને નજર દ્વારા મળતાં મળતાં સ્વામીશ્રી લીફ્ટ દ્વારા ઠાકોરજી સમક્ષ પધાર્યા. દર્શન કરવામાં પૂરતો સમય લીધો. રત્નજડિત આભૂષણોની સેવા કરનારા હરિભક્તોને મળ્યા. પ્રદક્ષિણા દરમ્યાન દર્શન કરી રહેલા હરિભક્તો તરફ એક નજર પણ કરી લીધી. પહેલી હરોળમાં કિરણ વિષ્ણુભાઈ પટેલ બેઠા હતા. એને જોઈને ચાલતાં ચાલતાં જ એની તરફ થોડા નજીક જઈને સ્વામીશ્રી કહેઃ 'વિષ્ણુભાઈએ વિમાનમાં બધી વાત કરી છે. આશીર્વાદ છે. બધું સારું થઈ જશે.'
અશક્તો માટેની લીફ્ટ દ્વારા સ્વામીશ્રી મંદિરના આગળના ભાગ તરફ નીચે આવ્યા. સંસ્કૃતિ પ્રદર્શન આગળથી પસાર થતી વખતે ત્યાં સેવા આપતા ચંદ્રકાંત બ્રહ્મભટ્ટે વિનંતી કરતાં કહ્યું: 'બાપા! પ્રદર્શનની મુલાકાત લેવા વિનંતી છે.'
ઉતાવળ હોવા છતાં સ્વામીશ્રી પસાર થતાં થતાં જ તેઓને કહેઃ 'મારે સભામાં પહોંચવાનું છે. પછી આવીશ.'
ફોયર આગળથી પસાર થઈને હવેલીના સભામંડપના મુખ્ય પ્રવેશદ્વાર આગળ આવ્યા ત્યારે ૬.૨૫ થઈ હતી! આ છે સ્વામીશ્રીનું ટાઈમ મૅનેજમૅન્ટ! સમયની કટોકટી હોવા છતાં સહજપણે એવું આયોજન કરે કે જેમાં ક્યાંય રઘવાટ ન દેખાય, ક્યાંય બિઝીપણાની છાંટ ન આવે, કોઈનીય ઉપેક્ષા પણ ન દેખાય અને છતાંય સમયસર કામ થઈ જાય.
(૨૪-૪-૨૦૦૪, લંડન)
Vachanamrut Gems
Kãriyãni-8:
The Eternal and Original Form of God
"Then someone may doubt, 'In His nirgun form, God is subtler than the extremely subtle, and in His sagun form, He is more vast than the extremely vast. What, then, is the nature of the original form of God, who assumes both of these forms?'
"The answer to that is that the manifest form of God visible in a human form is the eternal and original form of God. His nirgun and sagun aspects are the special, divine powers of that form…"
[Kãriyãni-8]