પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૮૧
ગોંડલ, તા. ૨૫-૪-'૬૧
આજે સવારે પૂજા કરતી વખતે પૂજામાં બધી મૂર્તિઓ આગળ સુંદર રીતે પુષ્પો ગોઠવ્યાં. ફૂલદાનીમાં એક નાનકડો મોગરાનો હાર વધારાનો પડ્યો હતો. સૌને થયું કે યોગીજી મહારાજ આ હારનું શું કરશે ? ધીરેથી સ્વામીશ્રીએ એ હાર લીધો ને પૂજામાં જ્યાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ મૂકી હતી તેની આજુબાજુ ફરતો સરસ રીતે તે હાર ગોઠવી દીધો - પહેરાવ્યો અને ગુરુભક્તિનું સૌને દર્શન કરાવ્યું.
પ્રાતઃકાલે પોતાની નિત્ય પૂજા કરતા સ્વામીશ્રી કલાત્મક રીતે મૂર્તિની આસપાસ પુષ્પો ગોઠવતા. મુંબઈમાં હરિભાઈ સોની રોજ તાજાં-સારાં સુગંધીમાન પુષ્પો વહેલી સવારે લઈ આવે તે સ્વામીશ્રી દરેક મૂર્તિની નીચે વચમાં ગુલાબનું પુષ્પ મૂકે ને ફરતાં મોગરાનાં પુષ્પો ગોઠવે. કારણ, પોતાના ઇષ્ટદેવ શ્રીજીમહારાજને મોગરો ને ગુલાબ જ વહાલાં હતાં !
પૂજામાં સૌપ્રથમ સ્વામીશ્રી પોતાની સાથે - હૈયે ને હાથે અખંડ રાખતા હરિકૃષ્ણ મહારાજની ધાતુની મૂર્તિની પૂજા ચંદન-પુષ્પથી કરે. પછી એ પ્રસાદી ચંદનથી પોતે તિલક ને ચાંદલો કરે. પછી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે થોડો સમય માળા ફેરવે. પછી પોતાની પૂજાની મૂર્તિઓ (ચિત્ર-પ્રતિમાઓ) વસ્ત્ર ઉપર પધરાવે. પુષ્પ ધરાવે-ગોઠવે. પછી તદ્રૂપ થઈને બે હાથે પ્રસાદ ધરે ને માળા ફેરવે.
(પ્રસાદમાં લગભગ બદામની પૂરી તો હોય જ, તેમજ હરિભક્તોએ લાવેલી શુદ્ધ મીઠાઈઓ પણ ખરી, પણ અમારાં વર્ષોના અનુભવમાં અમે એ જોયું છે કે સ્વામીશ્રીએ ધરાવેલા પ્રસાદની એક કણીસુધ્ધાં પોતાના મોઢામાં મૂકી નથી. બાળકો, યુવકો તથા હરિભક્તોને જ પ્રસાદ વહેંચાવી દે. ક્યારેક કોઈ ઉપવાસી યુવકને હેત કરતાં પારણાં નિમિત્તે જાતે બદામ, પૂરી કે એવો કોઈ પ્રસાદ આપી રાજીપો બતાવે.)
પછી ઊભા થઈને બે હાથ ઊંચા રાખીને માળા ફેરવે. (પહેલાં એક પગે પણ ઊભા રહેતા.) પછી પ્રદક્ષિણા કરી, દંડવત્ કરે. પ્રસાદ ધરાવે-વહેંચે. પુષ્પ વહેંચે. છેલ્લે છેલ્લે તો આ પુષ્પ વહેંચવાનો કાર્યક્રમ એટલો તો રસપ્રદ બન્યો હતો કે પૂજામાં દર્શનાર્થે પધારતા સેંકડો હરિભક્તોના સમૂહમાં, સ્વામીશ્રી એક એક પુષ્પ ઉછાળી ઉછાળીને દૂર ઊભેલા હરિભક્તોને આપતા. સૌને સ્મૃતિ આપવા ભક્તો સાથેની સ્વામીશ્રીની આ લીલા, નાના-મોટા સૌને બ્રહ્માનંદમાં તરબોળ કરી દેતી હતી. ત્યાર પછી સેવક પૂજા બાંધે ને સ્વામીશ્રી ચશ્માં પહેરી શિક્ષાપત્રી વાંચે.
પૂજા દરમિયાન સંતો કીર્તનની રમઝટ બોલાવે. ખરેખર ! સ્વામીશ્રીની પૂજાનાં આ દર્શનમાં સૌ અક્ષરધામનું સુખ અનુભવતા હતા.
માંદગીમાં અશક્તિને કારણે સ્વામીશ્રી દંડવત્ ઓછા કરતા. એકવાર સ્વામીશ્રીએ ખૂબ અશક્તિ હોવા છતાં બે દડંવત્ તો કર્યા જ. આ જોઈ ડૉ. સ્વયંપ્રકાશ સ્વામીએ કહ્યું કે 'આપ દંડવત્ ન કરો તો ચાલે.'
એટલે સ્વામીશ્રી હસતાં હસતાં એમની લાક્ષણિક શૈલીમાં બોલ્યા કે 'ગુરુ ! એમ પોલ ન હાલે. દંડવત્ તો કરવા જ પડે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-12:
The Best Method to Stabilise the Mind
"… Thus, one should listen to the discourses of Purushottam Nãrãyan with faith and love. There is no better method to stabilise the mind and to free it of the desires for vishays."
[Kãriyãni-12]