પ્રેરણા પરિમલ
જૂનાગઢમાં મંદિરનિર્માણનું કામ ...
જૂનાગઢમાં મંદિરનિર્માણનું કામ ચાલતું હતું. ભગવાન સ્વામિનારાયણ તેનું નિરીક્ષણ કરી રહ્યા હતા. બ્રહ્માનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું : ''આપની કૃપાથી નવાબ સરકારે પથ્થર ઉપર અને મંદિર માટે જોઈતી બીજી વસ્તુઓ ઘી, તેલ, ગોળ, સાગનાં લાકડાં વગેરે ઉપર દાણ માફ કર્યું છે. નવાબ સાહેબ બહુ જ રાજી છે, પરંતુ નાગર અમલદારોનો દ્વેષ વધતો જાય છે. આપણું ત્રણ શિખરનું આભને આંબે એવું મંદિર થતું જોઈ તેઓ મનમાં બહુ અકળાયા છે. પોતાનું ચાલે તો મંદિર તોડી પણ નાંખે.''
મહારાજ આ સાંભળી હસ્યા. મહારાજે કહ્યું : ''ધાર્યું તો એક ભગવાનનું જ થાય છે. મનુષ્ય મનસૂબા કરે તે મુજબ જો થતું હોય તો જગતનું સંચાલન બરાબર ન થાય. માટે તમો ચિંતા કરશો નહીં.''
બીજે દિવસે નવાબ સરકારે મહારાજને પોતાના દરબારમાં પધારવા આમંત્રણ મોકલ્યું. સાંજે સંતો-હરિભક્તો સાથે શ્રીહરિ નવાબના રાજમહેલમાં પધાર્યા. નવાબે મહારાજનો સત્કાર કર્યો. બ્રાહ્મણ પાસે મહારાજની પૂજા કરાવી. પછી મહારાજનાં ચરણ પાસે કુર્નિશ કરી નવાબ બેઠા અને મહારાજને પ્રાર્થના કરતાં કહ્યું : ''આપ તો સાક્ષાત્ ખુદા છો, તો અમારા ઉપર રહેમ નજર રાખજો. આપનાં દીદાર આજે થયાં એટલે મને બહુ જ શાંતિ થઈ છે.''
તે વખતે નવાબના ખાનગી કારભારીએ મહારાજને કહ્યું : ''મહારાજ! નવાબસાહેબને કુંવર નથી એ ખોટ છે.''
મહારાજે તરત જ આશીર્વાદ આપતાં કહ્યું: ''નવાબસાહેબને ત્રણ કુંવર થશે. તેમાંથી બે કુંવર રાજગાદી ભોગવશે અને મંદિરની સેવા પણ કરશે.''…
ત્યાર બાદ મંદિર માટે જ્યારે જમીનનો લેખ કર્યો, ત્યારે તે ઉપર રાજ્યની મહોરછાપ મરાવવા માટે શ્રીહરિ સ્વયં નવાબસાહેબની કચેરીમાં ગયા હતા. ત્યારે નવાબસાહેબે મહારાજને કહ્યું હતું : ''આપ જો અહીં જૂનાગઢ કાયમ રહો તો મહોરછાપ મારી આપું.'' શ્રીહરિએ તેમ વચન આપ્યું હતું.
એ જમીન પર મંદિરની પ્રતિષ્ઠા કર્યા બાદ શ્રીહરિ નીકળવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે નવાબ શ્રીહરિનાં દર્શન કરવા આવી ગયા. તેમણે પૂછ્યું: ''મહારાજ! આપે તો મને વચન આપ્યું હતું કે આપ અહીં કાયમ રહેશો અને આપ તો નીકળવાની તૈયારી કરી રહ્યા છો!''
મહારાજ આ સાંભળી હસ્યા. જવાબ આપતાં તેમણે નવાબસાહેબને પૂછ્યું: ''અમે રહીએ કે અમારા જેવા ફકીરને રાખીએ?''
એટલે નવાબસાહેબે કહ્યું : ''મહારાજ! આપ જૈસા તો આપ હી હૈ, લેકિન આપ જૈસા દૂસરા કોઈ ફકીર હો તો ઉનકો જરૂર રખીએ.''
મહારાજે કહ્યું: ''આ ગુણાતીતાનંદ સ્વામી અમારા જેવા જ છે. એટલે એમને અમે અહીં રાખીને જઈએ છીએ.''
નવાબ શ્રીહરિ અને ગુણાતીતાનંદ સ્વામીનાં ચરણોમાં નમી પડ્યા.
… મહારાજના આશીર્વાદથી નવાબસાહેબને ત્રણ કુંવર થયા. તેમાં પ્રથમ નવાબ હામદખાન બીજાએ સને ૧૮૪૦થી ૧૮૫૧ સુધી રાજ્ય કર્યું. ત્યાર બાદ નવાબ સર મહોબ્બતખાને સને ૧૮૫૧થી ૧૮૬૨ સુધી રાજ્ય કર્યું. ત્રીજા શેરખાન ફટાયા કુંવર તરીકે હતા. પહેલા કુંવરને તથા શેરખાનને પ્રજા થઈ ન હતી. મહોબ્બતખાનને ત્રણ કુંવર થયા હતા. સર બહાદુરખાન, સર રસૂલખાન અને એદલખાન.
Vachanamrut Gems
Loyã-13.4:
Stability by Remaining at the Holy Feet of God
"… Therefore, God alone is not overcome by those influences. While all others, however great they may be, if they are not engrossed in the holy feet of God, would be overcome; those who do remain engrossed are not overcome. This is a universal principle that I have firmly established within Myself."
[Loyã-13.4]