પ્રેરણા પરિમલ
ભગવાન મળ્યા પછી શું કરવાનું છે?
ઉપર લિફ્ટવાળી પોર્ચમાં રોજની જેમ યુવકો ઊભા હતા. સ્વામીશ્રીને જોતાંવેંત સૌએ ઉપાડ્યું, 'સ્વામીજી તો મહાપ્રતાપી એનું ધાર્યું થાય.' સ્વામીશ્રી એ સૌની સમક્ષ થોડી વાર ઊભા રહ્યા, અને સૌને કહે, 'મહારાજ મળ્યા તો ખરા પણ હવે કરવાનું શું ?'
'આજ્ઞા પાળવાની.' એક યુવકે કહ્યું.
'બરાબર છે. વિષય, વ્યસન અને વહેમ આ બધાથી છેટા રહેવાનું છે.' કો'કે વળી ઉમેર્યું.
સ્વામીશ્રી કહે : 'હા, એ જ કરવાનું છે. મહિમા સમજ્યા તો હવે દારૂ, સિગારેટ, તમાકુ બધું જ ઝેર માનીને ક્યારેય અડવું નહીં. મિત્રોમાં જઈએ તો ત્યાં પણ નહીં. દેહ પડી જાય એનો વાંધો નથી, પણ આજ્ઞા સારધાર પાળવી. તો ભક્ત સાચા, નહીં તો અધૂરા. લાવોને ભગવાન ક્યાં જુએ છે ? એમ માનીને ભોગવવા ન માંડવું. ભગવાન બધે જ જુએ છે. ચારે બાજુ તમે શું કરો છો ને કેમ કરો છો એ બધું જ જુએ છે, એટલે આ દૃઢતા રાખવાની છે. ભગવાનની આજ્ઞા પાળવી એમાં સુખ છે. પછી લોકો કહે કે આમ કરો ને તેમ કરો તો શરીર સારું રહેશે, પણ આજ્ઞા વિરુદ્ધ કશું જ કરવું નહીં. દેહ તો એક વખત પડવાનો જ છે ને !' સ્વામીશ્રી જોમમાં સૌને આ વાત સમજાવી રહ્યા હતા. સામે બેઠેલા સૌ યુવકો સંનિષ્ઠ હતા, છતાં ભવિષ્યના દિશાદર્શન માટે સ્વામીશ્રીએ આ ઉપદેશ આપ્યો.
સ્વામીશ્રી આગળ ચાલ્યા. એક સંનિષ્ઠ યુવકને જોઈને સ્વામીશ્રી કહે : 'તારા ભાઈને પણ મેં સભા પછી કહી દીધું કે લસણ-ડુંગળી ખાતો નથી ને ! એ ખાતો ન હતો, પણ ભવિષ્યમાં પણ ક્યારે મન ન થાય, એ માટે મેં કહ્યું કે ઝેર ખાવાનું મન થાય તો ડુંગળી-લસણ ખાજે.'
આ જ વાત જમતાં જમતાં પણ ચાલુ રહી. દૃઢતાની વાતમાં સ્વાભાવિકપણે સ્વામીશ્રીનું જોમ બેવડાઈ જાય છે.
સ્વામીશ્રી કહે : 'કોઈ પણ જગ્યાએ જઈએ, આજ્ઞા લોપવી નહીં. લસણ-ડુંગળી સગાસંબંધીને ત્યાં ગયા હોઈએ તો પણ ન ખાવી, લગ્નપ્રસંગે પણ નહીં. આપણે મહારાજને રાજી કરવા છે, દુનિયાને નહીં. લોકોને એમ છે કે વેપારધંધો સારા ચાલે, એ માટે માંસાહાર ને દારૂની પાર્ટી આપવી પડે, પણ નથી આપતા તોય દુનિયામાં લોકોનું ચાલે છે. આ તો આપણને લઘુતાગ્રંથિ થઈ ગઈ છે કે એની સાથે જમવું પડે ને પીવું પણ પડે. અરે ! ધંધો ન ચાલે તો ધૂળમાં જાય, ભગવાન ચલાવશે અને નહીં ચલાવે તો ધામમાં જઈશું. ભગવાનમાં વિશ્વાસ નથી એટલે આ બધી ડગમગ થઈ જાય છે.'
કો'કે વળી કહ્યું, 'આજકાલ તો સ્કૂલમાં પણ લોકો આ ખાવાનો આગ્રહ કરે છે.'
સ્વામીશ્રી કહે : 'બધાને જીવમાં એવું જ થઈ ગયું છે કે આ બધું હોય તો જ છોકરો તાજો થાય. ઈંડા ખાવાથી તબિયત સારી થાય, પણ કોઈ જીવને મારી નાખીને ક્યારેય સારું થયું છે ? આજે બધાએ શાસ્ત્ર મૂકી દીધાં. વિશ્વાસ જ નહીં અને આવા સામાન્ય તર્ક ને પ્રચારનો વિશ્વાસ આવે છે, જીવની કાયરતા છે.'
(સુરત, ફેબ્રુઆરી ૨૦૦૫)
Vachanamrut Gems
Loyã-16:
The Method for Eradicating Egotism
"… Therefore, whosoever wishes to eradicate egotism should realise the greatness of God and the Sant."
[Loyã-16]