પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
ગુજરાતના એક ગામમાં સવારે ભ્રમણ કરવાનું પડતું મૂકીને ગામનાં 40 ઘરમાં સ્વામીશ્રીએ પધરામણી કરી હતી. સ્વામીશ્રીને હાર્ટઍટેક આવ્યાને હજી એક જ વર્ષ થયું હતું, છતાં સ્વામીશ્રીએ આ રીતે સૌને રાજી રાખ્યા હતા. એ જ રીતે સૌરાષ્ટ્રના એક ગામમાં સ્વામીશ્રી એક ઘરે ભ્રમણ કરતા હતા, પરંતુ હરિભક્તને રાજી કરવા માટે અડધું ભ્રમણ મૂકીને એ હરિભક્તે જ્યાં વ્યવસ્થા કરી હતી ત્યાં પહોંચીને સ્વામીશ્રીએ બાકીનું ભ્રમણ પૂરું કર્યું હતું. પૂર્વેના વિચરણના આ પ્રસંગની વાત સંતોએ કરી.
આ પ્રસંગ ઉપરથી આત્મતૃપ્ત સ્વામીએ સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘સ્વામીબાપા ! આવા ઘણા બધા પ્રસંગો સાંભળીએ છીએ ત્યારે એટલું અવશ્ય દેખાય છે કે હંમેશાં આપનો એક જ વિચાર રહ્યો છે કે હરિભક્તો કેમ કરી રાજી થાય ? એ માટે આપે ક્યારેય પોતાની અનુકૂળતાનો વિચાર કર્યો નથી. ઘણી વખત હરિભક્તોનો બિનવ્યવહારુ દુરાગ્રહ હોય, છતાં આપે હરિભક્તોને સાચવવાનો જ હંમેશાં પ્રયત્ન કર્યો છે. એમના સ્વભાવ સામે ક્યારેય જોયું નથી, તો આપની આવી ભાવના પાછળ કયું કારણ છે ?’
સ્વામીશ્રીએ કહ્યું : “આપણો સંપ્રદાય હરિભક્તો ને સંતોથી ઓતપ્રોત છે. હરિભક્તો રાજી હોય તો આપણે બધી રીતે સાનુકૂળ થાય. પછી આપણને થોડું કષ્ટ પડે, મુશ્કેલી પડે, તો પણ રાજી થાય એ માટે પધરામણીનું કાર્ય ચાલે છે. શાસ્ત્રીજી મહારાજ પણ બધે પધરામણી કરતા હતા. તબિયત એવી હોય તો પણ પધરામણી કરતા. હરિભક્ત નારાજ થાય એવું કરતા નહીં. હરિભક્ત રાજી રહે તો પહેલાં તો એને સત્સંગ થાય, એના જીવમાં સમાસ થાય. એટલે પધરામણી કે એવા પ્રસંગો હોય ત્યારે સગવડ-અગવડ ન ગણીને જવું પડે.
માણાવદરમાં શાસ્ત્રીજી મહારાજની તબિયત ઠીક નહીં, છતાં આગ્રહ હોવાથી પધરામણીએ ગયા, ગાડામાં સૂતાં સૂતાં પધરામણીએ ગયા, હરિભક્તો રાજી થયા. હરિભક્તો નારાજ ન થાય, મનદુઃખ ન થાય તો સત્સંગ જીવમાં રહે, ઠાકોરજીની સેવા થાય. આપણને કષ્ટ પડે, પણ શરીર સામે ન જોતાં, સત્સંગ કેમ વધે, આ નિષ્ઠા કેમ થાય - એ ભાવ હતો. જોગી મહારાજની તબિયત નરમ હોય તો પણ પધરામણીએ જતા હતા. કેટલાકને સત્સંગ ન થાય, તો પણ તેને ત્યાં જાય. જઈશું તો એનું મન કોઈક દા’ડો સારું થશે, ગુણ આવશે તો સારું થશે. ભલેને નિષ્ઠા-સમજણ થઈ કે ન થઈ, પણ પધરામણીએ જવું એવો આગ્રહ રહેતો હતો. શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજ બધે ગયા છે.
