પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૪૮
મુંબઈ, તા. ૧૯-૯-૧૯૬૯
રાત્રે યોગીજી મહારાજ ઉકાળો લઈ રહ્યા હતા. એવામાં પીપૂડીવાળા બાવાને સંભાર્યો. મુંબઈ સ્વામીશ્રી પધારતા ત્યારે રોજ સવારે પૂજામાં એક ભગવી અલફી ધારી બાવો લાંબી ગોળ પીપૂડી લઈને આવતો અને સ્વામીશ્રી પૂજા કરતા હોય ત્યારે પીપૂડી વગાડી મુજરા કરતો. સ્વામીશ્રી એના ઉપર રાજી થતા અને રોજ એને પ્રસાદ અપાવતા અને પીપૂડી વગાડવા કહેતા. પણ ઘણા હરિભક્તોને આ પ્રકારની એની ખલેલ ગમતી નહિ. ઘણા મોં મચકોડતા. છતાં સ્વામીશ્રી એટલી તો પ્રસન્નતા બતાવે કે કોઈ બોલી શકે નહિ અને બાવો રોજ અચૂક આવે. એક વખતે એણે વસ્ત્રની માંગણી કરી હતી તો સ્વામીશ્રીએ એને કોઠારી સ્વામી પાસે એક ધોતિયું પણ અપાવેલું. સ્વામીશ્રી જુહુ પધાર્યા હતા, ત્યારે ત્યાં પણ એ વહેલી સવારે પૂજામાં આવી પહોંચ્યો હતો. એને પણ સ્વામીશ્રીનાં સ્વરૂપમાં-હાસ્યમાં હેત થઈ ગયું હતું.
આજે ઉકાળો પીતાં પીતાં સ્વામીશ્રીએ પૂછ્યું : 'એ છે કે નહિ...' કારણ હમણાં એ દેખાયો નહોતો. સંબંધમાં આવેલા એક અલ્પ જીવ ઉપર કેટલી દયા !
અક્ષર ભવનમાં એક નજીવો માણસ આવેલો. સ્વામીશ્રીનાં દર્શન કરી એણે કંઈક માંગણી કરી. ભક્તોને ખબર પડી કે આ પૈસા લેવા આવ્યો છે. એટલે સૌએ એને મંદિરમાંથી નીચે ઉતારી મૂક્યો, પણ સ્વામીશ્રીએ મગનભાઈ ખત્રીને એની પાછળ મોકલ્યા, અને છસો રૂપિયા એને જોઈતા હતા તે અપાવ્યા. સ્વામીશ્રીની કરુણા આગળ સૌ ઝાંખા પડી ગયા.
પછી ભગતજી મહારાજના જન્મસ્થાનના જીર્ણોદ્ધારની વાત ચાલતી હતી. ભગતજી મહારાજ અઢેલીને બેસતા એ થાંભલો બાંધકામમાં વચમાં આવતો હતો એટલે કોઈએ એ થાંભલો ફેરવવો કે નહિ - એ સંબંધી પૂછ્યું. તરત સ્વામીશ્રીએ સમાધાન કર્યું : 'થાંભલો જ્યાં છે ત્યાં જ રાખવાનો, જરા પણ ફેરવવો નહિ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-4:
Constant Contemplation on God is Not a Small Feat
"Indeed, it is not a small feat to be able to contemplate upon God constantly. Because if one were to leave this body while contemplating upon God, one would attain an extremely elevated state."
[Gadhadã II-4]