પ્રેરણા પરિમલ
ડ્રગ્સમાં ફસાયેલા યુવાનને સત્સંગ તરફ વાળયો
અમદાવાદનો એક ૨૫ વર્ષનો યુવાન ૧૯૮૭માં પ્રમુખસ્વામી મહારાજને મુંબઈ મળ્યો, ત્યારે હેરોઈનથી માંડીને જાતજાતનાં કેફી દ્રવ્યો(ડ્રગ્સ)ની ચુંગાલમાં ફસાયેલો હતો. સ્વામીશ્રીએ એને આ વળગણમાંથી છોડાવવા બે વરસ સુધી સતત પ્રયત્ન કર્યા. બે વરસ પછી સ્વામીશ્રી પાસે સારંગપુર આવ્યો, ત્યારે માલૂમ પડ્યું કે હેરોઈન, ડ્રગ્સનું વ્યસન છૂટ્યું, પણ અફીણનું વ્યસન ચાલુ થયું છે. સાથે મેન્ડ્રેક્સની ગોળીઓ પણ લેવાની શરૂ કરી છે. ૧૯૮૯માં પણ અડધો કલાક બેસારી સ્વામીશ્રીએ તેને વાતો કરેલી, છતાં લપસ્યો. ત્યારબાદ ૧૯૯૦માં સારંગપુરમાં સ્વામીશ્રીને એ મળ્યો, ત્યારે સ્વામીશ્રીએ તેને મંદિરમાં જ રોકી રાખ્યો. સાથેનું અફીણ નખાવી દીધું.
પ્રથમ ચાર દિવસ તો એની હાલત જોઈને ભલભલાને દયા આવે... ખાવાનું ખાય નહિ, રાત્રે પગ પછાડે... હવાતિયાં મારે... તરફડે... ઊંઘે તો શાનો જ ? ચાર દિવસ સુધી સ્વામીશ્રીએ પણ મક્કમપણે રહી ખૂબ બળ આપ્યું. એનું મન મક્કમ થઈ ગયું. સ્વામીશ્રીના આશીર્વાદથી તેને ખાવાનું ભાવવા લાગ્યું. ઊંઘ આવવા લાગી. હજી છાની છપની બીડી પીવાતી હતી. તે તેણે સ્વામીશ્રી પાસે કબૂલ્યું, 'ત્રણ પીઉં છું... હવે બે પીશ...' સ્વામીશ્રી કહે, 'હવે બેનીય શું જરૂર છે ? એ પાપ કાઢ. હવે બહુ તલપ લાગે તો કોઠારમાંથી લવિંગ લઈ જજે...'
એમ કહેતાં શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ પાસે લઈ ગયા અને કહે, ''અહીં પગે લાગ. પ્રાર્થના કર... આજથી બીડી બંધ... લે આ ગુલાબ, બીડી પીવાનું મન થાય, ત્યારે આ ગુલાબની પાંખડી ખાજે.'
અને ખરેખર ! આજથી એ બધાં જ પ્રકારનાં વ્યસનમાંથી મુક્ત બની ગયો ! એક સામાન્ય યુવક સન્માર્ગે વળે એ માટે સ્વામીશ્રીએ સતત ત્રણ વરસ સંભાળ લીધી.
Vachanamrut Gems
Gadhadã II-49:
Never Becoming Satiated with Spiritual Discourses
“… My mind never becomes satiated with spiritual discourses, devotional songs, talks related to God or meditation of God. All of you should also do the same.”
[Gadhadã II-49]