સત્સંગ કેમ વધે ને સત્સંગમાં બધાને અક્ષર-પુરુષોત્તમની નિષ્ઠા થાય એ શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજના મનમાં બહુ જ હતું. વાતો કરી કરીને લોકોને નિષ્ઠા દૃઢ કરાવી છે. એમનો દાખડો ને દૃઢતા કે આ નિષ્ઠા થશે જ. આપણને થાય કે ‘થવાનું હોય તો થાય નહીંતર સૂઈ જાય, માથાકૂટ શું કામ કરવી ?’ એમ આપણું મન થઈ જાય. પાછા પાડનારાય મળે. પણ આમણે એ જોયું નથી, શરીરનું સુખ જોયું નથી, પણ કેવળ એક જ વાત કે અક્ષરપુુરુષોત્તમની નિષ્ઠા કેમ થાય ! આ જ્ઞાન કેમ સમજાય ! એટલા માટે હરિભક્તોનાં મન સાચવ્યાં છે, અને હરિભક્તોને એવી નિષ્ઠા થઈ છે ને અત્યારે આ સત્સંગ એમના સંકલ્પથી જ છે. જોગીબાપાના સંકલ્પથી આ બધા સાધુઓ થયા. અત્યારે બધા સંતો ગામડે ફરે છે, બહુ સારું છે.
ગામડે સંતો ફરે છે એના રિપોર્ટ બધા આવે છે. ફરે તે ચરે. સ્વામીએ વિચરણ કર્યું છે તો આજે આટલો આપણો સત્સંગ વધ્યો છે અને આટલી બધી સેવા, આટલાં બધાં મંદિરો, એ કેવી રીતે થયાં ? સંતોના ફરવાથી, સંતોની વાતોથી. એ રીતે એમણે મૂળ ઊંડાં નાખ્યાં છે. એટલે એમણે જે કર્યું છે એનો વિચાર કરી, આપણાથી જેટલું થાય એટલું કરવું. એ કરી ગયા છે એટલું તો આપણાથી થઈ શકવાનું નથી, પણ એમણે આપેલી આજ્ઞા પ્રમાણે વર્તીશું તો બધું થશે. આપણા આ નિયમ-ધર્મ, આજ્ઞા-ઉપાસના, સદ્ભાવ, પક્ષ - આ સિદ્ધાંતો જીવમાં હોય તો બળ રહે છે. એમના શબ્દો, કથાવાર્તા સાંભળી છે અને એમાંથી આપણને પણ બળ મળ્યું છે. હજી તો જોગી મહારાજને સત્સંગ ઘણો વધારવો છે. બ્રહ્માંડ ભરી દેવાનાં છે. ‘મુંબઈ રંગી નાખવું છે, આફ્રિકા રંગી નાખવું છે,’ એવી એ વાત કરતા. એ બોલે ત્યારે આપણને વિશ્વાસ જ ન આવે, પણ આજે જોઈએ છીએ કે રંગાઈ ગયું છે. એમના સંકલ્પથી જ પરદેશમાં સત્સંગ આટલો વધી ગયો છે. એમના સંકલ્પમાં જ એટલું બળ હતું. બાળ મંડળ, યુવક મંડળ, કિશોર મંડળ, વડીલ મંડળ, સત્સંગ મંડળ એ પણ એમના સંકલ્પો જ છે, પણ સંકલ્પમાં એટલું બળ છે એ આપણે જોઈએ છીએ. સાધુ થવું એ કોઈને ફાવે ખરું ?
‘શીદ ભળીએ સ્વામિનારાયણમાં કે નિત ઊઠીને ના’વું;
ભળીએ નહીં ભફાકીયામાં કે નાહ્યા વિના ખાવું.’
એવા ધર્મોમાં મજા રહે - કાંઈ કરવું નહીં, પણ અહીં ઇન્દ્રિયોનો સંયમ થાય, નિષ્ઠાનું બળ વધે, એ બધી અઘરી વસ્તુ છે. એ સિદ્ધાંતો રાખીને કાર્ય થાય છે ને સંતો ફરે છે તો સમાસ થાય છે ને મંદિરો થાય છે. એમનો સંકલ્પ છે તો મંદિરો થાય છે ને અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન વધે છે. એમના બળે આપણું કાર્ય ચાલે છે. માટે એમણે રસ્તો આપ્યો છે એ રસ્તે કથા-વાર્તા, કીર્તન, ભજન થાય એમ કરવું. સંપ, સુહૃદભાવ, એકતા છે એટલે ઘણું સરસ થાય છે ને થશે.”
Vachanamrut Gems
Amdãvãd-7:
Shriji Maharaj's Supreme Glory
I went alone to the abode of Shri Purushottam Nãrãyan, which transcends everything. There, I saw that it was I who was Purushottam; I did not see anyone eminent apart from Myself. In this manner, I travelled to these places and finally returned to My body.
[Amdãvãd-7]