પ્રેરણા પરિમલ
મંદિરના નિર્માણમાં ...
મંદિરના નિર્માણમાં જાણે-અજાણે સહયોગ આપનારને અંતકાળે તેડવા આવવા માટે ભગવાન સ્વામિનારાયણે વચન ઉચ્ચાર્યું હતું. તેમના આ વચનની પ્રતીતિ અનેક ભક્તોએ અનુભવી હતી.
ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા મુજબ ચરોતરના પીજ ગામે પણ આવી જ એક અનુભૂતિ થઈ હતી.
પીજમાં સત્સંગીઓ મંદિર માટે પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ અહીં વસતા જેસાભાઈ પટેલ સ્વામિનારાયણીય સત્સંગના દ્વેષી હતા. આથી ગામમાં મંદિર ન થવા દેવાની તેમની નેમ હતી.
ગામના અગ્રણી સત્સંગી જીજીભાઈ બારોટે જેસા પટેલને કહ્યું : 'આ મંદિર કરવા દો તો બહુ સારું.'
જેસા પટેલે કટાક્ષમાં કહ્યું: 'મંદિર તો આભમાં થાશે.'
નિષ્ઠાની ખુમારીથી બારોટે પ્રત્યુત્તર વાળ્યોઃ 'પટેલ! તો પછી જોજો, મંદિર તો આંહી બે માળનું થાશે ને ઉપલી બારીએ બેસીને હું તમને રામરામ કરીશ.'
આમ કહી જીજીભાઈએ ઘરે જઈ વડોદરા ગોપાળાનંદ સ્વામીને પત્ર લખી વિગત જણાવી. ગોપાળાનંદ સ્વામીએ વડોદરાના હરિભક્ત ગોપાળરાવભાઈને કહ્યું : 'પીજમાં પટેલ મંદિર થાવા દેતા નથી ને ત્યાં તમારું ઉપરીપણું છે. તે માટે તમે પત્ર લખી જેસા પટેલને સમજાવો.'
ગોપાળરાવે જેસા પટેલને પત્ર લખી જણાવ્યું : 'શા સારુ મંદિર થવા દેતા નથી? સ્વામિનારાયણનું મંદિર થાવા દેજો ને અટકાવશો મા.'
ગોપાળરાવનો પત્ર વાંચી જેસા પટેલ મંદિરનિર્માણના કાર્યમાં અડચણરૂપ થતા બંધ થયા. જોતજોતામાં જ પીજમાં ભવ્ય મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થયું.
પછી જ્યારે જેસા પટેલ મંદિર પાસેથી પસાર થાય ત્યારે માથે ઓઢી લે. આખું મંદિર ન જુએ. પટેલને મંદિરનાં દર્શન તો કરવા હતાં પરંતુ તેમને કોઈ જોઈ જાય તેનો ડર હતો. એક દિવસ જ્યારે તેઓ મંદિર પાસેથી પસાર થતા હતા ત્યારે તેમણે આજુ બાજુ જોયું તો કોઈ નહોતું. એટલે તેમણે મંદિર સામું જોયું. તે વખતે જ જીજીભાઈ મંદિરના ઉપલા માળે બારીએ બેઠા હતા. તેમણે કહ્યું: 'બાપા, રામ રામ.'
પટેલ કહે : 'સ્વામિનારાયણ તો ખરા ભાઈ!'
પટેલને હૈયે સ્વામિનારાયણનો ગુણ વસી ગયો. તેમનાં પત્ની કરાળી ગામના સત્સંગી હતાં. તેઓ મંદિરે સંતોને સીધું મોકલે. પત્નીની સેવાઓમાં પટેલે વિરોધ કરવાનું બંધ કર્યું. પટેલનો અંતસમય નજીક આવ્યો. જમદૂત જેસાભાઈને તેડવા આવ્યા. જેસાભાઈ તો ધ્રુજે અને બૂમો પાડે.
તેમના પત્ની કોડબાઈએ કહ્યું: 'તમે સ્વામિનારાયણનાં વર્તમાન ધરાવો, તો જમ અહીંથી ખસી જશે.' કોડબાઈએે તેમને વર્તમાન ધરાવ્યાં અને કંઠી બાંધી. જમ તરત જ ત્યાંથી જતા રહ્યા. બે દિવસ સુધી જેસા પટેલે શ્રીજીમહારાજનું ભજન કર્યું. શ્રીજીમહારાજ પ્રગટ થયા અને કહે : 'ચાલો, પટેલ ધામમાં' એમ કહી શ્રીજીમહારાજ તેમને ધામમાં તેડી ગયા.
Vachanamrut Gems
Loyã-18.11:
Divinity of God in Human Form
"Therefore, although God appears to be like a human, the aforementioned luminosity and bliss all remain in Him…"
[Loyã-18.11]