પ્રેરણા પરિમલ
તો શાંતિ થાય...
(તા. ૩૦-૦૩-૨૦૦૮, સારંગપુર)
આજે રવિવાર હોવાથી પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ સામેથી જ આશીર્વચનો કહેવાની ઇચ્છા વ્યક્ત કરી.
સ્વામીશ્રીએ કહ્યું: ''આજે અહીં રવિવારની સભા થશે, કારણ કે જોગી મહારાજની આજ્ઞા છે. બોટાદના હરિભક્તો અહીં ખાસ લાભ મળે એટલે આવે છે. બધાને ઉત્સાહ-ઉમંગ છે, પદયાત્રા પણ કરે છે. મહિમા છે તો ભક્તિ થાય છે.
વ્યાસજી સમર્થ હતા, જેણે સત્તર પુરાણ રચ્યાં. વરાહ પુરાણ, કૂર્મ પુરાણ, નરસિંહ પુરાણ, દેવી પુરાણ, આ બધાં પુરાણો એમણે લખ્યાં, તેમ છતાં તેમને શાંતિ થઈ નહીં. પછી વ્યાસજીએ નારદજીને પોતાની અશાંતિની વાત કરી. ત્યારે નારદજીએ પ્રગટની ઉપાસના દૃઢ વાત કરી.
આત્મા ને પરમાત્માનું ભજન, આત્મા ને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન એ સાચું સુખ છે. ભગવાનનું સ્વરૂપ, સંતનું સ્વરૂપ, બ્રહ્મનું સ્વરૂપ યથાર્થ ઓળખાય તો શાંતિ થાય. પણ વ્યાસજીએ પરોક્ષપણે આ બધી વાત કરી હતી. જે ભગવાન થકી કલ્યાણથાય એવા પ્રત્યક્ષ ભગવાનનો મહિમા ગાયો નથી, એને અશાંતિ છે.
ભગવાન ને ભગવાનના ભક્તનાં ચરિત્ર ગાવાં ને સાંભળવાં એમાં જ શાંતિ છે. એમની જ કથા, એમનું જ કીર્તન, એમની જ વાત કરવાની છે. ભગતજીને જેમ ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા હતો કે 'આ બેઠું એ અક્ષર, આ સૂતું એ અક્ષર', તો એમને આનંદ આનંદ થઈ ગયો. ભક્તચિંતામણિ, હરિલીલામૃત, સત્સંગિજીવનમાં ભગવાન ને ભગવાનના ભક્તનાં ચરિત્રો છે એ વાંચો તો શાંતિ થાય.
પરંતુ ભગવાન મળ્યા, ભગવાન જેવા સંત મળ્યા તો પણ અશાંતિ કેમ છે ? એનું કારણ છે, પંચવિષયમાં રાગ. ખાવું-પીવું, મોજશોખ, બંગલા, વગેરેમાં રાગ છે ત્યાં સુધી ગમે તેટલી વાત થાય પણ અંદર ઊતરે નહીં. અહીં બેઠા હોય, કથાવાર્તા ચાલતી હોય, પણ અંદર બીજા વિચારો ચાલતા હોય તો ક્યાંથી શાંતિ થાય!
આજ્ઞા પ્રમાણે વર્તાય નહીં તેનાથી અશાંતિ થાય. પણ જો આજ્ઞા પ્રમાણે વર્તીએ તો સર્વ પ્રકારે સુખ ને શાંતિ થાય છે. ભગવાન સંબંધી પંચવિષય ભોગવો તો સુખ અને જગત સંબંધી ભોગવો તો દુઃખ. આંખે કરીને ભગવાનનાં દર્શન કરો, કાને ભગવાનની કથા સાંભળો, તો શાંતિ થાય. મહારાજને પ્રાર્થના કરીએ કે આવું જ્ઞાન, આવી સમજણ, આવું સુખ સૌને મળે. ભગવાન ને સંતનું સુખ મળ્યું છે, શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપ્યું છે એ જીવનમાં દૃઢથઈ જાય અને એમાં આપણે સુખિયા થઈએ એ આશીર્વાદ છે.''
Vachanamrut Gems
Gadhadã II-1:
A Means to Liberation
"… Therefore, those who wish to strive for liberation should eradicate attachment to the vishays…"
[Gadhadã II-1]