પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 19-11-2010, બોચાસણ
8:30 વાગે સ્વામીશ્રી ઠાકોરજી જમાડવા વિરાજ્યા. એ દરમ્યાન વલસાડના બે સંતોએ પોતપોતાનો અહેવાલ આપ્યો. વલસાડથી આવેલા અખંડમંગલ સ્વામી કહે : ‘લગભગ 300 જેટલાં કિશોર-કિશોરીઓ યાત્રા કરીને આજે અહીં આવ્યાં છે. આમ તો અમારે નીકળી જવાનું હતું, પરંતુ આપ અહીં છો એવું કિશોરોએ જાણ્યું એટલે બધાએ આગ્રહ કર્યો કે ‘આપણે અહીં રાત રોકાઈને કાલે દર્શન કરીને જ નીકળવું છે.’ એટલે આજે બધાને મહેળાવ દર્શને મોકલ્યા છે અને ત્યારપછી રાત્રે આવશે. અહીં ગામમાં આજુબાજુ ઉતારા કરી દીધા છે. અહીં ભંડારી સ્વામીને કામ છે એટલે સૌ સેવામાં જોડાશે.’
આ સાંભળતાં જ સ્વામીશ્રી કહે : ‘બે દિવસથી પ્રવાસ કરીને કિશોરો આવ્યા છે એટલે થાક્યા હશે. માટે ભંડારી સ્વામીને કહી દેજો - અત્યારે કિશોરો પાસે કામ કરાવવાની જરૂર નહીં. જેવા આવે એવા બધાને સૂવડાવી દેજો. કાલે પાછું નીકળવાનું છે.’
તેઓને આ સૂચના આપ્યા પછી, ભોજન પછી સૌ સંતો બહાર નીકળી ગયા ત્યારે પણ સેવક સંતને કહે : ‘ભંડારીને કહી આવજો કે આ કિશોર-કિશોરીઓને બીજી સેવામાં ન જોડે. બધા થાક્યા-પાક્યા આવેલા છે એનો વિચાર કરવો જોઈએ અને કાલે વળી વહેલું ઊઠીને નીકળી જવાનું છે.’
યાત્રાળુ કિશોરોને તકલીફ ન પડે તેની સતત ચિંતા સ્વામીશ્રી 90 વર્ષની ઉંમરે પણ કરે છે. આ જ સ્વામીશ્રીના હૃદયની કિશોરો પ્રત્યેની સાચી આત્મીયતા છે.
Vachanamrut Gems
Gadhadã III-14:
The Sin of Harbouring Worldly Desires
“… So, because of this sin of harbouring worldly desires, the jiva does not develop affection for God in any way.”
[Gadhadã III-14]