પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
આજે સ્વામીશ્રીએ સંતોની સભામાં અદ્ભુત લાભ આપ્યો હતો. સ્વામીશ્રીના પ્રસંગમાં આવેલા જુદા જુદા સંતોએ સ્વામીશ્રીના ગુણોના જે અનુભવો કર્યા હતા એના નજરે જોયેલા પ્રસંગ વર્ણવ્યા હતા.
ઘનશ્યામચરણ સ્વામીએ એક પ્રસંગ અંગે કહ્યું : ‘ભાવનગર નજીક કુંઢડા ગામમાં રાત્રે 12:30 વાગ્યા સુધી સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. આટલું મોડું થયું હોવા છતાં સ્વામીશ્રીની શ્રદ્ધા અડગ હતી.’
આવી ભાવના સતત કઈ રીતે રહે એ વાત જણાવતાં સ્વામીશ્રીએ કહ્યું : ‘શ્રીજીમહારાજના વખતથી સંતો ગામડે ફરે કે મંદિરમાં હોય, પણ કથા-વાર્તાનું અંગ હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કથાવાર્તામાં સોપો પડવા દીધો નથી. ભગતજી મહારાજે પણ વાતો કરી છે. શાસ્ત્રીજી મહારાજને તો કથા-વાર્તામાં સમય ક્યાં જાય છે તે ખબર પડે નહીં, એમ વાતો કરી છે. અને જોગી મહારાજની તો વાત જ ઓર છે; કથાવાર્તા ચાલુ જ હોય, સત્સંગનો અખાડો ચાલુ જ હોય. કુંભારનો અખાડો, લુહારનો અખાડો, સુથારનો ને મલ્લનો અખાડો એ બધા જગતને રાજી કરવા મંડ્યા જ છે, એમ આપણે ભગવાનને રાજી કરવા છે, તો કથા-વાર્તાનો અખાડો ચાલુ રાખવો જોઈએ. અને ખરેખર આપણા ગુણાતીત જ્ઞાનમાં અખાડો ચાલે જ છે. શ્રીજી-મહારાજથી શરૂ થયો છે, તે હંમેશાં ચાલુ જ રહ્યો છે. શાસ્ત્રીજી મહારાજ રાત્રે અગિયાર વાગે નાહીને કથા કરવા બેસે તો બે-ત્રણ વાગી જાય. એમને પણ એટલી બધી ઇચ્છા કે આ જ્ઞાન, વાત બીજાને સમજાવવી; એવો ઇશક. જોગી મહારાજ તો નાના બાળકો હોય, મોટા હોય કે સભા હોય એમની કથાવાર્તા તો ચાલુ જ હોય, રમૂજ-આનંદથી વાતો કરતા. એટલે આપણે પણ કથાવાર્તા, કીર્તન, ભજનમાં આળસ રાખવી નહીં. એમાં આળસ રાખીએ તો પછી આપણામાં ગુણ આવે નહીં, આપણને બળ મળે પણ નહીં. કથાવાર્તાથી બળ મળે છે ને આપણને શાંતિ ને સુખ મળે છે. એમણે જે રીત શીખવી છે એમાંથી આપણાથી જે કાંઈ થોડું-ઘણું થાય એ કરવું, એ આપણો આશય છે. કથાવાર્તાથી બળ મળે ને સમાસ થાય.
કથાવાર્તા, ભજનમાં આળસ-પ્રમાદ હોવાં જ ન જોઈએ. થોડા સંસ્કાર પડ્યા છે, પણ એમના જેટલું તો થઈ શકતું નથી, પણ જેટલું કાંઈ થાય છે એ ભગવાનને રાજી કરવા માટે ઉપયોગી થાય છે.’
Vachanamrut Gems
Gadhadã II-35:
An Easy Path to Liberation
“… However, by the upãsanã of God, narrating His divine incidents, chanting His holy name, and observing one’s dharma, it is not at all difficult for the jiva to attain liberation; it is an easy path…”
[Gadhadã II-35]