પ્રેરણા પરિમલ
કરુણામૃત રસના ભરિયા
ઈશ્વરચરણ સ્વામી
યોગીજી મહારાજ સૌ સંતો-હરિભક્તો સાથે નવસારી પધાર્યા હતા. નવસારીમાં આ પ્રથમ વાર જ સ્વામીશ્રીની પધરામણી હતી. સૌ હરિભક્તોને ભાવ પણ ખૂબ જ હતો. રાત્રે અહીં પહોંચ્યા પછી સ્વામીશ્રીનું તથા સંતોનું સૌ હરિભક્તોએ ભાવભીનું સામૈયું કર્યું. ઉતારે આવી સ્વામીશ્રી નિયમચેષ્ટા કરી પોઢી ગયા.
બીજે દિવસે સવારે સ્વામીશ્રી પ્રાતઃપૂજા કરતા હતા. હજુ શરૂઆત જ કરી હતી. અમે સૌ સંતો બાજુમાં બેઠા હતા ને કીર્તનો ગાતા હતા.
એટલામાં સ્વામીશ્રીએ પોતાના એક સંત સેવકને પાસે બોલાવ્યા ને ધીરેથી કહે, 'આજે સ્વપ્નમાં મેં ઘઉંનો લોટ જોયો. તો અંદર થોડી જીવાત હતી પછી મેં સાફ કરીને લોટ ઉપર થાળી ફેરવીને...' (લોટ ઉપર થાળી ફેરવવાથી અંદર જે જીવાત રહી ગઈ હોય તે ઉપર આવે છે.)
'તમે લોટ જુઓ છો કે નહિ ?' સ્વામીશ્રીએ પૂછ્યું, 'આપણે ઠાકોરજીનો થાળ કરવાનો એટલે લોટ વગેરે જોઈને જ વાપરવું. સાફ કરી ઉપર થાળી ફેરવવી ને પછી જ રસોઈ કરવી.' સ્વામીશ્રીએ ખૂબ જ હેતથી શિખામણનાં વચનો કહ્યાં.
પોતાની સેવામાં રસોઈ કરતા સેવકોને સ્વામીશ્રી હમેશાં પવિત્રતા અને સ્વચ્છતાની ચોકસાઈ રાખવાનું કહેતા. દૂધ, ઘી, તેલ, પાણી વગેરે ગાળીને તેમજ અનાજ, લોટ વગેરે વીણી કરીને, ચાળીને, સાફસૂફ કરીને જ વાપરવા, ને ઠાકોરજીનો થાળ કરવો, તે મહારાજની આજ્ઞા પ્રમાણે ક્રિયા કરવા સ્વામીશ્રી હમેશાં હેતથી ટકોર કરતા. જો કે સેવકો તે પ્રમાણે અણિશુદ્ધ વર્તતા જ. પણ કોઈવાર ઉતાવળથી કંઈ ગાફલાઈ રહી ગઈ હોય તો તે સ્વામીશ્રીની નજર બહાર ન જતી. તે તેઓ અંતર્યામિપણે જાણીને પણ સૂચન કરતા.
પણ સ્વામીશ્રીની કહેવાની રીત અનોખી જ હોય. આપણને જરાપણ ખોટું ન લાગે, આપણી ભૂલ કબૂલ થાય, તે બદલ આપણને દુઃખ થાય, ને પશ્ચાતાપરૂપે આપણે તેવી ભૂલ ફરી કદી પણ ન કરી બેસીએ તે માટે સાવધાન રહીએ-ખબરદાર રહીએ. છતાં આપણા હૃદયમાં દુઃખનો ભાર ન રહે ને આપણે હળવા થઈ જઈએ. એટલું બળ સ્વામીશ્રીના ધીર-ગંભીર પણ મમતાપૂર્વકના આદેશમાં આપણને મળી જાય. કદાચ કોઈ આપણને વઢીને કહે તો આપણને કહેનાર પ્રત્યે રોષ થાય ને આપણી ભૂલ પણ આપણે માન્ય ન કરીએ, એથી ઊલટું સ્વામીશ્રીનાં લાગણીભર્યાં વચનો એવાં તો આપણા અંતરમાં કોરાઇ જાય કે કોઈ નાની ભૂલ પણ ફરી આપણે કરવા ન પામીએ. પેલો મીઠો ઠપકો અને એ વાત્સલ્યમૂર્તિ સાંભરી જ આવે.
ગમે તેટલી ભાંગદોડ કે નુકસાની આપણે હાથે થઈ ગઈ હોય છતાં સ્વામીશ્રીના મુખમાંથી એક પણ ભારે શબ્દ ન નીકળે. એ તો એટલા જ હેતથી-મીઠા શબ્દોથી વાતને વાળી લે કે આપણે ખેદમુક્ત બનીને સાવધાન રહી શકીએ. ક્યારેક ઘી જેવી કીમતી વસ્તુ જો આપણાથી ઢોળાઈ હોય તો પણ સ્વામીશ્રી કહેશે, 'લ્યો, શુકન થયા !' દેખીતી રીતે તો નુકશાન થયું જ છે. છતાં એમ કહેવાનો હેતુ એટલો જ કે ફરીથી એવું થાંથાં થાબડાપણું આપણે ન રાખીએ ને આપણા કાર્યમાં-સેવામાં હોંશિયાર રહેતા શીખીએ, એ જ શુકન !
તે પછી સ્વામીશ્રીએ પોતાની પૂજામાંથી એક નાનકડો વસ્ત્રનો ટુકડો કાઢ્યો ને તેમાંથી એક કકડો ફાડી એ સંતને આપતાં કહે, 'મેં તમને નો'તું કહ્યું કે મારે તમને પ્રસાદી આપવી છે, તે આ પ્રસાદીનું શ્રીજીમહારાજનું વસ્ત્ર છે, તે સાચવજો. બહુ મૂલ્યવાળું છે.' આવા માવતર ક્યાંથી જડે ! આપણી ભૂલ થાય એ એમની નજરમાં આવતી નથી, એમને તો શ્રીજીમહારાજની મૂર્તિ જ આપવી છે. કેમ કરીને આપણને એમનામાં અતિશય હેત થાય, દિવ્યભાવ થાય, એવી જ એમની સર્વ ચેષ્ટા છે. પછી થોડું થોડું કપડું મને તથા યોગેશ્વર સ્વામીને આપ્યું. થોડું થોડું દેવચરણ સ્વામી તથા પ્રગટ ભગતને આપ્યું. પછી પોતે ધીમેથી અમને કહે, 'કોઈને બતાવતાં નહિ, માલ ખલાસ થઈ ગયો છે !' ત્યાં બાજુના ઓરડામાં મહંત સ્વામી તથા સિદ્ધેશ્વર સ્વામી પૂજા કરતા હતા. તેઓ આ શાંત કોલાહલ સાંભળી આવી પહોંચ્યા તેમને પણ થોડું થોડું કપડું આપ્યું. સૌને રાજી કર્યા !
Vachanamrut Gems
Kãriyãni-7:
The Definition of Ultimate Liberation
"… That God remains as He is during the time of creation, sustenance and dissolution of the cosmos; i.e., He does not undergo any changes like worldly objects do. He always maintains a divine form. Having such a firm conviction of the manifest form of Purushottam is called ultimate liberation."
[Kãriyãni-7]