પ્રેરણા પરિમલ
સહન કરી લેવું...
તા. ૭-૪-૨૦૦૫, સારંગપુર
સ્વામીશ્રી ગોલ્ફકાર્ટમાં વિરાજીને દર્શને જઈ રહ્યા હતા. સ્મૃતિમંદિરે આવતી વખતે વિનયે 'નાને સે હો નાના રહીએ...' એ સાખીનું ગાન કર્યું હતું. સ્વામીશ્રીએ એને પૂછ્યું હતું કે 'એનો અરથ શું ?'
ત્યારે એણે જવાબ આપ્યો હતો કે 'નમતા રહેવું. સેવક થઈને ભક્તિ કરવી.' દર્શન બાદ પુનઃ ઉતારે જઈ રહેલા વિનયે આ અનુસંધાન પુનઃ સાધ્યું. સ્વામીશ્રીને કહે : 'આપે નાના રહેવાની વાત તો કરી, પરંતુ ઘણી વખત નાના થઈએ તો માર બહુ પડે છે.'
સ્વામીશ્રીએ કહ્યું : 'સોનાને ટીપે ત્યારે એનો ઘાટ ઘડાય છે. લોખંડને પણ ઘાટ ઘડવા માટે ટીપવું પડે છે અને તો જ એની કિંમત છે. શાસ્ત્રીજી મહારાજે અને યોગીજી મહારાજે પણ કેટલું સહન કર્યું છે !'
'બાપા ! મને પણ માર ખવડાવજો.' વિનયે વિનંતી કરી.
સ્વામીશ્રી કહે : 'ભગવાનની ઇચ્છાથી જે થાય એ સહન કરી લેવું, બાકી જો ભગવાન અને સંત માર ખવડાવે તો વળી પાછું મનમાં દુઃખ થાય.' સ્વામીશ્રીએ માર ખાવાની વિશિષ્ટ વ્યાખ્યા કરીને મનને મરોડવું એ સાધનાનો પાઠ સાધકને શિખવાડ્યો.