પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૬૫
નકુરુ, તા. ૧૪-૫-૧૯૭૦
સભા-પ્રસંગમાં યોગીજી મહારાજ અંતરાય ઉપર વાત કરતા હતા. બે શેઠિયાના દૃષ્ટાંતથી સમજાવ્યું કે પારસમણિ ચિનાઈ કાગળમાં ઢાંકેલો તે લોઢાનો ડાબરો સોનાનો ન થયો.
'બાપા ! ચિનાઈ કાગળ જેટલો અંતરાય એ ખબર કેમ પડે ?' એક હરિભક્તે સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો.
'તમને હમણાં લાખ રૂપિયા આપવાનું કહીએ તો ખબર પડે. એ અંતરાય...' એવો તો સચોટ ઉત્તર સ્વામીશ્રીએ આપ્યો, સૌ સ્તબ્ધ થઈ ગયા. અને 'ચિનાઈ કાગળ જેટલો અંતરાય' એનો અર્થ સૌ સૌનાં મનમાં જ સમજી ગયા. કોઈને પૂછવાનું બાકી રહ્યું નહિ.
- સાધુ ઈશ્વરચરણદાસ