પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2010, સારંગપુર
આજના ‘દિવ્ય ભાસ્કર’ નામના દૈનિકમાં એક ગુણભાવી મુસ્લિમ પ્રૅફેસર મહેબુબભાઈ દેસાઈએ ભાવનગરમાં થયેલા સ્વામીશ્રીનાં દર્શન પછીની પોતાના અંતરની અનુભૂતિનું સુંદર વર્ણન કર્યું હતું. તેઓ લખે છે કે -
“રમજાન માસનો 19મો રોજો હતો. ફજરની નમાજ પઢી હું કુરાને શરીફનું પઠન કરવા બેઠો. ત્યાં મારી પત્ની સબેરા બોલી ઊઠી : ‘આજે સવારે આઠેક વાગ્યે હિતેશભાઈએ અક્ષરધામ આવવા નિમંત્રણ આપેલ છે. આપણે જઈ આવીશું ?’
કુરાને શરીફમાં કહ્યું છે : ‘ખુદાએ દરેક કોમ માટે એક માર્ગદર્શક ગ્રંથ અને રાહબર મોકલ્યો છે.’ એટલે જ દરેક ધર્મ અને તેના સંતોને સન્માન આપવાનો ચીલો અમારા ઘરમાં વર્ષોથી છે. મેં કહ્યું : ‘સારું જઈશું.’ ત્યારે ભાવનગર પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખસ્વામીજીનાં ફરી એક વાર દર્શનનો મોહ મારા મનમાં ઊંડે ઊંડે પડ્યો હતો. અમે લગભગ આઠેક વાગ્યે અક્ષરધામ પહોંચ્યાં. મંદિરના પરિસરમાં જ હિતેશભાઈ અમારી રાહ જોઈને ઊભા હતા. તેમણે અમને આવકાર્યા. પછી તે અમને એક મોટા હૉલ તરફ દોરી ગયા. લગભગ પાંચેક હજાર ભક્તોથી હૉલ ભરાયેલો હતો. બહેનોના વિભાગમાં સાબેરાએ સ્થાન લીધું. જ્યારે ભાઈઓના વિભાગમાં હું ને હિતેશભાઈ બેઠા. હૉલનું વાતાવરણ અત્યંત ભક્તિમય હતું. મોટા ભવ્ય સ્ટેજ પર પ્રમુખસ્વામીજી બિરાજમાન હતા. સુંદર ભજનો માઈકમાંથી પ્રસરી વાતાવરણને ભક્તિમય બનાવી રહ્યાં હતાં. થોડી વાર તો હું એ ભક્તિના માહોલમાં ઓગળી ગયો, પણ કમરની તકલીફને કારણે હું ઝાઝું બેસી ન શક્યો. દસેક મિનિટ પછી મેં ધીમેથી હિતેશભાઈને કહ્યું : ‘વધારે સમય પલાંઠી વાળી મારાથી બેસાતું નથી. એટલે હું હૉલનાં પગથિયાં પર બેઠો છું.’ તેમણે મને સસ્મિત સંમતિ આપી. હું હૉલ બહાર આવ્યો. બહારના મેદાનની સ્વચ્છતા અને શિસ્ત ગજબનાં હતાં. સ્વયંસેવકો ખડેપગે તેની તકેદારી રાખતા હતા. આવી જ સ્વચ્છતા અને શિસ્ત મેં મક્કાના કાબા શરીફ અને મદીનાની મસ્જિદ-એ-નબવીમાં જોયાં હતાં. હૉલનાં પગથિયાં પર બેઠો હતો ને મારી નજર મારા મિત્ર બ્રહ્મભટ્ટ પર પડી. ‘જય સ્વામિનારાયણ’ સાથે અમે એકબીજાનું અભિવાદન કર્યું.
‘મહેબૂબભાઈ ! તમે અહીં ક્યાંથી ?’ એવા આશ્ચર્યભાવ સાથે તેઓ મને તાકી રહ્યા. મેં તેમની નવાઈને પામી જતાં કહ્યું : ‘રમજાન માસમાં પવિત્ર સ્થાનની મુલાકાત તો લેવી જોઈએ ને !’ અને તેમણે સસ્મિત મારા જવાબને વધાવી લીધો. વાતવાતમાં મેં કહ્યું : ‘પ્રમુખસ્વામીનાં દર્શનની ઇચ્છા છે.’
