પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૨
ઉમરેઠ, તા. ૭-૭-'૫૯
મોમ્બાસાના ભાઈલાલભાઈને ત્યાં ખાનકૂવા ગામમાં અદ્ભુત પારાયણ પ્રસંગ યોજાયો. ખાનકૂવાથી નીકળી આજે ઉમરેઠ જવાનું હતું. નિત્યકર્મથી પરવારી, ભાઈલાલભાઈના જૂના ઘરમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી હરિમંદિર નિર્મિત કર્યું અને લગભગ ૯-૦૦ વાગે યોગીજી મહારાજ મોટરમાં નીકળ્યા.
ચોમાસું સારું એવું જામ્યું હતું. ખૂબ વરસાદને લીધે કાદવકીચડ સડકો ઉપર જામી ગયો હતો. બે ખેતર વચ્ચે સાંકડા રસ્તામાં અમે જઈ રહ્યા હતા. હજુ તો ખાનકૂવા ગામની સીમ છોડી થોડા આગળ ગયા ત્યાં રેલવે લાઈન આગળ નાળામાં-ખાબોચિયામાં જ મોટર એકદમ ખૂંપી ગઈ.
થોડીવાર પહેલાં જ યોગીજી મહારાજે કહ્યું હતું કે ઊતરી જઈએ, પણ જરા ભૂલ થઈ જતાં મોટર ફસાઈ. ગામમાંથી નીકળ્યા ત્યારે પણ યોગીજી મહારાજે ટ્રેક્ટર સાથે લેવા કહ્યું હતું તે પણ સૌ વિસરી ગયા જેમ તેમ મોટરમાંથી સૌ ઊતર્યા અને રેલ્વેલાઈનની બાજુમાં ટેકરા ઉપર ઝરમર વરસતા વરસાદમાં યોગીજી મહારાજ બેઠા. યોગીજી મહારાજને માથે છત્રી ધરી રાખી હતી. મોટા સ્વામી પણ મોટરમાંથી ઊતરીને આવ્યા એટલે બાજુના ખેતરમાં ખોરડા નીચે સૌએ આશ્રય લીધો. દરમિયાન થોડી વાતોચીતો થઈ. યોગીજી મહારાજે ટપાલ વંચાવી.
લગભગ ૧૨-૦૦ વાગે મોટર સમી થઈ જતાં ટ્રેક્ટરની મદદથી આગળ મુસાફરી શરૂ થઈ. આફ્રિકાની ટપાલ યોગીજી મહારાજે વંચાવી. રસ્તામાં રમૂજ કરતાં યોગીજી મહારાજ કહે, 'ઉમરેઠમાં સામૈયું વધુ થવાનું હશે, એટલે મોડું થતું લાગે છે.' કારણ તે દિવસે સવારે જ ઉમરેઠથી પત્ર હતો કે ઉમરેઠ મંદિરમાં આવવું નહિ, નહિ તો તોફાન થશે.
આ પત્ર મોટરમાં વંચાવ્યો ત્યારે ભાઈલાલભાઈ કહે, 'બાપા, આ ઉમરેઠના હરિભક્તો, ઉમરેઠ મંદિરના શતવાર્ષિક પાટોત્સવના ફાળા માટે મોમ્બાસા આવ્યા છે. તો કાગળ લખી દઉં કે તેમને મદદ ન કરવી, આપણા હેતવાળા નથી.'
યોગીજી મહારાજ કહે, 'ના, ભલે પૈસા આપવા. આપણે મંદિરમાં ઈષ્ટદેવની સેવા થાય ને !' ભાઈલાલભાઈ આગળ પૂછતાં અટકી ગયા. તેમને સમજાયું કે યોગીજી મહારાજની તો દૃષ્ટિ જ અલૌકિક છે.
આગળ પણ રસ્તો ખરાબ હતો તેથી લગભગ ૩-૦૦ વાગે અમે ઉમરેઠ પહોંચ્યા. જમવાનું ઘણું મોડું થયું. ત્યાર બાદ થોડો આરામ કરી યોગીજી મહારાજ પધરામણીએ પધાર્યા. રાત્રે વૈષ્ણવની હવેલીમાં જાહેરસભા ઘણી જ સુંદર થઈ. હજારો મુમુક્ષુઓના મોક્ષના દ્વાર યોગીજી મહારાજના દર્શનથી ખૂલી ગયાં.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-9:
Not Deviating From One's Dharma
"… So, even in the most difficult circumstances, or even if I were to issue a command, you should not deviate from your dharma…"
[Sãrangpur-9]