પ્રેરણા પરિમલ
એડિસનમાં સ્વામીશ્રી...
એડિસનમાં સ્વામીશ્રી ઉતારેથી સભાસ્થળે જાય ત્યારે માર્ગમાં તેમની મોટરકારને એસ્કોર્ટ કરવા માટે રોજ જુદા જુદા પોલીસ આદરપૂર્વક આવે છે. મોટે ભાગે અમેરિકન પોલીસ હોય છે. આજે એક ગુજરાતી યુવાન પોલીસ તરીકે ફરજ ઉપર આવ્યો હતો. સ્વામીશ્રીએ એનું નામ પૂછ્યું, એ કહે : 'મિલન પટેલ.'
'અને ગામ ?'
'ભાદરણ.'
સ્વામીશ્રી સાથે વાત કરતાં કરતાં થોડું અંગ્રેજી અને થોડું ગુજરાતી એ રીતે એ બોલી રહ્યા હતા. સ્વામીશ્રી એને કહે કે 'ગુજરાતી આપણે ભૂલવાનું નહીં.'
'કેમ ?' પેલાએ સામેથી પ્રશ્ન કર્યો.
સ્વામીશ્રી હસતાં હસતાં કહે : 'મારા જેવા સાથે વાત કરતા ફાવેને એટલા માટે!'
મિલન કહે : 'યસ યસ.'
મિલન બધું સમજી શકતો હતો, પણ અભિવ્યક્તિમાં એને ઘણો વિચાર કરવો પડતો હતો. સ્વામીશ્રી એને કહે : 'જો, આપણી ભાષા જતી ન રહે એનો ખ્યાલ આપણે રાખવાનો છે. આપણી ભાષા જો સચવાશે તો આપણી સંસ્કૃતિ અને આપણો ધર્મ પણ સચવાશે. અને એ રીતે આપણે, ગુજરાતી ભાષાને વ્યવહારમાં ચાલુ રાખવી.'
મિલન એ બાબતમાં સંમત હતો. મિલન જેવા તો અસંખ્ય યુવાનોને સ્વામીશ્રીએ માતૃભાષાને જીવંત રાખવાની પ્રેરણા આપી છે. મિલનને લાગ્યું કે એ માત્ર કાયદાનો રક્ષક હતો, જ્યારે સ્વામીશ્રી તો વિરાટ સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક છે.
(તા. ૩-૬-૨૦૦૪, એડિસન)