પ્રેરણા પરિમલ
અબધુત પીવત પ્રેમ પિયાલા- ૧
ઈશ્વરચરણ સ્વામી
એક દિવસે સવારે યોગીજી મહારાજ અને અમે સંતો-હરિભક્તો લુસાકા શહેરમાં હતા. અહીં શ્રી દોલતભાઈને ત્યાં ઊતર્યા હતા. અહીં મુલાકાત પૂરી થઈ હતી, તેથી પાછા ફરવાનું હતું. એજ દિવસે સાંજે સોલ્સબરી પહોંચી જવું એવો કાર્યક્રમ ઘડાયો. કારણ કે બીજે દિવસે રામનવમી હરિ જંયતીનો મહોત્સવ સોલ્સબરીમાં ઊજવવો એવું અગાઉથી નક્કી થયું હતું. લગભગ ૪૦૦ માઈલની મુસાફરી હશે. એટલે વહેલા નીકળવાનું થયું. સાધારણ રીતે મુસાફરી કરવાની હોય ત્યારે સ્વામીશ્રી ખાસ કશું જમતા નહિ. રસોઈ તો બધી જ બનાવી હતી. પરંતુ સ્વામીશ્રીએ માત્ર થોડાં ખીચડી-કઢી અંગીકાર કર્યાં. લુસાકા સત્સંગ મંડળને આશીર્વાદ આપી મોટર રસ્તે શહેર છોડ્યું.
પોતાની બધી જ ક્રિયામાં ચંચળ ને તત્પર સ્વામીશ્રી મોટરની મુસાફરીમાં અતિ વેગને પસંદ ન કરતા, તેથી જ તો અદ્યતન મહાકાય મોટરમાં બેઠા હોવા છતાં, ધોરીમાર્ગ ઉપર પણ અમે મધ્યમ ગતિએ જઈ રહ્યા હતા. દરમિયાન મોટરમાં પણ સ્વામીશ્રી કોઈને નવરા બેસી રહેવા ન દેતા. કથા-કીર્તનનો પ્રવાહ ચાલુ જ રખાવતા.
બરાબર મધ્યાહ્નનો સમય થયો હશે. અને અમે ચીરન્ડુ બ્રીજ ઉપર આવી પહોંચ્યા. આ પુલ ઉત્તર અને દક્ષિણ રોડેશિયાને જોડે છે. પુલ નીચે ઝામ્બેઝી નદી ખૂબ જ વેગમાં પડતી-આખડતી આગળ વધી રહી છે. પ્રકૃતિની રમણીયતાનું અહીં એક અદ્ભુત દર્શન થાય છે. હજુ તો અમે પુલ ઉપરથી પસાર થતા હતા ને સ્વામીશ્રીએ પોતાનો વિચાર દર્શાવ્યો કે આપણ્ણ નદીકિનારે જવું છે. જો કે અમારે પાછળની ગાડીઓની રાહ જોવાની જ હતી. તેથી તુરત ગીરીશભાઈએ મોટરની દિશા મરોડી. નદી તરફ ઊતરવાનો એક પહોળો, કેડી જેવો રસ્તો હતો. પણ આગળ જતાં એ રસ્તો ખાડા-ટેકરાવાળો બનતો હતો. એટલે એ મુંગુ યંત્ર હઠ પકડીને ત્યાં જ ઊભું રહ્યું.
નદી સુધી પહોંચતા સ્વામીશ્રીને તકલીફ પડશે, એવું વિચારતા બીજી મોટરો આવતાં સુધીમાં ત્યાં જ ઊભા રહેવાનું સૌએ પસંદ કર્યું. થોડીવાર થઈ હશે. ફરીથી સ્વામીશ્રીએ નદી સુધી જવા માટે આગ્રહ બતાવ્યો. સૌ તૈયાર થયા. ધીરે ધીરે નદી કાંઠે આવી પહોંચ્યા. એક સુંદર જગ્યા-બેસી શકાય એવી શોધી સ્વામીશ્રીને બેસાર્યા. અહીં પહોંચતાં જ નદીના જળથી ઠાકોરજીને સ્નાન કરાવવાની સ્વામીશ્રીએ આજ્ઞા કરી અને ત્યારે જ સૌને ભાન થયું કે સ્વામીશ્રી નદી કાંઠે આવવા આટલા માટે જ ઉત્સુક હતા. કારણ કે ઠાકોરજીના સ્નાન-તીર્થથી પવિત્ર બનેલું એ જળ આફ્રિકાના એ અંધાર ખંડમાં ક્યાં ક્યાં પહોંચીને જીવસૃષ્ટિને પાવન કરશે, એની તો અમારે કલ્પના જ કરવાની હતી !
પ્રમુખસ્વામી મહારાજ તથા પૂજ્ય વિનુ ભગતે હરિકૃષ્ણ મહારાજની નાનકડી મૂર્તિને સ્નાન કરાવ્યું. સ્વામીશ્રીએ ઠાકોરજીને લીલા મેવાનો થાળ ધર્યો. પછી અમને સૌને પ્રસાદ આપી મધ્યાહનના એ સખત તાપમાં દેહથી અને મનથી સુખિયા કર્યા. છતાં પોતે કંઈજ ગ્રહણ કર્યું નહિ. મુસાફરીમાં પોતે કંઈ જ ગ્રહણ કર્યું નહિ. મુસાફરીમાં પોતે કંઈ લેતા પણ નહિ. પછી ટપાલ વંચાવી. એટલીવારમાં બાકીની મોટરો આવી પહોંચતાં અમે રસ્તા પર આવ્યા અને સૌની સાથે આગળ વધ્યા.
