પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૭૦
ગોંડલ, તા. ૨૩-૩-'૬૧
સવારે નાસ્તો કરતા હતા ત્યાં રાજકોટથી એક હરિભક્ત દર્શને આવ્યા. તેમને આગ્રહ કરી પોતાની સાથે બેસાડ્યા ને યોગીજી મહારાજ કહે, 'મને એકલા ફાવે નહિ.'
(આમ તો મંદિરમાં લગભગ ૪૦૦થી ૫૦૦ જેટલા હરિભક્તો હતા અને સ્વામીશ્રી ખાસ કરીને સૌની સાથે જ જમવા બેસતા, પણ હમણાં માંદગીના કારણે સૌના આગ્રહથી એકલા બેસતા.)
બપોરે જમતી વખતે પણ સ્વામીશ્રી કહે, 'જેનો હાથ પોલો એનો જગત ગોલો.'
સૌને છૂટે હાથે આપવામાં એમને અનેરો આનંદ આવતો.
આરામ કરતાં કહે, 'નીંદર નથી આવતી. મેં પહેલાં બહુ અનાદર કર્યો હતો. બપોરના ઊંઘ આવે તો પાણી છાંટું, ફરું, એમ નસાડું... એટલે હવે રિસાઈ ગઈ છે.'
પછી અમે કહ્યું, 'દેવતાઓ આપની આજ્ઞામાં રહે છે તો આપણે એ નિદ્રાદેવીને શી શિક્ષા કરીશું ?'
ત્યારે તેઓ કહે, 'શિક્ષા ન કરાય... એને રાજી કરીશું...'
આવા રમૂજી વાર્તાલાપમાં પણ સ્વામીશ્રીની વાણીનો સંયમ ને મર્મ સમજવા જેવા-વિચારવા જેવા બની જતા.
- સાધુ ઈશ્વરચરણદાસ