પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૯
ગોંડલ, તા. ૧૩-૧૧-૧૯૬૯
ચંદ્રકાંતભાઈ ત્રિવેદી દિલ્હી ખાતે દેના બૅંકના ઉપરી હતા. આજે એમનો પત્ર હતો, 'મંદિર માટે જમીન મળી જવામાં છે.' એ સાંભળી યોગીજી મહારાજ બહુ રાજી થયા. સાથે મંદિરનો પ્લાન હતો ને તાત્કાલિક મંદિર કરવા માટેની બધી વાત લખેલી. જમતાં જમતાં સ્વામીશ્રી કહે, 'નિર્ગુણ સ્વામી હોત તો બહુ રાજી થાત. એમને મંદિર કરવાનો બહુ ઉત્સાહ. આપણે માંદા પડી ગયા, નહિ તો આખા દેશમાં ડંકો મારી દઈએ...
(તા. ૧૭-૧૧-'૬૯) આજે પણ જમતાં જમતાં દિલ્હીની વાત કાઢી, 'શિખરબંધ મંદિર થાય તો સારું... જમનાજીને સેવા જોઈતી હશે તો થશે... (દિલ્હી) ચોરાશી બંદરનો વાવટો કહેવાય, મંદિર થાય તો બહુ શોભે.'
(તા. ૨૦-૧૧-'૬૯) આજે ઉકાળો પીતાં પીતાં દિલ્હીની વાત કરી, 'દિલ્હીમાં મંદિર કરવું જ છે. શાસ્ત્રીજી મહારાજ પધરાવવા છે. આપણી તો ઇચ્છા છે જ પછી બધાંની મરજી...'
'બાપા ! આપ ઇચ્છા કરો તો થાય aજ.' મેં કહ્યું.
'આપણે તો કાંઈ નહિ, પણ દોલતરામભાઈ કહી ગયા છે એટલે...' સ્વામીશ્રી બીજાની સાખે બોલ્યા. (નડિયાદના પીઢ સત્સંગી અને સાક્ષર દોલતરામભાઈ કૃપાશંકરને જ્યારે સમજાયું કે અક્ષરપુરુષોત્તમ ઉપાસના શાસ્ત્રોક્ત અને શ્રીજીમહારાજના સિદ્ધાંત પ્રમાણે છે, ત્યારે તેઓ બોલેલા કે ભવિષ્યમાં લોકો શાસ્ત્રીજી મહારાજની સોનાની મૂર્તિ પધરાવી, આરતી ઉતારશે.)
(તા. ૨૩-૧૧-'૬૯) આજે પૂનમ હતી એટલે ખાસ પધાર્યા હતા. ઘનશ્યામ મહારાજ આગળ દર્શન કરી રહ્યા હતા. પાછા વળતાં કહે, 'દર્શન કરવા દ્યો ને, ભાઈસાબ. હમણાં હવે નહિ આવવા મળે.'
'ઘનશ્યામ મહારાજ કાંઈ કહે છે ?' મેં પૂછ્યું.
'દિલ્હીમાં ઝટ મંદિર કરો ને શાસ્ત્રીજી મહારાજને બેસાડી દેવા છે...' સ્વામીશ્રીમાં રહી ઘનશ્યામ મહારાજ સાક્ષાત્ બોલ્યા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-45:
As You are Devotees...
“Furthermore, as you are devotees of God, I do not wish to leave any form of improper swabhãvs within your hearts…”
[Gadhadã II-45]