પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2010, ગાંધીનગર
આજે સ્વામિનારાયણ અક્ષરધામમાં વિશ્વના અજોડ અને ભારતના સર્વપ્રથમ સત્-ચિત્-આનંદ વૉટર શૉનો આ ઉદ્ઘાટન સમારોહ માણવા માટે ગુજરાત અને ભારતના મહાનુભાવો નિમંત્રણને માન આપીને ઊમટ્યા હતા.
અંતે, આ સત્-ચિત્-આનંદ વૉટર શૉના પ્રેરણામૂર્તિ અને જેમની સતત હૂંફ અને પ્રેરણાથી આ વૉટર શૉ નિર્માણ પામ્યો છે, એવા સ્વામીશ્રીના આશીર્વચન સાંભળવા માટે સૌ ખૂબ ઉત્સુક હતા. સરળ અને શાંત શૈલીમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપતાં જણાવ્યું કે -
‘ઇવ પીપાનું નામ જ એવું સાર્થક છે, પી અને પા. તમે પીઓ અને સામા પાછા પાઓ. નચિકેતાના આખ્યાનને બહુ સુંદર રીતે પાણીના શૉમાં બતાવ્યું. આવી આધ્યાત્મિક વાતો તમે પીઓ અને પાઓ. એવું સાર્થક નામ છે.
કઠોપનિષદમાં નચિકેતાની વાત આવે છે. એના બાપુજી ઉદ્દાલક ૠષિએ મોટો યજ્ઞ કર્યો ને હજારો ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી. આપણને પ્રિય હોય, સારું હોય એવું જ દાન કરીએ, પણ ઉદ્દાલકે ગાયો દાનમાં આપી એ વસૂકી ગયેલી, મડદાલ જેવી હતી. નચિકેતાને થયું કે મારા પિતા આવું દાન કરે છે એ સારું ન કહેવાય. આપવું તો સારું દાન આપવું. નચિકેતાએ પિતાને સવાલ કર્યો, પિતાને ક્રોધ આવ્યો ને ઉગ્રતામાં કહી દીધું, જા, તને યમરાજને આપ્યો. નચિકેતા સંસ્કારી હતો, આજ્ઞાપાલક હતો. આજનો જમાનો એવો છે કે બાપને ક્યાંય જંગલોમાં મૂકી આવે, પણ નચિકેતા યમરાજાના દરબારમાં ગયો. યમ એની દૃઢતાથી પ્રસન્ન થયા. નચિકેતાએ વરદાન માંગ્યાં. દીકરો કેટલો સંસ્કારી છે! પિતા યમરાજાને ત્યાં મોકલે છે તોપણ પિતાની શાંતિ માટે વરદાન માગે છે. આપણા ભારતીય સંસ્કાર કેવા છે તે આવા પ્રસંગોમાં જોવા મળે છે. આજે ઘર ઘરમાં પ્રશ્નો છે, પણ આવી આધ્યાત્મિક વાતો સાંભળીએ, જાણીએ તો કુટુંબમાં, સમાજમાં ને દેશમાં શાંતિ થાય. એવી ઘણી વાતો ઉપનિષદોમાં છે, પરંતુ એ વાંચવા આપણે નવરા નથી, પણ જેણે વાંચ્યું છે, વિચાર્યું છે, તેઓ એ માર્ગે ચાલીને સુખિયા થયા છે.
નચિકેતા મૃત્યુનું રહસ્ય સમજાવવા વરદાન માગે છે ત્યારે યમરાજા એને દેવલોકનાં સુખ આપવાની વાત કરે છે ત્યારે નચિકેતા એની ના પાડીને આધ્યાત્મિક વાત, આત્માના કલ્યાણની વાત માગે છે. શાંતિ-સુખ થાય, બીજાનું ભલું થાય એવું એણે માંગ્યું. પછી યમે ‘उत्तिष्ठत जाग्रत प्राप्त वरान् निबोधत...’ની વાત કરી. એવું આધ્યાત્મિક સુખ ભોગવતા હોય, જીવનમાં ઉતાર્યું હોય એવા મહાન પુરુષોના શરણે તું જા, તો તને એ સુખ મળશે. બ્રહ્મનિષ્ઠ પુરુષો પાસે જા, તો તને આ જ્ઞાન મળશે.
ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે :
‘ब्रह्मभूतः प्रसन्नात्मा, न शोचति न कांक्षति।
समः सर्वेषु भूतेषु, मद्भक्तिं लभते पराम्॥’
એ સંત કેવા હોય ? તો એની બ્રાહ્મીસ્થિતિ હોય, અખંડ ભગવાનનું સ્મરણ હોય, પરોપકાર હોય, કોઈને દુઃખ-ત્રાસ ન આપે એવા હોય, એવા બ્રહ્મસ્વરૂપ પુરુષ પાસેથી તને જ્ઞાન મળશે. જે બ્રહ્મસ્વરૂપ થયા હોય એની પરીક્ષા શું છે ? એને આનંદ-આનંદ-આનંદ જ હોય. બેસે, ઊઠે, વાત કરે પણ પ્રસન્નાત્મા. એને કોઈ શોક નહિ, અને બીજાને શોક થાય એવી વાત થાય નહિ. એને કોઈ પ્રકારનો શોક ન હોય કે મને આમ થયું, તેમ થયું, આ મળ્યું કે ન મળ્યું, એવો કોઈ શોક નહિ. મળ્યું તોય ભલે, અને ન મળ્યું તોય ભલે. કોઈ પ્રકારની ઇચ્છાઓ પણ નહિ. દરેક માણસ પ્રત્યે, દરેક જીવ પ્રત્યે એને અખંડ દયા હોય. કોઈ મારે, તાડન કરે, અપમાન કરે, તિરસ્કાર કરે, એના માટે ‘એનું ખરાબ થાવ, ખોટું થાવ’ એવું નહિ. એવા સંત સર્વનું હિત ઇચ્છે, સર્વનું કલ્યાણ ઇચ્છે. આવા પુરુષો થકી જ આપણને આ જગતમાં સુખ અને શાંતિ પ્રાપ્ત થાય છે.
