પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૧૮૭
નવું વર્ષ, ગોંડલ, તા. ૧૦-૧૧-૧૯૬૯
બેસતા વર્ષના આજના શુભ દિને, અન્નકૂટાદિ ઉત્સવમાં ભાગ લેવાનો, સૌને મળવાનો યોગીજી મહારાજને ખૂબ જ ઉત્સાહ, પણ તબિયતને કારણે અને ડૉક્ટરોના નિયમનને લીધે બહુ બહાર નીકળી શક્યા નહિ, પણ પથારીમાં સૂતાં સૂતાં તો બધી સૂચના આપે જ અને નાનામોટા હરિભક્તોની ખૂબ સંભાવના કરાવે.
વહેલી સવારે દેરીમાં પધારેલા અને શણગાર આરતીમાં પણ પધારી સૌને આશીર્વાદ આપેલા. પછી અન્નકૂટની આરતી ઉતારવા પણ પધારેલા. સાંજે ચાર વાગે સભામાં પોતે માઇક માગીને વાત કરી :
'પહેલાં બધા હરિભક્તોને મળતા, વાતો કરતા, આશીર્વાદ આપતા. એક સાથે સમૈયામાં હજારો હરિભક્તો આવે, પણ બધાને મળીએ. કોઈને ન મળ્યા હોય એવું નહિ, પણ હવે પ્રકરણ બદલાયું છે. ડૉક્ટરે બોલવાની ના પાડી છે, ઓછું બોલવું. જે વખતે જે પ્રકરણ હોય એમ કરવું પડે. દેશ એવો વેશ. તો હવે દર્શનથી આશીર્વાદ માની લેવાના. બધાને મળાય નહિ તો કોઈએ એમ ન રાખવું કે સ્વામી મળ્યા નહિ, સામું જોયું નહિ, વાત કરી નહિ, આશીર્વાદ ન આપ્યા. સભામાં જેટલા હરિભક્તો છે બધાને આપણે ઓળખીએ, આ ગામના છે, નામ પણ ઘણાના આવડે, પણ બધાને બોલાવાય નહિ. તો કોઈએ મનમાં ન લાવવું. દર્શન થયા તે મળ્યા એમ માની લેવું. આશીર્વાદ માની લેવા... વળી, પ્રકરણ ફરશે તો બધાને મળીશું.' એમ અંતરના મીઠા ઉદ્ગારોથી સ્વામીશ્રીએ સૌને પ્રત્યક્ષ આશીર્વાદ કરતાં, પ્રત્યક્ષ મળવા કરતાં પણ અનેક ઘણું વધારે સુખ આપી દીધું. સ્વામીશ્રીનો એક એક શબ્દ પ્રેમ-વાત્સલ્યથી નીતરતો હતો.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-36:
The Simple and Concise Definition of Maya
“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã…”
[Gadhadã II-36]