પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૪
ભાદરા, ૧૯૬૯
ભાદરા-ગુણાતીત જન્મસ્થાનમાં મંદિરની પ્રતિષ્ઠાની પૂર્વતૈયારીમાં યોગીજી મહારાજ ઓતપ્રોત થયા હતા. નાનામોટા દરેક કામ ઉપર પોતે જાતે તપાસ રાખતા અને સૌને બળ આપી કાર્યમાં જોડતા. આ પ્રાસાદિક સ્થાનની સેવા સૌને વધુ મળે એ હેતુથી સ્વામીશ્રી દરેક કાર્ય સેવાભાવનાથી-શ્રમયજ્ઞ દ્વારા યુવકો અને હરિભક્તો પાસે જ કરાવતા. વૈશાખના ધોમધખતા તાપમાં પણ સ્વામીશ્રી સેવાકાર્યોની મુલાકાત લેતા અને સૌને બળ પ્રેરી શીતળતા અર્પતા.
એક દિવસ નદીને સામે કાંઠે ચાલતા કૂવા ગાળવાના કાર્યને તથા નદીમાંથી નંખાતી પાણીની પાઈપ લાઈનના કાર્યને નિહાળી, સ્વામીશ્રી ઊંડ નદીને કિનારે શ્રીહરિ સ્નાન કરતા એ ઘાટ ઉપર વડલા નીચે પધાર્યા. વડલાને પ્રદક્ષિણા કરી દંડવત્ કર્યા. 'હાલો ભેટીએ' એમ બોલતાં બે આજાનબાહુ પ્રસારી મહારાજની પ્રસાદીરૂપ વડલાને જાણે મહારાજને જ ભેટતા હોય એવા ભાવથી બાથમાં લઈ ભેટ્યા. પછી ત્યાં જ છાંયે સભા કરી. વડલાને અઢેલીને પ્રસન્નવદને, ઉગમણે મુખારવિંદે, એક ગોઠણ ઉપર હાથ પ્રસારીને સ્વામીશ્રી લાક્ષણિક મુદ્રામાં બિરાજ્યા હતા. બાજુમાં પોતાની પાઘ (માથાનો ભગવો રૂમાલ) મૂકી.
એ સમયે, એકાએક જ ઉપરથી કોઈ પક્ષી ચરક્યું, તે સ્વામીશ્રીની પાઘની અંદર જ બરાબર પડ્યું. ક્ષણભર તો બધા જોઈ જ રહ્યા કે આ શું થયું ?
સ્વામીશ્રીને તો પૂર્વવત્ એ જ સ્વસ્થ અને પ્રસન્ન ચિત્ત ! જાણે કાંઈ બન્યું જ નથી. સૌ મોઢું બગાડી ઘડીક ઊંચે તો ઘડીક નીચે આશ્ચર્યવત્ જોઈ રહ્યા હતા. ત્યારે હાથનું હળવું લટકું કરતાં, હસતાં હસતાં, ધીરેકથી સ્વામીશ્રી બોલ્યા :
'એનું કલ્યાણ થઈ ગયું !'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-8:
Controlling One's Hands
"To overcome the over-excitability of the hands, whenever the hands are idle, one should keep a rosary in one's hand and turn it while chanting the name of God in rhythm with the inhaling and exhaling of one's breath. One should not, however, turn the rosary hurriedly…"
[Loyã-8]