આપણા ભારતમાં સંતો-મહાત્માઓ અદ્ભુત થયા છે. સ્વામિનારાયણ ભગવાન પણ આ પૃથ્વી પર પધાર્યા. એમણે આવા પાંચસો સંતો કર્યા હતા. એમણે પણ આ જ્ઞાન બધાને આપ્યું છે. શાસ્ત્રીજી મહારાજ પણ અદ્ભુત પુરુષ હતા. યોગીજી મહારાજને તો તમે જ્યારે જુઓ ત્યારે હસતા હોય. કોઈ માન કરે, અપમાન કરે તોય હસે, ‘એનું ભલું કરો, એનું સારું કરો’ એ જ ભાવના. એ હંમેશા કહેતા, ‘ભગવાન સૌનું ભલું કરો.’ એમના વિરુદ્ધમાં કોઈએ લખ્યું હોય તો કહે, ‘લાવો, વાંચીએ. બહુ સારું લખ્યું છે. આમાં આપણી ભૂલો થતી હશે તો સુધરશે.’ આવું એમનું જ્ઞાન હતું, એવા અલમસ્ત હતા. એમના થકી આજે આપણને આ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આપણી ભારતીય સંસ્કૃતિના સંસ્કાર - ઉપનિષદ, રામાયણ, મહાભારત, ગીતા, સ્વામિનારાયણ ભગવાને વચનામૃત આપ્યું છે, આ બધા ગ્રંથો વાંચવા જોઈએ, એટલે ઘરસભા કરવી. પહેલાં આપણા વડવાઓ રાત્રે ભેગા થઈ છોકરાઓને રામાયણ-મહાભારતની વાતો સમજાવતા એટલે સંસ્કાર મળતા હતા. એટલે જોગી મહારાજે કહ્યું છે, ‘ઘરસભા કરો.’ કુટુંબનાં બધાં ભેગાં બેસીને, ઘરસભા કરીને, રામાયણ-મહાભારતની વાતો કરે તો છોકરાઓ સંસ્કારી થાય. ઘર, સમાજ ને દેશમાં શાંતિ થાય, એવા એમના બહુ જ મોટા વિચારો હતા. યોગીજી મહારાજ એવા સંત હતા તો એમના થકી આપ બધાને ખૂબ સુખ-શાંતિ થાય એવી પ્રાર્થના છે.’
હવે સત્-ચિત્-આનંદ વૉટર શૉની પ્રથમ પ્રસ્તુતિ થવાની હતી. મુખ્યમંત્રીશ્રી અને સૌ મહાનુભાવો મંચ પરથી ઊતરી પેવિલિયનમાં દર્શકગણમાં બિરાજ્યા. સ્વામીશ્રી અને સંતો સૌની વિદાય લઈ ઉતારે પધાર્યા.
થોડી જ ક્ષણોમાં વૉટર શૉનો પ્રારંભ થયો. સતત 45 મિનિટ સુધી સૌ કોઈ જાણે જુદા વિશ્વમાં વિહાર કરી આવ્યા હોય એવો અનુભવ થયો. સૌનાં મન-બુદ્ધિ-ચિત્ત અને આત્મા જાણે સત્-ચિત્-આનંદમય થઈ ગયાં હતાં. તમામ મહાનુભાવો એક જ અવાજે કહી રહ્યા હતા : ‘અજોડ...., અદ્ભુત...., અકલ્પ્ય...., અનિર્વચનીય.... આવા અદ્ભુત શૉના સર્જક પ્રમુખસ્વામી મહારાજને કોટિ કોટિ વંદન... આધ્યાત્મિક સંદેશ આપવાનું આવું કાર્ય તેઓ જ કરી શકે.....’
સૌ મહાનુભાવો છુટા પડ્યા પછી સતત ‘સત્ ચિત્ આનંદ’ની અનુભૂતિને જ વાગોળી રહ્યા હતા. ભોજન દરમ્યાન પણ સૌના મુખમાં આજના સમારોહની અને સત્-ચિત્-આનંદ વૉટર શૉની જ વાતો ગૂંજતી રહી. કેટલાક આખી રાત પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં યોજાયેલો આ સમારોહ અને વૉટર શૉના સંમોહનથી ભીંજાયેલા રહ્યા.
શૉ પૂરો થયો તે સાથે થોડી જ ક્ષણોમાં ટેલિવિઝન દ્વારા સમગ્ર ભારત અને વિશ્વમાં આ વૉટર શૉનાં આંદોલનો પ્રસરી ગયાં. બીજે દિવસે સવારે ભારતનાં અનેક શહેરોમાં લગભગ બધાં જ વર્તમાનપત્રોએ વૉટર શૉનો જય જયકાર કર્યો હતો અને ટી.વી. ચેનલોએ આખો દિવસ વૉટર શૉની ગાથાઓ ગાઈ. સર્વત્ર જય જયકાર છવાઈ ગયો.
Vachanamrut Gems
Gadhadã III-38:
The supreme God who manifests on earth out of compassion
... the form of God in Akshardhãm and the form of the muktas – the attendants of God – are all satya, divine and extremely luminous. Also, the form of that God and those muktas is two-armed like that of a human being, and it is characterised by eternal existence, consciousness and bliss. That God, residing in Akshardhãm, is served by those muktas with various types of divine articles, and He is always present there to bestow supreme bliss upon those muktas.
[Gadhadã III-38]