પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-3-2010, સારંગપુર
આજે પુષ્પદોલનો ઉત્સવ હતો. સવારથી સ્વામીશ્રી વ્યસ્ત હતા. લગભગ 175 હરિભક્તોને સ્વામીશ્રીએ આજના દિવસે વ્યક્તિગત મુલાકાત આપી હતી અને ઉત્સવનો લાભ લેવા માટે 80,000થી વધારે ભક્તો સવારથી આવવા માંડ્યા હતા. આવા પ્રસંગે સ્વામીશ્રીને પણ મનમાં એમ હતું કે ઉત્સવમાં જેટલા વહેલા પહોંચાય એટલું સારું.
અને એટલે જ સ્વામીશ્રી જ્યારે બપોરે આરામમાં જતા હતા ત્યારે ડૉ. કિરણભાઈ દોશીએ સ્વામીશ્રીને પૂછ્યું કે ‘સાંજે 6:00 વાગ્યે સભામાં પહોંચવાનો સમય છે, તો સાંજે ભ્રમણ કરવું છે ?’
‘જોઈશું.’ આટલું કહીને સ્વામીશ્રીએ વાત તો ટૂંકાવી, પરંતુ પછી કહે : ‘એક દિવસ ન કરીએ તો ચાલે ને !’
ડૉ. કિરણભાઈ કહે : ‘વૉકિંગ કરતાં કરતાં પણ સભામાં જવાનું ટેન્શન હોય તો નકામું બ્લડપ્રેશર વધે, એના કરતાં આપ કહો છો એ બરાબર છે.’
સ્વામીશ્રીએ આગળ કંઈ વાત ન કરી, પરંતુ સાંજે 4:30 વાગ્યાથી સભામાં જવાની રઢ લઈને બેઠા. જો કે વાતાવરણમાં આ વખતે અચાનક પલટો આવ્યો હોવાથી સખત ગરમી પડી રહી હતી. એટલે સ્વામીશ્રી અત્યારે ન નીકળે એ જ હિતાવહ હતું. એમ છતાં સ્વામીશ્રી તો મક્કમ જ હતા. પત્રવાંચન કરી રહેલા સ્વામીશ્રી વારે વારે સભામાં જવાની વાત કરતા હતા. એટલે સ્વામીશ્રીના સ્વાસ્થ્યને લક્ષમાં લેતાં ડૉ. કિરણભાઈએ સ્વામીશ્રીને કહ્યું કે ‘બહાર તાપ બહુ જ પડે છે.’
બારી સામે જોતાં સ્વામીશ્રી શાંતિથી કહે : ‘મને પણ દેખાય છે.’
ડૉ. કિરણભાઈ દોશી કહે : ‘ગરમી પણ બહાર એટલી જ લાગે છે.’
સ્વામીશ્રી ધીરે રહીને કહે : ‘જે લોકો સભામાં બેઠા હશે એનું શું થતું હશે ?!’
ડૉ. કિરણભાઈ કહે : ‘એ બધાને ગરમી તો લાગે જ છે, પણ આપ છો એટલે રક્ષા તો કરશો જ ને !’
સ્વામીશ્રી કહે : ‘એ લોકોની રક્ષા હું કરીશ તો મારી નહીં કરું ?’
આ સાંભળી ડૉ. કિરણભાઈ કંઈ બોલી ન શક્યા, મૌન રહ્યા. એટલે વળી સ્વામીશ્રી કહે : ‘જે લોકો સભામાં બેઠા છે એ બધાના દેહ પણ લોઢા-લાકડાના તો નથી જ ને ! એ લોકોનેય ગરમી લાગતી હશે ! એ બધા શ્રદ્ધાથી બેઠા છે તો આપણને પણ શું વાંધો આવવાનો છે ?’
છેવટે સ્વામીશ્રીની રુચિ જાણીને કોઈ કાંઈ બોલ્યું નહીં.
Vachanamrut Gems
Gadhadã II-17:
Undistorted Understanding
“Therefore, the understanding of a person who has developed an unflinching refuge of God will not become distorted, regardless of whether he is very learned in the scriptures, or he is naïve…”
[Gadhadã II-17]