પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 20-9-2010, સારંગપુર
એક સંત કથાવાર્તા અંગે પોતાના પ્રિય વિષયની વાત કરતાં કહે : ‘મોટે ભાગે શરણાગતિની વાતો કરવામાં મને ઘણો આનંદ આવે છે.’ છેલ્લે તેઓ કહે : ‘શરણાગતિની વાતો તો હું કરતો, પણ ખરેખર શરણે આવ્યા છીએ તોય બુદ્ધિના તર્કો નડતા રહે છે, નાસ્તિકભાવ કહો તો પણ ચાલે. એટલે જે કંઈ કહીએ છીએ તે જોઈએ એવું થતું નથી, તો એ થઈ શકે એવા આશીર્વાદ આપજો.’
તેઓએ જ્યારે આ પ્રાર્થના કરી ત્યારે સ્વામીશ્રી દૂધ સાથે ગોળી ગળી રહ્યા હતા. મોઢામાં ગોળી હતી અને સ્વામીશ્રીએ બોલવાનું ચાલુ કર્યું.
સ્વામીશ્રી કહે : ‘આ માર્ગે ચાલ્યા છીએ. આ અધ્યાત્મનો માર્ગ છે. એમાં કાંટા-કાંકરા આવે પણ ખરા, પણ જો શરણાગતિનો વિચાર દૃઢ રાખ્યો હોય તો વાંધો ન આવે. મનના વિચારો તો એવા જ છે, પણ મહિમાના વિચાર કરીએ તો બીજું મનમાં પેસે નહીં. ભક્તોનેય વિઘ્ન તો આવ્યાં છે, પણ મનમાં અડે નહીં.’
અન્ય એક સંત કહે : ‘આપ કહો એ સાચું જ છે એવું મનાય, ભલે ગમે એટલી બુદ્ધિ કે અનુભવ બીજી રીતનું કહેતા હોય તો પણ, એવા આશીર્વાદ આપજો.’
સ્વામીશ્રી કહે : ‘વચનામૃત અને સ્વામીની વાતો એ બંને સર્વ શાસ્ત્રનો સાર છે. એટલે એમનાં વચનો વિચાર્યા કરવાં. એમાં સમાધાન પણ આવી જાય. શ્રીજીમહારાજે તો કહ્યું છે કે ચાર વેદ, ષટશાસ્ત્ર, અઢાર પુરાણ એ સર્વનો સાર આ વચનામૃત છે. અને ભગવાન અને સંત કલ્યાણકારી છે. આ માર્ગ પકડાયો છે તો ભગવાનની દયાથી એ જ આપણને પાર પાડશે. વચનામૃત અને સ્વામીની વાતોમાં બધો સાર આવી જાય છે. કથાવાર્તા કરીએ ત્યારે બીજાં શાસ્ત્રનો આધાર લઈને આપણે વચનામૃતનું જ્ઞાન જ આપીએ છીએ ને ! શ્રીજીમહારાજે પણ બધાં શાસ્ત્રનો અભ્યાસ કર્યો ને પછી વચનામૃત આપ્યું. એટલે એમનાં વચનોમાં જો ખામી દેખાય તો પછી શું થાય ? એમાં તો ખામી છે જ નહીં. શ્રીજીમહારાજે નિચોડ કાઢીને જ આપી દીધું છે, એટલે વિશ્વાસ રાખીને આગળ કાર્ય કરવું.’
સાધનાના માર્ગે ચાલી રહેલા સાધકોને સ્વામીશ્રી આ રીતે વારે વારે સાધનાના માર્ગની દિશા બતાવતા રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-65:
A Devotee with No Deficiencies
“… Therefore, when one possesses all three virtues of ãtmã-realisation, vairãgya and bhakti towards God, one can be said to have no deficiencies whatsoever. Such a person is called a devotee with gnãn, an ekãntik bhakta and a staunch devotee of God.”
[Gadhadã II-65]