પ્રેરણા પરિમલ
વચનમાં વિશ્વાસ...
બાળશિબિરના ઉપક્રમે મંચ પર બાળકો કાર્યક્રમ રજૂ કરી રહ્યા હતા. બાળકો ગુણાતીતાનંદ સ્વામીના વખતમાંથી ટાઈમમશીન દ્વારા ભગતજી મહારાજના સમયમાં પ્રવેશ્યા પણ આશ્ચર્ય, ટાઈમમશીનમાંથી ચાર બાળકોને બદલે આધેડ વયના ચાર પુરુષો બહાર આવ્યા. કોઈના વાળ ધોળા થઈ ગયેલા, તો કોઈને ટાલ પડેલી અને ચારેયને પહેરેલાં વસ્ત્રો લેંઘો ને ઝભ્ભો પણ ટૂંકા પડતા હતા. તે ચારેયનું આશ્ચર્ય શમે ત્યાં તો બે બાળકોએ મંચ પર આવીને ભગતજી મહારાજના 'અડસઠ તીરથ કયાં છે ? અને 'અક્ષરધામની કૂંચી તો હવે પ્રાગજીને સોંપી છે.' એ બે પ્રસંગો કહ્યા. સ્વામીશ્રી પણ ઝીણી આંખ કરીને ખૂબ જ એકાગ્રતાથી તે બાળકોને સાંભળતા હતા.
અંતે એક બાળકે આવીને સ્વામીશ્રીને નિર્દોષભાવે પ્રશ્ન પૂછ્યો. 'સ્વામીબાપા ! ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી ભગતજી ગિરનારને બોલાવવા ગયા, એ બરાબર હતું, પણ એ તો મોટો પર્વત છે, કેવી રીતે આવે ?'
આ બાળસહજ પ્રશ્નનું સમાધાન આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું કે, ''ભગતજી મહારાજને સત્સંગ પહેલેથી જ હતો, પછી ગુણાતીતાનંદ સ્વામીનો જૂનાગઢમાં સમાગમ કરવા આવ્યા. એમની વાતો સાંભળીને મહારાજનો સર્વોપરિ નિશ્ચય થયો ને ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે - એ બે વાત નક્કી થઈ અને સ્વામીમાં એટલી આત્મબુદ્ધિ થઈ ગઈ કે સ્વામીની જે આજ્ઞા થાય એ બધી જ આજ્ઞા પાળે. એમનાં વચનમાં કોઈ વિચાર પણ ન આવે.
સાચી વાત છે કે જડ વસ્તુઓ આવે નહીં, પણ ભગતજી માનતા હતા કે સ્વામી જે કહે તેમાં દિવ્યતા છે, એ સત્ય વચન છે. ભગતજીને એ ભાવ હતો કે ગુણાતીતાનંદ સ્વામી સાક્ષાત્ અક્ષરનો અવતાર છે અને એ જે વાત કરે એ બરોબર છે, એમાં સંશય નહીં. ખરા શિષ્યને ગુરુના વચનમાં સંશય ન હોય.
આપણે ભગવાન ને સંતનાં આજ્ઞા-વચન એ રીતે પાળવાં. પરિણામ આવે, ન આવે, કાર્ય થાય, ના થાય - એ એમની ઇચ્છાની વાત છે. આવી નિષ્ઠા, આવો વિશ્વાસ અને શ્રદ્ધા થાય તો ભગવાન ને સંત રાજી થઈ જાય.''
(તા. ૧૦-૭-૨૦૦૪, ઓર્લાન્ડો)