પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની અનાસક્તિ
સ્વામીશ્રી ઉતારે જઈ રહ્યા હતા. જૈમિનભાઈ પટેલ ગાડી ચલાવી રહ્યા હતા. પોતે નવી ખરીદેલી આ ગાડીની વિશેષતાઓ વર્ણવી રહ્યા હતા. આ ગાડીમાં એક એવો સ્ક્રીન છે કે તમે કયા રોડ ઉપર જઈ રહ્યા છો એ બધી જ માહિતી એ પડદા ઉપર દેખાય છે. વળી, સિક્યુરીટીની એવી સિસ્ટમ છે કે ક્યાંક અકસ્માત થયો અને ગાડીના મિરરની ઉપર આવેલી એક સ્વીચ તમે દબાવી તો આખા અમેરિકામાં તમે કઈ જગ્યાએ છો એની માહિતી થોડીક જ સેકન્ડોમાં પોલીસને પ્રાપ્ત થાય અને ગણતરીની મિનિટોમાં મદદે આવી પહોંચે. આવી અનેક સગવડો આ ગાડીમાં હતી.
એમ કહીને જૈમિન અને હિતેશે ધીમે રહીને વાતનો ઉપાડ કરતાં કહ્યું કે 'બાપા! આ ગાડી તો આપને અનુકૂળ આવે એવી છે ને ?'
સ્વામીશ્રી તેનો કહેવાનો ભાવાર્થ સમજી ગયા. એટલે સહજભાવે સ્વામીશ્રી કહે : 'આપણે તો જે જૂનું છે એ બરાબર છે.'
સ્વામીશ્રી મૂળ તો વાત ટાળવા માગતા હતા, પરંતુ પ્રેમી યુવાનો એમ કંઈ વાત છોડે? તેઓ કહેઃ 'એમ તો સ્વામીશ્રી આપે કેટલાંય મંદિરો નવાં બાંધ્યાં અને દરેક મંદિરો નવી નવી રીતે જ બાંધો છો. તેમ આ નવી કાર...?'
સ્વામીશ્રી કહે : 'એ તો ભગવાનની વાત છે. ભગવાનની વાત તો કાયમ નવી જ લાગવી જોઈએ.' વળી આગળ ઉમેરતાં કહે : 'મંદિરોમાં તો હજારો લોકો લાભ લે છે અને પેલામાં તો આપણે એકલાને જ સુખ.'
હિતેશ કહે : 'જ્યારે શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી ત્યારે આપે કહ્યું હતું કે હું હરિભક્તોને રાજી રાખીશ. તો આજે આટલી અમારી વિનંતી માન્ય રાખો, આ કાર રાખીને અમને રાજી કરો.'
સ્વામીશ્રી કહે : 'તમને રાજી કર્યા જ છે ને... આ ગાડીમાં બેઠા, અહીં મળ્યા એ રાજી જ કર્યા છે ને !'
દિવસ-રાત ગામડે ગામડે વિચરણ કરતા અને મુસાફરી કરતા પોતાના ગુરુહરિ સ્વામીશ્રી માટે સુવિધાસજ્જ કાર આપવાની તેમની ઇચ્છા અદમ્ય હતી. હિતેશ કહે : 'આજના શુભ દિને અમે બીજું કશું જ માગતા નથી. તમે અમારી આ સેવા અંગીકાર કરો એના બદલામાં આપ જે માગશો એ અમે આપવા તૈયાર છીએ.'
સ્વામીશ્રી કહે : 'આ કહીએ છીએ એ જ કરોને !'
હિતેશ અને જૈમિન કહે : 'બાપા ! અમારી ઇચ્છા છે.'
સ્વામીશ્રી કહે : 'આવી ઇચ્છા કરવી જ નહીં. નાની મોટરમાં બેસીએ, જૂની ગાડીમાં બેસીએ તોય અમે રાજી જ છીએ. યોગીજી મહારાજ કેશવજી ચુડાસમાની ગાડીમાં બેઠા તોય રાજી હતા. એટલે આ નવી નવી ગાડીઓ લેવાની વાત કરશો જ નહીં.'
સ્વામીશ્રીની અનાસક્તિ આગળ બંને યુવાનો નતમસ્તક થઈ ગયા.
(તા. ૨૩-૫-૨૦૦૪, એડિસન)
Vachanamrut Gems
Gadhadã II-9:
The Fruits of not Having a Firm Conviction of God
"On the other hand, a person may be in the Satsang fellowship at present, and he may even be abiding by the commands prescribed in the scriptures, but if his conviction of God is not firm, then when he leaves his body, he will either go to the realm of Brahmã or to the realm of some other demigod; but he will not go to the abode of Purushottam Bhagwãn…"
[Gadhadã II-9]