પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૨૭
મુંબઈ, તા. ૧૯-૧૨-'૬૭
મુંબઈના એક નવા મુમુક્ષુ માધવજીભાઈને યોગીજી મહારાજ સાથે ખૂબ હેત-ભાવ થયા. જૂના માણસ અને નિખાલસ ભાવવાળા. સ્વામીશ્રી દરેક સાથે એવા તો ઓતપ્રોત થઈ જતા કે કોઈને જરાય નવું ન લાગે, પોતાપણું લાગ્યા કરે. આજે માધવજીભાઈએ સહજ ભાવે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો :
'હેં સ્વામી ! અક્ષરધામ શું છે ?'
'ગોલોકના પતિ કૃષ્ણ, વૈકુંઠના પતિ રામ, શ્વેતદ્વિપના પતિ નરનારાયણ ને અક્ષરધામના પતિ સહજાનંદ સ્વામી. ગુણાતીતાનંદ સ્વામી અક્ષરધામ કહેવાય.' સ્વામીશ્રીએ પોતાની સહજ-સ્વાભાવિક શૈલીમાં સમજાવ્યું.
'સ્વામી, અમારે અક્ષરધામમાં જવાનું થશે કે નહિ ?'
'જો ઉપાસના દૃઢ હોય, આશરો દૃઢ હોય તો અક્ષરધામમાં જવાય...' આશ્વાસન કે આલંબન આપ્યા સિવાય જેમ છે એમ સ્વામીશ્રીએ કહ્યું.
'તો અમારે ગલોટિયાં ખાવાં પડશે કે કેમ ?' કાઠિયાવાડની તળપદી ભાષામાં માધવજીભાઈએ પોતાની મર્યાદા અને ક્ષમતા સમજી માર્મિક રીતે પૂછ્યું કે તો પછી અમારે શું હજુ ભટકવું પડશે ?
'ઉપાસના હોય તો આ ને આ જન્મે અક્ષરધામમાં જવાય.' ખાતરી આપતા હોય એમ સ્વામીશ્રી બોલ્યા.
'સ્વામી, તમે શું કામ આવો છો ને જાવ છો ?' બીજો માર્મિક પ્રશ્ન માધવજીભાઈએ સહજતાથી જ પૂછ્યો.
'મહારાજ મોકલે એટલે આવવું પડે ને!' સ્વામીશ્રીએ પણ એટલી જ દૃઢતાથી જણાવ્યું.
'તમને ત્યાં ગમે કે અહીં ગમે ?'
'બે એક જ છે, અક્ષરધામ દેહ છતાં જ છે.' જ્યાં મહારાજ અને ગુણાતીત સંત બિરાજે છે ત્યાં જ અક્ષરધામ છે. અંતર્દૃષ્ટિવાળાને છેટું નથી. સ્વામીશ્રીના નિર્દોષચરિત સાથે આ સાહજિક વાર્તાલાપનો સુમેળ બેસાડતા, સૌનાં અંતરમાં પ્રતીતિ થઈ કે અક્ષરધામના પુરુષ સિવાય આવું ચોક્કસ અને નિધડકપણે કોણ બોલી શકે ?
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-14:
Shriji Maharaj's Method of Worship
"… Despite being able to constantly see this mass of divine light, I am not attracted by it; I experience profound bliss only from the darshan of God's form. This is My method of worship."
[Loyã-14]