પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૩૮
મુંબઈ, તા. ૪-૯-૧૯૬૯
યોગીજી મહારાજે વિશેષ માંદગી ગ્રહણ કરી હતી. અશક્તિ ઘણી રહેતી. સહેજે શ્રમમાં નાડીના ધબકારા વધી જતા. ઊંઘની તકલીફ તો હતી જ. આ દિવસોમાં સ્વામીશ્રીએ શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીના શબ્દોમાં કહીએ તો વિશ્રામલીલા ગ્રહણ કરી હતી. ભગવાન સાથે તદ્વદ્ભાવને પામેલા સંતમાં ભગવાન જ સમ્યક્ પ્રકારે નિવાસ કરતા હોવાથી ભગવાન જ સંતમાં રહીને વિવિધ લીલાઓ દ્વારા-સંતની સેવાનો લાભ, લીલા-સ્મરણનો લાભ મુમુક્ષુઓને તથા ભક્તોને આપતા હોય છે.
આજે વહેલી સવારે સેવકોને પોતાની વાત કરતાં કહે, 'પ્રમુખસ્વામીને શાસ્ત્રીજી મહારાજે ચાદર ઓઢાડી ત્યારે મને એમના માથે હાથ મૂકવા કહ્યું... મેં પચાસ વર્ષ સેવા કરી છે, કથાવાર્તા ને હરિભક્તોની સરભરા કરી છે. પગ વાળીને બેઠો નથી... અદાની દેરીએ (રાજકોટ) પથરા ઊંચકતા, ડાંગરામાં રોટલા ઘડતા ને રાત્રે નદીમાંથી પાણી સારીને છાંટતા...'
'સોળ વર્ષનો હતો ત્યારે આવેલો. તે અદા(કૃષ્ણજી અદા)ના વચને બોચાસણ ગયા. વિજ્ઞાનદાસ સ્વામીની બહુ સેવા કરી છે. જોડના સાધુ ભગવત્સ્વરૂપજી આંધળા હતા તેની સેવા કરી. કૃષ્ણચરણ સ્વામી પણ મારા ઉપર બહુ રાજી. એમણે મને બોચાસણ જવા રાજી થઈને રજા આપી. શાસ્ત્રીજી મહારાજ અને સંતોની પણ બહુ સેવા કરી. ખાનદેશના પુરુષોત્તમ સ્વામીની સેવા કરી. પ્રમુખસ્વામીને રાજી કર્યા. સંત સ્વામીને રાજી કર્યા. બધાને રાજી કર્યા. પગ વાળીને બેઠો નથી. સેવા જ કરી છે...' આવી વાતો જવલ્લેજ સ્વામીશ્રી કરતા. જે બીજાને અનન્ય પ્રેરણારૂપ બની રહેતી.
આજે વચનામૃત વરતાલ તેરમું વંચાયું. વચનામૃતમાં આગળ વાત આવી કે ઘણાક જીવને પોતાને સન્મુખ કરવા હોય ત્યારે સમાધિ કરાવે છે.
'અત્યારે તો મહારાજ ઓરડામાં જ રહે છે એટલે કોઈનુંય કલ્યાણ નહિ થતું હોય,' એક સંત રમૂજમાં બોલ્યા.
એ સાંભળી સ્વામીશ્રી કહે, 'પચાસ વર્ષ તો કલ્યાણ કર્યાં. હવે એક મહિનો ઓરડામાં પડી રહીશું, એમાં શું ?' સ્વામીશ્રીએ પણ રમૂજ કરાવતાં-સમર્થન આપતાં સૌને આનંદ કરાવ્યો.
- સાધુ ઈશ્વરચરણદાસ