પ્રેરણા પરિમલ
પ્રમુખસ્વામી મહારાજને ગજવું જ નથી
પ્રમુખસ્વામી મહારાજને કશાયની સ્પૃહા નથી તો ધનની તો હોય જ શાની ? એક વિદ્ધાન સ્વામીશ્રી માટે ઘણી વખત કહે છે : 'પ્રમુખસ્વામીજીને ગજવું જ નથી. આટલી મોટી સંસ્થાના એ ધણી છે છતાં પોતાના નામે એ કંઈ રાખતા નથી.'
એક વખત સ્વામીશ્રીને મ્વાન્ઝાથી દારેસલામ જવાનું હતું. કોઈએ વાત ઉડાવેલી કે પ્રમુખસ્વામી અને એમના સંતો હીરા લઈને જાય છે. એરપોર્ટ ઉપર એમના માટે કડક ચૅકિંગ કરવામાં આવ્યું. હરિભક્તોએ અધિકારીઓને સમજાવ્યા, પણ એ સમજ્યા નહીં. ઊલટો, એમનો સંશય વધ્યો. તેમણે બધો સામાન ખૂબ ઝીણવટથી તપાસ્યો. પૂજાની પોટલીમાંથી કંકુની ડબ્બીઓ કઢાવી. તેમાં પણ આંગળી નાખી નાખીને જોયું. પણ કંઈ નીકળ્યું નહીં એટલે આશ્ચર્ય પામીને કહ્યું: 'તમારી પાસે હીરા તો નથી. પણ સામાન્ય મુસાફર પાસે હોય તે પણ - પંચોતેર શિલિંગ, તમારી પાસે નથી ! આવો આ પહેલો જ પ્રસંગ છે.'