પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-12-2010, બોચાસણ
ડૉ. કિરણભાઈ દોશીએ સ્વામીશ્રીને તપાસ્યા. સ્વામીશ્રીએ એ દિવસે કઈ રીતે ઠંડી લાગી અને છાતીમાં ક્યાં દુખાવો થયો એની સવિસ્તર વાત કરી. ડૉ. કિરણભાઈએ ફેરવી ફેરવીને ઘણા પ્રશ્નો પૂછ્યા. ખાસ કરીને, ‘છાતીમાં જે દુખાવો હતો એ ટાંકણીની જેમ ભોંકાતો હતો ? કે છાતી ભારે હોય એવું લાગતું હતું ?’ એ પૂછ્યું ત્યારે સ્વામીશ્રીએ કહ્યું : ‘છાતી ભારે લાગતી હતી.’
ડૉ. કિરણભાઈ કહે : ‘આવું કંઈ હોય તો આપે તરત જ કહી દેવું.’
સ્વામીશ્રી કહે : ‘પણ મને એવો અણસાર જ ન હતો, મને તો એમ કે ઠંડી લાગે છે એને લીધે છાતીમાં દુખે છે.’
યોગીચરણ સ્વામી કહે : ‘ઠંડી વખતે આવું ક્યારેય પહેલાં થયું હતું.’
સ્વામીશ્રી કહે : ‘ના. આ પહેલી જ વખત થયું.’
આ રીતે સ્વાસ્થ્યનું પરીક્ષણ થયું. સૌને આશંકા એ હતી કે ‘આ હૃદયનો અનસ્ટેબલ એન્જાઈના કહી શકાય. એટલે અહીંથી પરીક્ષણ માટે વિશેષ ક્યાંક જવું જોઈએ.’
સાંજે લગભગ 5:30 વાગે વિખ્યાત કાર્ડિયોલોજિસ્ટ ડૉ. અશ્વિનભાઈ મહેતાનો મુંબઈથી ફોન આવ્યો. તેઓ સ્વામીશ્રીને કહે : ‘કિરણભાઈએ મને બધી વાત કરી છે ને બધું વર્ણન કર્યું છે, એ જોતાં એમ લાગે છે કે આપ ચોથી તારીખે મુંબઈ આવી જાવ. સાંજે જ હું આપને તપાસી લઈશ. આમ તો કોઈ ચિંતાનું કારણ લાગતું નથી, પણ બાયપાસ થયા પછી અત્યાર સુધી આવું પેઈન થયું નથી ને હવે થયું છે, તો મારી ખાસ ભલામણ છે કે આવો.’
સ્વામીશ્રી મૌન રહ્યા એટલે તેઓએ રિપીટ કરતાં કહ્યું : ‘આવશો ને ? આપણે તો અત્યારે આને જ પ્રાયોરિટી આપવી પડશે.’
સ્વામીશ્રી હળવા અવાજે એટલું બોલ્યા : ‘જોઈ લઈએ.’
વળી, ડૉ. કિરણભાઈ દોશી સ્વામીશ્રીને કહે : ‘બાર વર્ષમાં આટલું આપને ક્યારેય દુખ્યું નથી, એટલે જ અત્યારે એમ થાય છે કે વિશેષ પરીક્ષણ થઈ જવું જોઈએ. દુખાવો થયો એ ભલે એક વખત થયા પછી હજી હવે ફરીથી થતો નથી, પરંતુ એ એક પ્રકારની ચેતવણી તો કહી શકાય. એટલે જ તપાસ કરવી જોઈએ કે આ શાનાથી થયું છે ને વધારે કંઈ નુકસાન તો થયું નથી ને ? એ જોવું જોઈએ.’
વળી તેઓ કહે : ‘વૃદ્ધ ઉંમરે અમારે ત્યાં આ પ્રકારનું કાંઈક થાય, તો અમે એમને સંપૂર્ણ બેડરેસ્ટ કરાવીએ. વળી, આપને એ વખતે વિશેષ કોઈ પ્રવૃત્તિ હતી નહીં. પૂજામાં જ બેઠા હતા, એટલે કે આરામની સ્થિતિમાં આવું કંઈક થયું એટલે વિશેષ તપાસ કરાવી લેવી જોઈએ.’
આટલું કહ્યા પછી સ્વામીશ્રીને મુંબઈ લઈ જવા જોઈએ, એ બાબતમાં થોડીક વાત સ્વામીશ્રીને કરી. જો કે સ્વામીશ્રીએ કોઈ અભિપ્રાય આપ્યો નહીં, કેવળ મૌન રહ્યા.
Vachanamrut Gems
Gadhadã III-21:
Deliberately Losing to a devotee
“One should also not be pleased by defeating a devotee of God in arguments. On the contrary, one should derive pleasure in deliberately losing to him. One who does engage in an argument and defeats a devotee of God is a sinner worse than one who has committed the five grave sins.”
[Gadhadã III-21]