તેઓ બોલ્યા : ‘સામે પેલા પડદા દેખાય છે ને ! ત્યાં ભજન કાર્યક્રમ પછી આવી જજો.’
ભજન કાર્યક્રમ પૂર્ણ થતાં મેં એ દિશામાં કદમો માંડ્યાં. ત્યાં બ્રહ્મભટ્ટ મારા માટે એક પાસ લઈને ઊભા હતા. મને પાસ આપતાં કહ્યું : ‘આ પાસ સ્વામીજીના ખંડમાં જવાનો છે. અંદર સ્વયંસેવકો આપને દોરશે.’ અને હું તેમને અહોભાવની નજરે તાકી રહ્યો. ખંડમાં પ્રવેશતાં જ પ્રથમ મારું ચેકિંગ થયું. પછી મને એક ફોર્મ ભરવા કહ્યું. ફોર્મ ભરીને મેં આપ્યું એટલે મારા હાથને જંતુનાશક પ્રવાહીથી સ્વચ્છ કરવામાં આવ્યા. આટલી તકેદારી પછી ધબકતા હૃદયે મેં ખંડમાં પ્રવેશ કર્યો. 90 વર્ષના પ્રમુખસ્વામીજી સંપૂર્ણ આધુનિક વ્હીલચૅર પર બેઠા હતા. વ્હીલચૅર પર સરકતાં સરકતાં જ સૌને આશીર્વાદ આપતા હતા. મારો વારો આવ્યો એટલે મેં તેમને પ્રણામ કરી કહ્યું : ‘મારું નામ પ્રોફેસર મહેબૂબ દેસાઈ છે. પવિત્ર રમજાન માસમાં મહાન આત્માનાં દર્શન અને આશીર્વાદ માટે આવ્યો છું.’
મારા પરિચયથી પ્રમુખસ્વામીના ચહેરા પર સ્મિત પથરાઈ ગયું. મારા ખભાને સ્પર્શ કરતાં અત્યંત ધીમા સ્વરે તેઓ કંઈક બોલ્યા. તેમના એ શબ્દો મને બરાબર સંભળાયા નહીં. આશીર્વાદની ક્રિયા પૂર્ણ થઈ છે એમ સમજીને હું ચાલવા માંડ્યો. એટલે પ્રમુખસ્વામીએ પોતાનો હાથ ઊંચો કરી મને પાછો બોલાવ્યો અને સંભળાય તેવા સ્વરે બોલ્યા : ‘ખૂબ સુખી થાવ. સમૃદ્ધ થાવ અને સમાજ માટે ખૂબ કાર્ય કરો.’
આસપાસના ભક્તો આ આશીર્વાદનો વરસાદ આશ્ચર્યચકિત નજરે જોઈ રહ્યા. આવી ઘટનાથી મોટેભાગે તેઓ ટેવાયા ન હતા, કારણ કે પ્રમુખસ્વામી દર્શનાર્થીને પુનઃ બોલાવીને ક્યારેય કંઈ કહેતા નથી. વળી, અત્યારે તેમની તબિયત પણ નાદુરસ્ત હતી. આમ છતાં એક મુસ્લિમ પર સસ્મિત આશીર્વાદનો વરસાદ વરસાવી પ્રમુખસ્વામીએ એક મહાન આત્માની સરળતાને સાકાર કરી હતી. હું તેમની આ પ્રસાદી સાથે પ્રસન્નચિત્તે બહાર આવ્યો, ત્યારે મારું હૃદય મહાન આત્માના અનાયાસે પ્રાપ્ત થયેલા ભરપૂર આશીર્વાદથી ભારોભાર છલકાઈ ગયું હતું.
Vachanamrut Gems
Gadhadã II-56:
God - The Supreme Essence of Everything
“Only his love for God is true who never develops love for anything other than God. In fact, the essence of all scriptures is simply this: God is the sole source of eternal bliss and the supreme essence of everything. Excluding God, all other objects are absolutely worthless and totally unsubstantial.”
[Gadhadã II-56]