પ્રેરણા પરિમલ
કરુણાવર્ષા
તા. ૩-૪-૨૦૦૫, સારંગપુર
સંતો એક બાળક માટે પુષ્પ લેવા માટે આવ્યા હતા. તેઓએ સ્વામીશ્રીને વાત કરતાં કહ્યું : 'જૂનાગઢથી એક બાળકને લઈને એના પિતાશ્રી આપના આશીર્વાદ લેવા માટે આવ્યા છે. એના શરીરમાં હોઝકીન્સ નામનું કેન્સર છે. એને કારણે આખા શરીરમાં ત્રણ થી ચાર હજાર જેટલી નાનીમોટી ગાંઠો ફૂટી નીકળી છે. એટલે રૂમમાં આવવાની ના પાડી છે. આપ એને આશીર્વાદ આપો અને પ્રસાદીનાં પુષ્પ આપો.' બાળકની આવી અત્યંત દયનીય દશા જોઈને સ્વામીશ્રી પણ દ્રવી ઊઠ્યા હતા.
સ્વામીશ્રી કહે : 'પુષ્પ શું કામ ? એને અહીં લઈ આવો ને!'
તેના રોગને લઈને સંતો અચકાતા હતા.
સ્વામીશ્રી કહે : 'તો, રૂમની બહાર લઈ આવો. આપણે એના ઉપર પ્રસાદીનું જળ છાંટીએ જેથી બીચારાનું કલ્યાણ થાય.' સ્વામીશ્રીની આ કલ્યાણ ભાવના હતી. થોડીવારમાં જ એ બાળકને રૂમની બહાર બગીચા તરફની ઓસરીમાં લાવવામાં આવ્યો. ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો. સ્વામીશ્રી બહાર પધાર્યા. લૂ સારી એવી વરસી રહી હતી. જૂનાગઢના અલૌકિક માધવભાઈ ભટ્ટ નામના આ બાળકની નજીક જઈને સ્વામીશ્રીએ વર્તમાન ધરાવીને 'કાળ માયા પાપકર્મ...' એ વર્તમાનમંત્ર બોલાવ્યો અને પૂજાનું પ્રસાદીનું જળ એના માથા ઉપર અને આખા શરીરે છાંટીને મહારાજની પ્રાર્થના કરી અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલાવી. આંખો મીંચીને ઊભા રહીને ઘડીભર સ્વામીશ્રીએ એના કલ્યાણની પ્રાર્થના કરી અને પુષ્પનો અભિષેક પણ કર્યો. તેઓના પિતાશ્રીને સ્વામીશ્રીએ કહ્યું : 'કેન્સર આવું થયું છે, પણ ભગવાન દયા કરશે. એમની ઇચ્છા હશે એમ થશે, પણ હવે વધારે દુઃખી ન થાય એવી પ્રાર્થના છે.' અલૌકિકને સ્વામીશ્રીએ કહ્યું : 'તું ભગવાનને યાદ કરતો રહેજે. દુઃખ ન પડે એવા આશીર્વાદ છે.'
પીડિત બાળક ઉપર સ્વામીશ્રીની આ કરુણાવર્ષા સૌનાં હૈયાંને સ્પર્શી ગઈ.
Vachanamrut Gems
Loyã-17:
Who will Definitely Fall from Satsang
"… In the same manner, he who identifies his self with the body will definitely bear contempt for the sãdhu and will eventually fall from Satsang…"
[Loyã-17]