આગળ જતાં ધોરીમાર્ગથી અંદરના ભાગમાં 'કરિઆ ડેમ' આવે છે. સૌની ઈચ્છા ત્યાં જવાની હતી. સ્વામીશ્રીને તેમાં કોઈ પ્રકારે રસ ન હતો છતાં અમને રાજી રાખવા, ત્યાં જવા અનુમતિ આપી. અમારો રસ્તો બદલાયો. નમતો પહોર થઈ ચૂક્યો હતો. રસ્તો ખરાબ હતો. છતાં જવાનો ઉમંગ હતો તેથી પચાસ માઈલનો રસ્તો કાપી, નિયત સ્થળે જઈ પહોંચ્યા અહીં ડેમ સુધી પહોંચવા કેટલીક પ્રાથમિક પરવાનગીઓના અભાવે અમારું રોકાણ લંબાયું. ઠેઠ મોડી સાંજે અમે ડેમ ઉપર પહોંચ્યા. હમેશાં ભગવાન સંબંધી જ ક્રિયા કરતા સ્વામીશ્રીએ ડેમની પાછળ તૈયાર થયેલ માનવ સર્જિત વિશ્વના સૌથી વિશાળ મહાસરોવરમાં ઠાકોરજીનાં પ્રસાદીનાં પુષ્પો, સૌનું કલ્યાણ થાય એવી ભાવનાથી નાંખ્યાં. આશ્ચર્યની વાત તો એ બની કે આ જ જગ્યાએ સરોવર બનાવતાં પહેલાં, વરસાદનું પાણી એકઠું થતાં, લાખોની સંખ્યામાં જંગલનાં ભયાનક પણ લાચાર પ્રાણીઓ તણાઈને મૃત્યુ પામ્યાં હતાં તે આજે સદ્ગતિ પામ્યાં. મહાપુરુષોની ગતિ અકળ હોય છે. પાછા ફરતાં મોડું ઘણું જ થયું. વળી, સો માઈલની મુસાફરી વધી તેથી સોલ્સબરી સમયસર પહોંચવું અશક્ય હતું. રાત્રે જો મોડા પહોંચીએ ને જમવાનો પ્રબંધ ન થાય તો બીજે દિવસે હરિજયંતીના નિર્જળા ઉપવાસમાં સ્વામીશ્રીને કેટલી તકલીફ પડશે એ વિચાર જ કરવો અશક્ય બન્યો. તેથી ઠાકોરજીને થોડો લીલો મેવો ધરાવી, સ્વામીશ્રીને આપ્યો પણ સ્વામીશ્રીએ તો તે લેવાની પણ ના પાડી. બધાંએ આગ્રહ કરી જોયો. પણ અફળ ! ઊલટાનું સ્વામીશ્રીએ આગ્રહ કરીને અમને તે બધો જ પ્રસાદ ખવડાવી દીધો અને એમાં જ પોતે તૃપ્તિ અનુભવી. રસ્તામાં ગોડી-આરતી વગેરે નિયમો કર્યા.
રાતના ૧૧.૩૦ વાગે અમે સોલ્સબરી નજીક આવી પહોંચ્યા. શહેરના રસ્તાઓથી અમે બધાં જ અજાણ્યા હતા. તેથી મોડી રાત્રે નાછૂટકે કેટલીક પ્રદક્ષિણાઓ ગામ ફરતી દેવી પડી. અમે ઉતારે પહોંચ્યા ત્યારે રાતના ૧૨ ઉપર ૧૫ મિનિટ થઈ ચૂકી હતી. સ્વામીશ્રીએ સ્નાન કર્યું. થોડોક ઉકાળો ગ્રહણ કરવા સૌએ સ્વામીશ્રીને ઘણી વિનંતી કરી પણ સ્વામીશ્રીએ એક જ વાત મૂકી કે બાર વાગી ગયા છે, બીજો દિવસ શરૂ થઈ ગયો ગણાય, તેથી અમારે કંઈ લેવાય જ નહિ. સૌ આથી નિરુપાય બન્યા. આખા દિવસની મુસાફરીથી સ્વામીશ્રી ઘણા જ શ્રમિત જણાતા હતા. તેથી તુરત પોઢી ગયા.
Vachanamrut Gems
Kãriyãni-7:
Characteristics of a Person Who Has Realised God
"One who has attained God-realisation through such a conviction experiences the following: Wherever he casts his eyes - among all the mobile and immobile forms - he sees the form of God as if it is before his eyes, the same form that constantly remains in Akshardhãm even after the dissolution of the body, the brahmãnd and Prakruti-Purush. Other than that form, he does not perceive even an atom. These are the characteristics of one who has attained God-realisation."
[Kãriyãni-7]