પ્રેરણા પરિમલ
લઘુતાસે પ્રભુતા મીલે
કહ્યં છે નેઃ
प्रत्यक्षे गुरवः स्तुत्याः परोक्षे मित्रबान्घवाः ।
कर्मान्ते दासभृत्याश्च पुत्रा नैव तथा स्त्रियः ॥
ભક્તોને પ્રત્યક્ષમાં ગુરુની સ્તુતિ કરવા માટે સંકલ્પ થયો અને યોગીજી મહારાજના ૭૫મા જન્મજયંતીને 'અમૃત મહોત્સવ' તરિકે ઉજવવાની પ્રેરણા ઉદ્ભવી. પોતાના જીવનપ્રાણને હૃદયની સ્નેહોર્મિઓ અર્પવા લાખો સત્સંગીઓ ગોંડલમાં ભેળા થયા. મહોત્સવના પ્રાંગણમાં, ભવ્ય પ્રવેશદ્વારની અંદર, વિશાળ સભામંડપના આગ્રભાગમાં કલાપૂર્ણ મયૂરપીઠથી યુક્ત કમલાસન ઉપર પ્રેમ અને ભક્તિના પૂંજ સમા શોભતા યોગીજી મહારાજ બિરાજ્યા હતા.
આજુબાજુ અષ્ટ પ્રકારે સ્ત્રી-ધનના ત્યાગી, વિશુદ્ધ આચરણવાળા સંતોની શિષ્યમંડળી ને બીજા પીઢ રાજદ્વારી પુરુષો તથા સદ્-ગૃહસ્થો વિશાળ સભામંડપ શોભાવતા હતા. અક્ષરધામની દિવ્ય સભા સમું આ દૃશ્ય અનોખી તેજસ્વિતા પાથરતું હતું. લાખો ભક્તો આ અનુપમ ને દુર્લભ દર્શનની છબી વારંવાર હૃદયમાં ધારતા હતા. અનિમિષ દૃષ્ટિએ નિહાળતા સો ચિત્રવત્ બની ગયા હતા. જ્ઞાનમૂર્તિ છતાં હસ્યપૂર્ણ મુખકમળથી શોભતા સ્વામીશ્રી સૌનાયે આકર્ષણનું મધ્યબિંદુ હતા. વર્ષો સુધી એકનિષ્ઠાથી અવિરતપણે સત્સંગની સેવા કરતા આજે પણ એ જ ઉત્સાહ ને શ્રદ્ધા એ સંતની કાયામાં સમાયાં હતાં. ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજને રાજી કરવા, સંતો-હરિભક્તોની સેવા કાજે એમણે દેહને વાટી નાખ્યું. એટલુ બધું કષ્ટ વેઠ્યું.
પણ એક રજ સરખો ભાર એ ચહેરાને સંકોરતો ન હતો. માત્ર નિર્દોષતા નિતરતી હતી. એક ધારું પૂર્ણતાનું હાસ્ય એ મુખ ઉપર વિલસતું હતું. અંગોઅંગમાં શ્રીહરિને ધારતા આ સંતવર્યને એ જાણપણું સુધ્ધાં ન હતું કે, આજે સો એમનાં દર્શને તૃપ્ત થવા આવ્યા છે. ઊલટું પોતે અસંખ્ય ભક્તોના દર્શનથી આનંદ અનુભવતા હતા. મરક મરક હસતા હતા.
વિરાટ સભાના મંચ પરથી સંતો અને મહાનુભાવોના મુખે યોગીજી મહારાજના ગુણાનુગાન થયાં. જયનાદ થયા. અને પ્રથમ સમારંભ પૂરો થયો. હજારો મનુષ્યો ઉપર કરુણાદૃષ્ટિ નાખી સ્વામીશ્રી ઉતારે પધાર્યા.
થોડીવાર થઈ ત્યાં સ્વામીશ્રીના દર્શને ભક્તકવિ કાગ આવ્યા. અંદર આવીને જોયું તો થોડા સંતો-ભક્તોથી વીંટળાયેલા સ્વામીશ્રી જમીન ઉપર બેસીને સેવા કરી રહ્યા હતા. આ દૃશ્ય જોઇ પોતે સ્તબ્ધ બની ગયા. બહાર બહુ જ ગડબડાટ હતો. તેથી સ્વામીશ્રી ઓરડાની અંદર જ બેઠા હતા. અહીં તેમણે તાંદળજાની ભાજી એક ખૂણામાં પડેલી જોઈ. તેથી તુરત પોતે ઊઠ્યા ને નીચે ભોંય ઉપર બેસી ભાજી વીણવા લાગ્યા. આજુબાજુ કેટલાક નાના સંતો ને યુવકો પણ બેઠા હતા તે મદદ કરવા લાગ્યા.
'આજે લાખો ભક્તો જેમની જન્મ-જયંતી ઊજવવા ભેગા થયા છે ત્યારે આ બાપો બેઠો બેઠો તાંદળીયાની ભાજી તોડે છે ! હમણાં લાખો માણસોની સભામાં કેવો બેઠો હતો ? ને અત્યારે ભાજી તોડતો કેવો બેઠો છે ? છે એને કંઈ માનપાન ! બાપો ઈ બાપો ! મેં હિંદુસ્તાનમાં ઘણાં સંતો-મહંતો જોયા, પણ આ બાપાની વાત જુદી.' કાગ બાપુના મોંઢામાંથી આ શબ્દો સરી પડ્યા.
અને સ્વામીશ્રી નિર્દોષ અને નિર્લેપભાવે હસી રહ્યા હતા...
Vachanamrut Gems
Kãriyãni-7:
An Undiminishing Obsession
Shriji Mahãrãj explained, "Upon hearing the words of the scriptures and the satpurush, developing an obsession that does not diminish once developed is the only cause for vairãgya; there is no other cause. Whoever is obsessed in such a manner will develop vairãgya, regardless of whether he is tãmasik, rãjasik or sãttvik…"
[Kãriyãni-7]