પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૧
અમદાવાદ, તા. ૨૭-૬-'૫૯
આજે ગોંડલથી વહેલી સવારે નીકળી, રાજકોટ શેઠ શ્રી નારણભાઈને ત્યાં નાસ્તા-ઉકાળો લઈને, મોટા મંદિરે તથા અદાની દેરીએ દર્શન કરીને નીકળ્યા તે બપોરે ધંધૂકા પહોંચ્યા. મોટર બગડી જવાથી, અહીંથી ટ્રેનમાં બેસી એલિસબ્રિજ સ્ટેશને સૌપ્રથમ શેઠને ઘરે પધાર્યા. તેમણે ચોખ્ખી રસોઈ તૈયાર કરાવી રાખી હતી. યોગીજી મહારાજે જ ઠાકોરજીને થાળ ધરાવ્યો ને પછી શેઠને ઉકાળો કરવા કહ્યું. આથી શેઠને ઘણી જ નવાઈ લાગી. કારણ યોગીજી મહારાજ સવારથી નીકળેલા તે હજુ સુધી ક્યાંય જમ્યા ન હતા. તેમણે વિનંતી કરી, 'બાપા, આ આપને માટે ચોખ્ખું અને સાદું જ બનાવ્યું છે. માટે આપે જમવાનું જ છે.'
'મહારાજની આજ્ઞા નથી, બે વાર પત્તર પલાળાય નહિ... અમે નહિ જમીએ' એમ યોગીજી મહારાજે સામી અરજ કરતા ના પાડી. પછી શેઠના ખૂબ આગ્રહથી જમવા બેઠા. પણ જે કંઈ પત્તરમાં પીરસીએ તે બાજુમાં બેઠેલા સેવક પ્રેમપ્રકાશને આપી દે પણ પોતે કંઈ જ જમે નહિ.
મને પણ ઘણી નવાઈ લાગી કે યોગીજી મહારાજ કેમ જમતા નથી ? સવારે તો માત્ર ઉકાળો જ થોડો લીધો છે અને તે પછી ક્યાંય જમ્યા નથી. અત્યારે આટલું બધું મોડું થયું છે. છતાં પણ જમતા નથી અને કહે છે કે 'બીજી વાર પત્તર ન પલાળાય.'
શેઠના આગ્રહથી યોગીજી મહારાજના પત્તરમાં એક પછી એક બધી વાનગી પીરસી પણ તેમણે તો માત્ર જમવાનો દેખાવ જ કર્યો અને બધું સેવકના પત્તરમાં નાંખી દીધું. છેવટે કઢી-ભાત આપ્યા તે પણ આપી દીધા. વચ્ચે પોતે બોલતા જાય, 'રહેવા દ્યો, મહારાજ ધખશે... રહેવા દ્યો...'
આ વાતનો સંદેહ મારા મનમાં ઘણા સમય સુધી રહ્યો પણ પાછળથી તેનું કારણ સમજાયું કે અમદાવાદમાં શિખરબદ્ધ મંદિર, એટલે અમદાવાદ શહેરમાં દાખલ થયા પછી ઠાકોરજીના દર્શન કર્યા સિવાય યોગીજી મહારાજ કદાપિ ક્યાંય જમે જ નહિ. આજે પણ અમદાવાદમાં આવ્યા છતાં મંદિરે દર્શન કર્યા ન હતા તેથી 'બીજી વાર પત્તર ન પલાળાય...' વગેરે બહાનાં બતાવીને યોગીજી મહારાજ છેવટ સુધી જમ્યા જ નહિ. 'વ્રત-નિયમ'ની ટેક સાચવવાની આ પણ તેમની અલૌકિક રીત હતી, જેમાં કોઈ નારાજ ન થાય ને પોતાનો નિયમ પળાય.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-7:
Where Should One Seek Liberation?
"So, one should seek liberation wherever one sees such a Naimishãranya Kshetra in the form of association with the Sant, and one should remain there with an absolutely resolute mind."
[Sãrangpur-7]