પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૩
અમદાવાદ, તા. ૧૧-૧૦-૧૯૬૮
શ્રી હરિપ્રસાદ મંછારામ ચોકસી, પેઢીગત પાકા સત્સંગી. એમના પિતાશ્રી મંછારામભાઈ એટલે જૂના સંપ્રદાયમાં અગ્રણી. મુંબઈ રાજ્યમાં સરકારી વકીલ અને ગુજરાત રાજ્ય જુદું પડતાં ગુજરાતમાં સરકારી વકીલ તરીકે હરિપ્રસાદભાઈ નિમાયા. સત્સંગમાં પણ એટલા જ અનુભવી અને જૂના. 'શાસ્ત્રીજી મહારાજ વડતાલથી શાથી છૂટા પડ્યા ?' એ સમજવા એમણે પ્રયત્ન કરેલો, એથી શાસ્ત્રીજી મહારાજની સાધુતા, વિદ્વત્તા અને સિદ્ધાંત નિષ્ઠા માટે એમને ખૂબ જ આદર. પાછળથી યોગીજી મહારાજની સાધુતાએ અને નિર્દોષતાએ એમનું હૃદય આરપાર વીંધી નાખ્યું. યોગીજી મહારાજ મુંબઈ પધારે ત્યારે અચૂક દર્શને આવે, આશીર્વાદ મેળવે. ૧૯૬૦માં યોગીજી મહારાજે ગ્રહણ કરેલ બીમારીમાં ચોકસી સાહેબે પોતાના વિશાળ આવાસ-કમલમહાલમાં સ્વામીશ્રીને બે મહિના રાખી ખૂબ સેવા કરી. યોગીજી મહારાજ પ્રત્યે એમને કોઈ અનેરો ભાવ જાગ્યો.
તેઓ હવે અમદાવાદમાં સ્થિર થયા હતા. આજે સાંજે મંદિરે સ્વામીશ્રીનાં દર્શને આવ્યા. 'આપ આ ઉંમરે બહુ ભીડો કેવી રીતે વેઠી શકો છો તે મને સમજાતું નથી ? આપ સ્વામિનારાયણ પોતે છો કે શું છો તે મને સમજાવો ?' સ્વામીશ્રીના બે હાથ પોતાના હાથમાં લઈ તેઓ ગદ્ગદિત થઈ પૂછી રહ્યા હતા.
'એવું કંઈ નથી, અમે તો દાસના દાસ છીએ.' સ્વામીશ્રી જાણે આવું સાંભળવામાં પણ અપરાધ થઈ જતો હોય એમ દાસભાવે બોલ્યા.
છતાં ચહેરાના અતિ ગદ્ગદભાવ-પ્રતિભાવરૂપી શબ્દોથી જાણે એ જ પ્રશ્ન ચોકસી સાહેબ પૂછી રહ્યા હતા એમ જણાતું હતું. એમણે સ્વામીશ્રીના બે હાથો દબાવી, આગ્રહ ચાલુ રાખ્યો.
એમના આર્દ્રભાવથી મહાત થઈ છેવટે યોગીજી મહારાજ બોલ્યા : 'સ્વામિનારાયણ ભગવાને આપેલી શક્તિ કામ કરે છે.'
હૃદયને જે જવાબ જોઈતો હતો તે મળતાં ચોકસી સાહેબ હરખાઈ ગયા. આજુબાજુ ઊભેલા સૌનાં હૈયાં પણ હસી પડ્યાં. આત્માનો અવાજ આત્મા જ સાંભળે અને સમજે !
'તમારા હૃદયમાં મને રાખજો ને હવે જલદી ધામમાં લઈ જાવ.' આ ચોકસી સાહેબના અંતરના અંતિમ શબ્દો હતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-16:
The Method for Eradicating Egotism
"… Therefore, whosoever wishes to eradicate egotism should realise the greatness of God and the Sant."
[Loyã-16]