પ્રેરણા પરિમલ
પ્રેમલક્ષણા ભક્તિ
ભક્તિમાર્ગના પોષક યોગીજી મહારાજ પોતાના ઇષ્ટદેવ પ્રત્યે ભક્તિમાં કેવા રસબસ હતા તેનું દર્શન તેમના સેવક સંતોને સહજ થતું હતું. શ્રીજીમહારાજથી લઈને આજ દિવસ સુધીના મોટા પુરુષોએ ભક્તિ ઉપર વ્યાખ્યાનો નથી આપ્યા પણ પોતાના જીવનમાં ઇષ્ટભક્તિનું-ગુરુ-ભક્તિનું જીવંત દર્શન ભક્તોને કરાવ્યું છે અને પ્રેમલક્ષણા ભક્તિનું પ્રસ્થાપન કર્યું છે. સદ્. મુક્તાનંદ સ્વામીએ સાચે જ ગાયું છે કે :
'પ્રેમ રસાયણ જે જન પામે,
તેહનો તે રંગ ન્યારો રે;
પીંડ બ્રહ્માંડથી પ્રીત તજીને,
ઉર ધારેપિયું પ્યારો રે...'
માંદગીને કારણે સ્વામીશ્રી સવારે એકવાર મંદિરમાં ઠાકોરજીના દર્શને પધારતા. પણ ઠાકોરજીની આરતી સમયસર થઈ કે નહિ ? શું થાળ ધરાવ્યો ? વગેરે વિગતો સેવકોને પૂછતા. સંધ્યા આરતી કરીને યોગેશ્વર સ્વામી સ્વામીશ્રી પાસે આવ્યા કે તુરત સ્વામીશ્રીએ એમને પૂછ્યું, 'આજે શું થાળ ધરાવ્યો છે ?'
'દૂધ, પૂરી વગેરે.'
'શાક શેનું કર્યું છે ?'
'સરગવાની શીંગનું.'
તુરત સ્વામીશ્રી બોલી ઊઠ્યા કે, 'સાંજે તે શાક ન કરવું. કારણ મહારાજ સાંજે થોડો સમય જમે. તેમાં શીંગનું શાક ખેંચીને ખાવું પડે. તેથી સમય ઘણો લાગે...'
સ્વામીશ્રીની આ વાત સાંભળીને તો ત્યાં બેઠેલા સૌ આશ્ચર્યમુગ્ધ બની ગયા. સ્વામીશ્રીની કેવી પરાભક્તિ ! જાણે પોતાના પ્રિયતમને-મહારાજને પ્રત્યક્ષપણે જમાડતા હોય-તે પણ તેમની રુચિ પ્રમાણે, તેમને સ્હેજ પણ તકલીફ ન પડે-એવો અનન્ય ભાવ આ શબ્દોમાં જણાતો હતો.
એવા જ ભાવથી સ્વામીશ્રી ઘણીવાર કોઈ હાર પહેરાવવા આવે તેને કહેતા કે સંતને હાર પહેરાવે તો એક મિનિટ ગળામાં રહે અને મહારાજને પહેરાવે તો આખો દિવસ (તેમનાં-મૂર્તિનાં) ગળામાં રહે. તેથી મહારાજની મૂર્તિને જ હાર પહેરાવવો.
Vachanamrut Gems
Vartãl-19:
A Devotee's Affection for God
“Once he has become a devotee of God, it would be improper for him to bear affection for anything except God. This is because, compared to the bliss of the abode of God, the pleasures of worldly vishays are like excreta…”
[Vartãl-19]